ઍક્ટ્રેસ દિયા મિર્ઝાએ થોડા સમય પહેલાં આપેલા ઇન્ટરવ્યુમાંથી આ પ્રશ્ન ઊઠ્યો છે. મોબાઇલ ઍડિક્શન ગંભીર વિષય છે અને દુનિયાભરના દેશો આ દિશામાં વધુ ને વધુ અલર્ટ પગલાં લઈ રહ્યાં છે ત્યારે આપણે ક્યારે ચેતીશું?
પ્રતીકાત્મક તસવીર
‘તે દરરોજના ૮ કલાક ફોન પર પસાર કરતી હતી. ફોન પરની તેની નિર્ભરતાને દૂર કરવા માટે અમે ભરપૂર પ્રયાસો કરી રહ્યા છીએ. ખરેખર, આ ખૂબ જ અઘરી જર્ની બની રહી છે અમારા બધા જ માટે.’
પતિ વૈભવ રેખીનાં પહેલાં લગ્નથી જન્મેલી ૧૬ વર્ષની દીકરી સમૈરાની વાત કરતાં ઍક્ટ્રેસ દિયા મિર્ઝાએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહેલી આ વાતોએ ફરી એક વાર બાળકોમાં વધી રહેલા મોબાઇલ ઍડિક્શનના મુદ્દાને ચર્ચાનું કેન્દ્ર બનાવ્યો છે. પોતાના ૪ વર્ષના દીકરા અવ્યાન અને દીકરીના ઉલ્લેખ સાથે મોબાઇલ ઍડિક્શનની આડઅસરોની ચર્ચા કરતાં દિયા મિર્ઝાએ કહ્યું હતું કે ‘સ્ક્રીન-ઍડિક્શન બાળકમાં માત્ર બિહેવિયરલ હાનિ જ નહીં, ઇમોશનલ અને ન્યુરોલૉજિકલ સ્તરે પણ નુકસાન કરે છે. ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવતી કન્ટેન્ટથી બાળકમાં જરૂર કરતાં વધારે ડોપમીન જનરેટ થાય છે; આ એક ન્યુરોટ્રાન્સમિટર છે જે મગજના કેમિકલ મેસેન્જર તરીકે કામ કરે છે અને આપણાં મૂવમેન્ટ, મોટિવેશન, પ્લેઝર વગેરેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વધારે પડતું ડોપમીન બાળકને કોકેન આપ્યું હોય એવી અસર પેદા કરે છે અને એટલે જ એમાંથી છુટકારો મેળવવાનું કામ અઘરું થઈ જાય છે. વ્યુઝ અને લાઇક્સ માટે બાળમાનસને ઉત્તેજિત કરતું કન્ટેન્ટ બનાવવામાં આવે છે અને નિર્દોષ લાગતી આ કન્ટેન્ટ ખૂબ ગંભીર પરિણામ લઈ આવે છે. ચાઇલ્ડ પૉર્નોગ્રાફીનું વધતું પ્રમાણ અને બાળકોનું થઈ રહેલું શોષણ ગંભીર બાબત બનતી જોઈને જ દુનિયાના ઘણા દેશોએ ૧૬ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને સોશ્યલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.’
ADVERTISEMENT
સંભવ છે કે આ મુદ્દા વિશે ભૂતકાળમાં વાત થઈ હોય, પરંતુ સતત આ મુદ્દા પર સંશોધનો થઈ રહ્યાં છે અને મોબાઇલની બાળમાનસ પર થતી માઠી અસરોની ચર્ચા પણ વિસ્તારપૂર્વક થઈ રહી છે. આજના સમયમાં લગભગ દરેક બાળકના હાથમાં ફોન છે અને પોતે જ મોબાઇલના રવાડે ચડેલા પેરન્ટ્સ માટે બાળકને એનાથી દૂર રાખવાનું કામ સરળ નથી. કેટલાક નિષ્ણાતો સાથે વાત કરીને જાણીએ કે આજે ઘર-ઘરમાં જ્વલંત બની રહેલી આ ગંભીર સમસ્યાનું સમાધાન શું?

રાશિ આનંદ, ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સેલર
ચોંકાવનારા આંકડા
સ્માર્ટ પેરન્ટ્સ સૉલ્યુશન નામની કંપનીએ ગયા વર્ષે કરેલો એક અભ્યાસ કહે છે કે પાંચથી ૧૬ વર્ષની ઉંમરનાં લગભગ ૬૦ ટકા બાળકો ડિજિટલ ઍડિક્શન તરફ ગતિ કરી રહ્યાં છે. સેકન્ડરી સ્કૂલમાં ભણતા ૮૩.૨ ટકા સ્ટુડન્ટ્સ બે કલાકથી વધારેનો સ્ક્રીન-ટાઇમ ધરાવે છે. લોકલ સર્કલ નામની એક એજન્સીનો સર્વે કહે છે કે કોવિડ પછી ૬૧ ટકા બાળકો ૩ કલાક કરતાં વધુ સમય સોશ્યલ મીડિયા, OTT પ્લૅટફૉર્મ્સ અને ગેમિંગ પ્લૅટફૉર્મ્સ પર પસાર કરતાં થયાં છે. ૫૪ ટકા પેરન્ટ્સ પોતે જ પોતાનાં ઘરગથ્થુ કામ પાર પાડવા માટે બાળકના હાથમાં ફોન પકડાવી દેતા હોય છે. ક્યારેય એવું થયું છે કે તમે બાળકના હાથમાં ફોન પકડાવ્યો હોય અને તે ગુસ્સામાં વસ્તુઓ પછાડવા માંડે કે પછી અચાનક તેને પૅનિક અટૅક આવે અથવા તેને ભયંકર ચિંતા થઈ આવે? આ જ કારણ છે કે ૮૫ ટકા પેરન્ટ્સને સમજાતું નથી કે બાળકના હાથમાંથી મોબાઇલ મુકાવવો કઈ રીતે? ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સેલર રાશિ આનંદ આ વિષય પર વાત કરતાં કહે છે, ‘નૉર્મલી બાળકનું ધાર્યું ન થાય તો તે રડે એ કૉમન રિસ્પૉન્સ છે, પરંતુ જ્યારે ઍડિક્શન હોય ત્યારે એનાં લક્ષણો બાળકના બિહેવિયરમાં વધુ તીવ્ર હોય છે. વાત રડવા પર ન અટકે, એ ઍન્ગ્ઝાયટી સુધી પહોંચે. તે ખોટું બોલતો થાય, પોતાના રૂટીન કામથી પણ દૂર ભાગે, છુપાવવાનું શરૂ કરે, ઑફલાઇન ઍક્ટિવિટીમાં તેને કોઈ રસ જ ન રહે. કોઈ બોલાવે તો ઇરિટેટ થાય. કંટાળો, ડર, ગુસ્સો, દુખ આ બધાથી જ દૂર ભાગવા તે સ્ક્રીન-ટાઇમને માધ્યમ બનાવે. આજે ઘણાં ઘરોમાં એ કૉમન થઈ ગયું છે કે જ્યાં સુધી બાળકના હાથમાં ફોન નહીં આપો ત્યાં સુધી તે જમશે નહીં. આ પેરન્ટ્સની જ શરૂઆતમાં થયેલી ભૂલનું પરિણામ છે.’
શું કામ ગંભીર?
