સારી ગુણવત્તાની ઊંઘની સાથે તમે કઈ રીતે સૂઓ છો એની અસર પણ આરોગ્યને થતી હોય છે એટલે બેસ્ટ સ્લીપિંગ પોઝિશન કઈ એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
યોગ્ય ઊંઘ આપણી ઇમ્યુન-સિસ્ટમ, મૂડ, મેમરી અને શરીરના ઓવરઑલ ફંક્શનિંગને સરળ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આખો દિવસ કામ કરીને ઘરે આવ્યા બાદ માઇન્ડને રિલૅક્સેશન ઊંઘથી જ મળે છે. હેલ્થને સારી રાખવા માટે ફક્ત સારી ગુણવત્તાની ઊંઘ જ નહીં, તમે કઈ રીતે સૂઓ છો એ પણ બહુ મહત્ત્વનું છે. પીઠના બળે સૂવાથી ગરદન અને કરોડરજ્જુને ટેકો મળે છે, પણ એક પડખે સૂવાથી પાચનતંત્ર સુધરે છે. આ ઉપરાંત જે લોકોને નસકોરાંની તકલીફ હોય અથવા વારંવાર ઍસિડિટી થતી હોય એમાં પણ રાહત મળે છે. પીઠના બળે સૂવું વધુ સારું કે એક પડખે સૂવું સારું કહેવાય એ વિશે વિગતવાર જાણીએ.
કઈ પોઝિશન છે બેસ્ટ?
ADVERTISEMENT
પીઠના બળે સૂવાથી એટલે કે બેડ પર સીધા સૂવાથી ગરદન અને કરોડરજ્જુ રિલૅક્સ રહે છે અને સાંધા પર પણ દબાણ ઓછું થાય છે, પણ એના જેટલા ફાયદા છે એના કરતાં વધારે ગેરફાયદા છે. જે લોકોને નસકોરાંની તકલીફ હોય તેમની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. ગર્ભવતી સ્ત્રીઓને પીઠના બળે સૂવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણ એ બાળકને રક્તપ્રવાહ પહોંચાડવામાં અવરોધ ઊભો કરે છે. એ ગર્ભ અને હૃદય પર દબાણ નિર્માણ કરે છે. ઘણા લોકોને સીધા સૂવાથી શ્વાસ રૂંધાતો હોય છે. એવું એટલા માટે બને છે કારણ કે ગળાના ભાગમાં પ્રેશર આવે છે. એક પડખે અને એમાંય ખાસ કરીને ડાબી બાજુએ સૂવું હૃદય અને પાચનતંત્ર માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આ રીતે સૂવાથી ઍસિડિટી થતી નથી અને ખોરાકનું પાચન સરળ રીતે થાય છે. ડાબી બાજુએ સૂવાથી રક્તપ્રવાહ સુધરે છે એટલે ગર્ભાવસ્થામાં પણ આ સ્લીપિંગ પોઝિશનને બેસ્ટ ગણવામાં આવે છે. જે લોકોને નસકોરાંનો પ્રૉબ્લેમ હોય એ લોકોને પણ થોડી રાહત મળે છે અને ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે. જોકે સતત એક જ પડખે સૂવાથી ઓશીકા સાથે ત્વચાનો ઘસારો થાય છે જેને લીધે કરચલીઓ પડી શકે છે. જમણા પડખે સૂવાથી વધુ નુકસાન નથી, પણ એ બાજુ સૂવાથી ખોરાક જલદી પચતો નથી અને ટૉક્સિન્સ પણ દૂર થતાં નથી, જેને લીધે આગળ જતાં પાચન સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે.
શું કરવું?
પીઠમાં દુખાવો હોય તો પીઠના જ બળે એટલે કે સીધા સૂવું હિતાવહ છે, પણ સાથે પીઠને સપોર્ટ મળે એ રીતે ઓશીકું રાખવું.
હૃદય સંબંધિત રોગ હોય તો એના પર દબાણ ન આવે એ માટે ડૉક્ટરો જમણી બાજુએ સૂવાની ભલામણ પણ કરતા હોય છે.
એક પડખે સૂતી વખતે બન્ને ઘૂંટણમાં ઘસારો થઈ શકે એમ હોવાથી બન્ને વચ્ચે સૉફ્ટ તકિયો રાખવો.
ત્વચા સારી રહે એ માટે ઓશીકાનું કવર સિલ્કના કાપડનું રાખવું.


