Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પગ પણ છે તમારી હેલ્થનું દર્પણ

પગ પણ છે તમારી હેલ્થનું દર્પણ

Published : 19 September, 2024 11:20 AM | IST | Mumbai
Rajul Bhanushali

શરીરનું સ્વાસ્થ્ય કેવું છે એ કેટલાંક અંગોમાં તરત જ રિફ્લેક્ટ થવા લાગે છે. પગના દેખાવમાં અથવા ક્ષમતામાં ફેરફાર કે ચોક્કસ પ્રકારના દુખાવા દર્શાવે છે કે શરીરમાં ચોક્કસ પ્રકારની ઊણપ કે સમસ્યા છે. તો ચાલો જાણી લઈએ કયા રોગોના સંકેતો પગ દ્વારા મળી શકે છે એ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શરીરનાં ૨૫ ટકા હાડકાં માનવીના પગમાં હોય છે. જો તમે દરરોજ ૮૦૦૦થી ૧૦,૦૦૦ પગલાં ચાલો છો તો ૫૦ વર્ષની વય સુધીમાં સમગ્ર પૃથ્વીની બે વખત પ્રદક્ષિણા થાય એટલું ચાલો છો. કમર, થાપા અને ગોઠણની સમસ્યામાં પગના પંજા અને ઘૂંટી જ જવાબદાર હોય છે. જોકે પગ એક એવું અંગ છે જેમાં માત્ર હાડકાંની જ તકલીફ થાય છે એવું નથી. શરીરના આંતરિક અવયવોમાં થયેલી ગરબડ પણ પગ ચોક્કસ સંકેતો દ્વારા બતાવે છે. આ સંકેતો શું હોઈ શકે એ વિશે બાવન વર્ષથી પ્રૅક્ટિસ કરતાં જુહુનાં ડૉ. નિશા શાહ સાથે વાત કરી. તેઓ કહે છે, ‘પગ પરથી અનેક રોગોના સંકેતો મળે છે. પગના નખ જો પેલ યલો કલરના હોય તો એ એનીમિયા કે લિવર ડિસીઝની નિશાની છે. અંગૂઠા પર કે એની આજુબાજુ સ્વેલિંગ હોય તો ગાઉટ હોઈ શકે. જો તમારા કાફ મસલ્સમાં પેઇન રહેતું હોય તો વિટામિન Eની ડેફિશ્યન્સી હોય. પગની વેઇન્સ ફૂલી ગઈ હોય અને એમાં પર્પલ કલર દેખાતો હોય તો વૅરિકોઝ વેઇનની શરૂઆત હોઈ શકે. વૅરિકોઝ વેઇન ડાયાબેટિક લોકોને જલદી થતું હોય છે. આ ઉપરાંત જો પગમાં ક્રૅમ્પ્સ આવતા હોય કે ટિંગલિંગ થતું હોય કે પછી નમ્બનેસ આવી જવી જેવાં લક્ષણો દેખાય તો એને બિલકુલ ઇગ્નૉર ન કરવાં. ડાયાબેટિક લોકોએ તો પોતાના પગનું વધારે ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે જો ક્યાંય ઇન્ફેક્શન થાય અને પાકી જાય તો જલદી રુઝ આવતી નથી અને ઘણાબધા કિસ્સામાં પગ કે અમુક ભાગ કાપી નાખવો પડે છે. એટલે જેમને શુગર હોય એ લોકોએ તો પોતાના પગનું ખૂબ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. પગની સ્કિન જો ઊખડતી કે ફાટતી હોય તો ડીહાઇડ્રેશન હોઈ શકે. એવું જોકે કોઈક ક્રોનિક બીમારીને કારણે પણ થાય, પરંતુ જો એવું કશું ન હોય તો એનો અર્થ એ છે કે તમે હાઇડ્રેટેડ નથી. સ્કિન જો ખૂબ ડ્રાય રહેતી હોય તો મૉઇશ્ચરાઇઝર લગાડવું જરૂરી છે. ડ્રાયનેસ પર ધ્યાન ન આપીએ તો આગળ જઈને એ ઈચિંગ એક્ઝિમા સુધી જઈ શકે છે. ક્યારેક એવું થાય કે અમુક કારણસર ચાલમાં બદલાવ આવી જાય (જેમ કે પગ ઘસડીને ચાલવું કે ચાલતી વખતે પગ આડા પડવા) કે પગનો આકાર ચેન્જ થવા લાગે તો પણ ડૉક્ટર પાસે જવું જરૂરી છે. વિટામિન ‘ડી’ અને કૅલ્શિયમની કમીને કારણે હાડકાં નબળાં પડતાં હોઈ શકે. અર્લી સ્ટેજમાં આની કૅર થઈ જાય તો મોટી તકલીફ નિવારી શકાય છે.


સોજા અને ત્વચાના કલરમાં ચેન્જ



સૌથી વધુ ચિંતા પગમાં રહેતા સોજાની કરવી પડે એમ જણાવતાં ડૉ. નિશા કહે છે, ‘જો પગની ચામડી પર આંગળી મૂકીને દબાવો અને ખાડો પડી જાય એનો અર્થ એ છે કે તમને સોજા છે. પગમાં રહેતા સોજાનો અર્થ એ કે તમારા હાર્ટ, લિવર કે કિડની આ ત્રણ અવયવમાંથી કોઈ એક અવયવ સરખી રીતે કામ નથી કરી રહ્યું. બ્લડ-પ્રેશર વધુ રહેતું હોય તો પણ પગમાં સોજા આવતા હોય છે. પગના સોજાને ઇગ્નૉર બિલકુલ ન કરવા. તમે ડૉક્ટર પાસે જશો ત્યારે કારણ ખબર પડશે એટલે ડૉક્ટરની પાસે જવું જરૂરી છે. આ ઉપરાંત શિયાળામાં પગનું ઠંડું પડી જવું એક સામાન્ય વાત છે, પણ જો કાળઝાળ ગરમીમાં પણ આમ થવા લાગે તો  એનો અર્થ કંઈક તકલીફ છે. આ હાઈ કૉલેસ્ટરોલના સંકેતો હોઈ શકે છે. આ કારણે સ્કિનનો કલર ચેન્જ થતો હોય છે. હાઈ કૉલેસ્ટરોલને કારણે પગ તરફની બ્લડ-સપ્લાય પર અસર પડે છે, જેની અસર પગ પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. ટૂંકમાં, જો નાનકડી પણ ઍબ્નૉર્મલિટી જુઓ તો એક વખત ડૉક્ટરને ચોક્કસ મળી લેવું.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2024 11:20 AM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK