જે સ્ત્રીને પ્રીમૅચ્યોર ઓવરિયન ફેલ્યર આવે એને ૨-૩ વર્ષની અંદર અર્લી મેનોપૉઝ આવી જ જાય
પ્રતીકાત્મક તસવીર
થોડાં વર્ષો પહેલાં મારી પાસે એકકેસ આવેલો. ૧૬ વર્ષની એક છોકરીને તેનું માસિક અનિયમિત રહેતું હતું. તેની મમ્મીને લાગ્યું કે આ એક નૉર્મલ પ્રૉબ્લેમ છે આ ઉંમરનો. તે મોટી થશે એમ એની મેળે આ પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે. આખું વર્ષ આ પ્રૉબ્લેમ ચાલુ જ રહ્યો ત્યારે તેની મમ્મીને લાગ્યું કે ડૉક્ટરને એકાદ વાર દેખાડી દઈએ તો ખબર પડે. એ લોકો મારી પાસે આવ્યા પછી મેં જરૂરી ટેસ્ટ કરી એમાં ખબર પડી કે આ છોકરીને પ્રીમૅચ્યોર ઓવરિયન ફેલ્યરની તકલીફ છે જેમાં ઓવરી ફેલ થઈ જાય છે. ઓવરીની સ્ત્રીશરીરમાં એક જરૂરિયાત હોય છે. એનાં અમુક નક્કી કામ હોય છે. અંડકોષનું નિર્માણ કરવાનું કામ, હૉર્મોન્સ બનાવવાનું કામ, જે મુખ્યત્વે સ્ત્રીશરીરમાં આવેલી બન્ને ઓવરી કરતી હોય છે. એ કામ કરવાનું ઓવરી મૂકી દે એટલે એ અવસ્થાને ઓવરી ફેલ થઈ ગઈ એમ કહેવાય. શરીરનું કોઈ પણ અંગ ફેલ થાય એટલે એ કાયમી અવસ્થા જ હોય છે, આ અવસ્થાને રોકવી શક્ય નથી. એનો અમુક હદે ઇલાજ કરી શકાય છે, પરંતુ ઓવરી ફેલ થાય એને ફરીથી કામ કરતી કરી શકાતી નથી. જ્યારે આ છોકરી ૨૨ વર્ષની થઈ ત્યારે તેનો મેનોપૉઝ શરૂ થઈ ગયો છે જે ખૂબ જ અસામાન્ય અને એ છોકરી માટે નુકસાનકારક એવી ઘટના કહી શકાય.
પ્રીમૅચ્યોર ઓવરિયન ફેલ્યર નામના આ રોગને પ્રાઇમરી ઓવરિયન ઇન્સફિશ્યન્સી પણ કહે છે. જ્યારે કોઈ સ્ત્રીની ઓવરી ૪૦ વર્ષની ઉંમર પહેલાં જ કામ કરવાનું બંધ કરી દે એને પ્રીમૅચ્યોર ઓવરિયન ફેલ્યર કહે છે. જે કેસની વાત અહીં થઈ છે એ પ્રકારની સ્થિતિ ઘણી ઓછી સ્ત્રીઓમાં જોવા મળે છે. મોટા ભાગે આ પરિસ્થિતિ ૩૫ વર્ષથી ૪૦ વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ઘણા લોકો આ પરિસ્થિતિને અર્લી મેનોપૉઝ સમજી લે છે. પરંતુ આ પરિસ્થિતિ અર્લી મેનોપૉઝ નથી, એની શરૂઆત છે. એટલે કે જે સ્ત્રીને પ્રીમૅચ્યોર ઓવરિયન ફેલ્યર આવે એને ૨-૩ વર્ષની અંદર અર્લી મેનોપૉઝ આવી જ જાય, કારણ કે ત્યાં સુધીમાં તેની ઓવરી કામ કરતી બંધ જ થઈ જાય માટે એગ્સ બને જ નહીં અને મેનોપૉઝ આવી જાય.
આ થવાનું કારણ ક્રોમોઝોમલ ઇફેક્ટ કે ઑટોઇમ્યુન રિસ્પૉન્સ હોઈ શકે છે. આ સિવાય જે સ્ત્રીને કૅન્સર છે તેની સર્જરીને કારણે, કીમોથેરપી કે રેડિયેશનની અસર રૂપે આ રોગ થઈ શકે છે. વધુપડતા સ્મોકિંગને કારણે, વાતાવરણમાં રહેલાં કેમિકલ્સ અને રસાયણયુક્ત ખાતરના પ્રયોગને કારણે પણ આ સમસ્યા જન્મી શકે છે. બસ, મહત્ત્વનું એ છે કે માસિકમાં અનિયમિતતા આવે ત્યારે એ સામાન્ય છે એમ સમજીને અવગણો નહીં.

