નાનપણથી જ તેને ધૂળ-માટીનું એક્સપોઝર કઈ રીતે લેવા દેવાય?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારું બાળક ૯ મહિનાનું છે. કોરોના પછી ઘરમાં હાઇજીન સ્ટાન્ડર્ડ્સ ઘણાં વધી ગયાં છે. બાળક આવ્યું પછી તો આખું ઘર દર બે દિવસે સૅનિટાઇઝ થાય છે. તેને કોઈ અડે એ પહેલાં પણ અમે સૅનિટાઇઝ કરીએ જ છીએ. તકલીફ એ છે કે ઘરમાં રહે ત્યાં સુધી વાંધો નહીં, બહાર લઈ જવાથી માંદું પડી જાય છે. અમે આ ૯ મહિનામાં ૩ વાર તેને બહાર લઈ ગયા અને ત્રણેય વાર તે માંદું પડી ગયું. તાવ, શરદી અને આખો દિવસ રડારડ. તેની ઇમ્યુનિટી વધારવા શું કરીએ?
તમારી હાલત નવાં બનેલાં માતા-પિતાઓની હાલત જેવી જ છે. બાળકને ઇન્ફેક્શન ન થાય એ માટે ધૂળ અને ડસ્ટથી તો કોસો દૂર રાખવામાં આવે છે. નાનપણથી જ તેને ધૂળ-માટીનું એક્સપોઝર કઈ રીતે લેવા દેવાય? તો અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે કોઈ પણ પ્રકારના નવા એક્સપોઝરની અસર બાળક પર દેખાય જ છે, પછી તે ૬ મહિનાનું હોય કે ૬ વર્ષનું. જેમ કે જન્મેલું બાળક સીઝન બદલાય એટલે થોડું માંદું પડે છે. મોટા ભાગના લોકો માને છે કે મોટા થયા પછી બાળક નવું એક્સપોઝર સહી શકશે. નાનું છે એટલે નહીં સહી શકે, એ ખોટી માન્યતા છે.
સમજવા જેવી વાત એ છે કે તમે તેને ધૂળમાં રમવા જ નહીં દો, એનાથી એકદમ બચાવીને જ રાખશો તો તેનામાં એ કીટાણુઓ માટેની ઇમ્યુનિટી ડેવલપ જ નહીં થાય એટલે તેની ઉંમર વધારે હોવા છતાં તે માંદું પડશે અને લાંબો સમય તેને એનાથી દૂર રાખશો તો તેનું શરીર એ વસ્તુઓ પ્રત્યે એલર્જી ડેવલપ કરશે, જેને કારણે આજે જોશો તો ઘણાં બાળકોને ધૂળ-માટીની એલર્જી હોય છે. જેમ વધારે ગંદકી ખરાબ છે એમ વધારે પડતું હાઇજીન પણ ખરાબ છે. એ બન્ને વચ્ચે બૅલૅન્સ જાળવવું જરૂરી છે. બાળકને મેદાનમાં રમવા જવા દેવું જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વ જમતા પહેલાં હાથ ધોવડાવવાનું છે. આમ રૂટીન હાઇજીનનું ધ્યાન જરૂરી છે, પરંતુ એનો અતિરેક બરાબર નથી. માટે તમે બાળકને થોડું ઘણું ધૂળ-માટીનું એક્સપોઝર આપતા થાવ. બહાર લઈ જાવ અને ત્યાર પછી માંદું પડે તો ગભરાવ નહીં, એવું થાય. બાળક માંદું પડે અને એમાંથી રિકવર થાય એ પણ ઇમ્યુનિટી બિલ્ડ કરવાની એક પ્રોસેસનો જ ભાગ છે, એ સમજો.