ભોપાલની એક અગ્રણી સંસ્થાએ કરેલો સર્વે કહે છે કે મધ્ય પ્રદેશમાં ૨૪.૯ ટકા ટીનેજર્સ ઍન્ગ્ઝાયટી, ૫૬ ટકા અધીરાઈ અને ૫૯ ટકા ઍન્ગર ઇશ્યુનો સામનો કરી રહ્યા છે જેનું મુખ્ય કારણ વધુપડતો સ્ક્રીન-ટાઇમ છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના નિષ્ણાતો પાસે ૭ વર્ષનું એક બાળક આવેલું જે વિચિત્ર અવાજ કાઢતું, પણ બોલી નહોતું શકતું. એ કેસમાં ઊંડા ઊતરતાં રિસર્ચરોને સમજાયું કે દિવસના આઠથી વધુ કલાકના સ્ક્રીન-ટાઇમનું આ પરિણામ હતું. કાઉન્સેલિંગ અને સ્ક્રીન-ટાઇમમાં ઘટાડો કર્યા પછી તેની સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ બદલાવ પણ નોંધ્યો હતો. મોબાઇલનો ઉપયોગ બાળકને અનેક રીતે નિર્બળ બનાવવાનું કામ કરી રહ્યો છે. તેના માનસિક સ્વાસ્થ્ય સાથે તેને ન્યુરોલૉજિકલ ડિસઑર્ડરનો પણ શિકાર બનાવી શકે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે વધુ પડતો સ્ક્રીન-ટાઇમ ઑટિસ્ટિક જેવાં લક્ષણો દેખાડે છે જેમાં બોલવામાં વિલંબ થઈ શકે છે. ૭૭ ટકા બાળકોની ઊંઘ મોબાઇલને કારણે હરામ થઈ છે. બીજી એક દંગ કરનારી બાબત એ છે કે જે લોકો પૈસેટકે સુખી છે એવા પરિવારોનાં બાળકો મોબાઇલના વધુ વ્યસની થઈ રહ્યાં છે. મોટા ભાગના પેરન્ટ્સને સમજાઈ જ નથી રહ્યું કે મોબાઇલનું ઍડિક્શન સાઇલન્ટ રોગચાળા જેવું છે. પેરન્ટ્સ પોતે જ એનો શિકાર છે અને બીજી બાજુ બાળકો હેલ્થ-ઇશ્યુઝ અને ગ્રોથ-ઇશ્યુઝની સાથે સામાજિક સ્તરે કેટલાંક અન્ય જોખમોનો શિકાર પણ બની શકે છે. રાશિ કહે છે, ‘સ્કૂલ-કાઉન્સેલિંગમાં પણ બાળકોમાં માથાનો દુખાવો, આંખોમાં નબળાઈ, ગરદનમાં દુખાવો જેવી સમસ્યાઓ સામાન્ય બનતી જાય છે. મેદસ્વિતા, રેડિયેશન એક્સપોઝર, એકલતા, ડિપ્રેશન, ઇમોશનલ ઇન્ટેલિજન્સનો અભાવ, પૉર્ન-ઍડિક્શન જેવી સમસ્યાઓ ઉપરાંત એકાગ્રતાનો અભાવ એ આજનો વિકટ પ્રશ્ન બાળકોમાં જોવા મળી રહ્યો છે. મારી પાસે નાઇન્થમાં ભણતી એક યુવતીના પેરન્ટ્સ અને યુવતી આવેલાં. તેની સમસ્યા હતી કે દર ૧૫ મિનિટે ફોન ન જુએ તો તેને ઍન્ગ્ઝાયટી થઈ જતી. નજીકમાં રહેતા મિત્રોને મળીને વાત કરવામાં તે મૂંઝવણમાં મુકાઈ જતી, પરંતુ એ મિત્રો સાથે તે ઑનલાઇન ચૅટિંગ કરીને સંપર્કમાં રહેતી. એક કિસ્સામાં એક બાળક પોતાના ગમતા પૉપ મ્યુઝિક બૅન્ડના રવાડે ચડીને સોશ્યલ મીડિયા પર સુસાઇડની વાતો કરતાં ગ્રુપ્સને ફૉલો કરતું થઈ ગયું હતું. તેણે પણ જ્યારે નાની-નાની વાતમાં સુસાઇડની ધમકી આપવાનું શરૂ કર્યું ત્યારે પેરન્ટ્સ અલર્ટ થઈ ગયા અને અમારી પાસે આખો કેસ આવેલો.’
