પ્રેગ્નન્સી વખતે ટેસ્ટ કરાવે ત્યારે જ આ બાબત સામે આવે કે તેમને થાઇરૉઇડ છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૩૨ વર્ષની છું અને હાલમાં ૬ વીકની પ્રેગ્નન્સી છે. પ્રેગ્નન્સી પ્લાન નહોતી એટલે કોઈ ટેસ્ટ કરાવ્યાં નહોતાં, પરંતુ પ્રેગ્નન્સી પછી ડૉક્ટરની સૂચના મુજબ બધાં ટેસ્ટ કરાવ્યાં, જેમાં હાઇપોથાઇરૉઇડ છે. મને ક્યારથી આ રોગ છે એ ખબર નથી. પહેલાં તો એવું કશું હતું નહીં, પરંતુ મને અત્યારે એ ડર લાગે છે કે એને કારણે મારા બાળકને કોઈ તકલીફ નહીં થાયને? થાઇરૉઇડ મેડિસિન શરૂ કરી દીધી છે. બીજું શું ધ્યાન રાખવું?
પ્રેગ્નન્સીમાં થાઇરૉઇડની સમસ્યા એક સામાન્ય પ્રૉબ્લેમ છે. મોટા ભાગે એવું બનતું હોય છે કે પ્રેગ્નન્સી વખતે ટેસ્ટ કરાવે ત્યારે જ આ બાબત સામે આવે કે તેમને થાઇરૉઇડ છે. અમુક સ્ત્રીઓ જેને જિનેટિકલી થાઇરૉઇડ થવાની શક્યતા હોય છે તેમને ખાસ પ્રેગ્નન્સી દરમ્યાન આ રોગ થાય છે. પ્રેગ્નન્સીમાં થાઇરૉઇડ વધુ ચિંતાજનક કેમ માનવામાં આવે છે. ૨-૫ ટકા સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમ્યાન હાઇપોથાઇરૉડિઝમનો પ્રૉબ્લેમ થાય છે. જો સ્ત્રીને પહેલેથી થાઇરૉઇડ હોય અને તે પ્રેગ્નન્ટ બને કે સ્ત્રીને અચાનક પ્રેગ્નન્સી સમયે જ થાઇરૉઇડ આવે, આ બન્ને કેસમાં જો થાઇરૉઇડનું નિદાન ન થઈ શકે અથવા એનો ઇલાજ ચાલુ ન કરવામાં આવે તો બાળકના વિકાસમાં મોટો ખતરો ઊભો થઈ શકે છે. સારું છે કે તમારું નિદાન થઈ ગયું છે.
પ્રેગ્નન્સીના પહેલા ૩ મહિના બાળક પાસે પોતાની થાઇરૉઇડ ગ્રંથિ હોતી નથી. તે પોતાના ગ્રોથ માટે માતાનું થાઇરૉઇડ વાપરતું હોય છે. જો માતાનું જ થાઇરૉઇડ ઓછું હોય તો બાળકને પૂરતું થાઇરૉઇડ મળે નહીં અને તેના મગજનો વિકાસ થાય નહીં. તેના સ્નાયુઓ પણ નબળા રહી જાય. આ પરિસ્થિતિમાં બાળક મંદબુદ્ધિ પણ જન્મી શકે છે. આ સિવાય મિસકૅરેજ, મૃત બાળક, પ્રીમૅચ્યોર ડિલિવરી, અવિકસિત બાળક જન્મવાની સંભાવના વધુ રહે છે, પણ જો તમે દવાઓ બરાબર લેશો તો આ રિસ્ક નહીં રહે. માટે ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ શરૂ કરો. દર ૪-૬ અઠવાડિયે ફરીથી ટેસ્ટ કરવાનું કહેવામાં આવશે. થાઇરૉઇડના લેવલ મુજબ દવાનો ડોઝ ઉપર-નીચે થઈ શકે. ડિલિવરી પછી પણ ૬ અઠવાડિયાં સુધી તમારે આ દવા ચાલુ રાખવી પડશે. આ દવા સવારે ઊઠીને ખાલી પેટે લેવાની હોય છે અને એના અડધા કલાક સુધી કશું જ લેવાનું હોતું નથી. એના પછી તમે નાસ્તો કરી શકો છો. ગભરાયા વગર તમારા થાઇરૉઇડનો ઇલાજ અને સમયાંતરે ટેસ્ટ કરાવતા રહો એ જરૂરી છે.