આવી રહ્યો છે બદલાવ
યુનેસ્કોનો રિપોર્ટ કહે છે કે દુનિયાભરની લગભગ ૪૦ ટકા શૈક્ષણિક સંસ્થાઓએ સ્કૂલમાં સ્માર્ટફોનનો ઉપયોગ પ્રતિબંધિત કરી દીધો છે. ફ્રાન્સમાં પ્રાઇમરી અને લોઅર સેકન્ડરી સ્કૂલનાં બાળકોને ફોન વાપરવા પર પાબંદી છે અને ડિજિટલ બ્રેક નામનું કૅમ્પેન પણ અહીં સરકાર દ્વારા પ્રમોટ થઈ રહ્યું છે. યુકે, બેલ્જિયમ, સ્પેન જેવા દેશોએ જ્યારથી સ્કૂલમાં સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરાવ્યો છે એ પછી સ્કૂલનાં બાળકોની લર્નિંગ એબિલિટી સુધરી હોવાનું યુનેસ્કો દ્વારા થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે.
ટ્રાય કરો બાળકને સ્ક્રીન-ટાઇમથી બચાવવાના આ સરળ રસ્તાઓ
- દરેક ઉંમરમાં સ્ક્રીન-ટાઇમના જુદા નિયમો છે. ૧૮ મહિનાથી નાનાં બાળકોથી સંપૂર્ણ ફોન દૂર રાખો. ૧૮થી ૨૪ મહિના સુધી બાળકને સારી વસ્તુ સ્ક્રીન પર દેખાડો, પણ તમે એમાં સાથે રહો. બે વર્ષથી પાંચ વર્ષના બાળકને દિવસમાં એક કલાક જ સારી ગુણવત્તાના કાર્યક્રમો ટીવી પર જોવા દો. પાંચ વર્ષથી ૧૭ વર્ષ સુધીના સંતાનને દિવસના બે કલાકથી વધુ સ્ક્રીન-ટાઇમ મળે જ નહીં એ રીતે તેનો દિવસ સેટ કરો.
- તમારા ઘરમાં એક સ્ક્રીન-ફ્રી ઝોન હોવો જોઈએ અને ત્યાં દરરોજ ફૅમિલી સાથે મળીને સમય પસાર કરે એવા નિયમો પણ હોવા જોઈએ. ‘ટેક-ફ્રી ટાઇમ’ જેમાં તમે સાથે બેસીને ભોજન લેતા હો, દરરોજ શું થયું એને લગતા અનુભવો એક્સચેન્જ કરતા હો. ચાર્જિંગ ડિવાઇસ બેડરૂમની બહાર રહે એવી વ્યવસ્થા કરો.
- બહાર ગાર્ડનમાં રમવાનું અને વાંચવાનું, સાથે મળીને સાપસીડી કે લુડો જેવી બોર્ડગેમ રમવાની, કોઈ ડ્રૉઇંગ કે મ્યુઝિક જેવા હૉબી ક્લાસમાં જવાનું, ડાન્સિંગ અને રનિંગ જેવી બાબતોમાં પણ તમારું બાળક રસ લેતું થાય એ જરૂરી છે.
- બાળકના સ્ક્રીન-ટાઇમમાં તમે પણ તેની સાથે જોડાઓ અને આજકાલ શું ચાલી રહ્યું છે, કેવાં ફ્રૉડ થાય છે, ઍડ્વર્ટાઇઝમેન્ટ કેવી મિસગાઇડ કરનારી હોઈ શકે એ વિશે તેની સાથે હળવી ચર્ચા કરો.
- બાળક તમને જોઈને ઘણું શીખશે એટલે બાળક માટે સ્ક્રીન-ટાઇમના મામલામાં આદર્શ રોલમૉડલ બનો. તમે ઘરે આવીને મોબાઇલ પર ચોંટેલા હશો તો તમારું સંતાન પણ એ જ શીખશે.
તમને ખબર છે?
જપાનમાં ટ્રેન, બસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કે પબ્લિક-પ્લેસ પર હો ત્યારે સેલફોનનો ઉપયોગ કરવો, એના પર જોર-જોરથી વાતો કરવી કે ફોનની રિંગટોન વાગવી એ મૅનરિઝમનો અભાવ મનાય છે.
૩ કલાક ૪૩ મિનિટ
દુનિયાભરમાં લોકો દરરોજ ઍવરેજ આટલો સમય ફોન પાછળ વેડફે છે.


