લોહીની નસોમાં દબાણ વધે તો શરીરમાં કોઈ તો લક્ષણ વર્તાવું જોઈએ જ, પરંતુ હકીકતમાં એ પ્રેશર કોઈ પણ રીતે મહેસૂસ થતું નથી
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
અત્યારે વિશ્વમાં જે રોગો મનુષ્ય પર વણજોઈતું ભારણ બની ગયા છે એમાંનો એક રોગ હાઇપરટેન્શન એટલે કે બ્લડ-પ્રેશર છે. ૬૦ ટકા સ્ટ્રોક અને ૪૦ ટકા હાર્ટ અટૅક માટે જવાબદાર આ રોગ ફક્ત હૃદય જ નહીં, કિડની અને મગજને પણ ડૅમેજ કરી શકે છે. આ રોગ વિશેની સામાન્ય સમજણ લઈએ તો સમજાશે કે લોહી સમગ્ર શરીરમાં પરિભ્રમણ કરતું રહે છે. આ લોહીની નળીઓમાં લોહીના પરિભ્રમણને કારણે એક દબાણ ઊભું થાય છે જે દબાણ હંમેશાં કન્ટ્રોલમાં હોવું જરૂરી છે. જો એ ઘટી કે વધી જાય તો પ્રૉબ્લેમ ઊભા થઈ શકે છે. જો એ ઘટી જાય તો એને લો બ્લડ-પ્રેશર કહે છે, જ્યારે વધી જાય તો એને હાઈ બ્લડ-પ્રેશર કહે છે. આ રોગને માટે જ સાઇલન્ટ કિલર એવું નામ આપવામાં આવ્યું છે એ સમજીએ તો લોહીની નળીઓમાં આવતું પ્રેશર ક્યારેય સામાન્ય પરિસ્થિતિમાં મહેસૂસ થતું નથી. એ જ આ રોગનો સૌથી મોટો પ્રૉબ્લેમ છે. વ્યક્તિ ત્યારે જ ડૉક્ટર પાસે જાય છે જ્યારે તેને કોઈ પ્રૉબ્લેમ થાય, જ્યારે તેને કોઈ પ્રૉબ્લેમ થાય જ નહીં તો તે ડૉક્ટર પાસે જાય નહીં જેને લીધે નૉર્મલ ચેક-અપ થાય નહીં અને એને જ કારણે આ રોગ ગંભીર બનતો જાય. સતત વધેલું બ્લડ-પ્રેશર શરીરને કોઈ મોટું નુકસાન પહોંચાડે ત્યારે જ સામે આવે છે કે વ્યક્તિને બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ હતો, પણ એ સમયે મોડું થઈ ગયું હોય છે.
લોહીની નસોમાં દબાણ વધે તો શરીરમાં કોઈ તો લક્ષણ વર્તાવું જોઈએ જ, પરંતુ હકીકતમાં એ પ્રેશર કોઈ પણ રીતે મહેસૂસ થતું નથી. એની પાછળનું કારણ સમજીએ તો બ્લડ-પ્રેશરમાં જે પ્રૉબ્લેમ આવે છે એમાં મુખ્ય એ વાત છે કે લોહીની નળીઓ ઘણી વાર કડક બની જતી હોય છે. એની સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી ઘટી જાય છે જેને લીધે પ્રેશર વધતું હોય છે. મોટા ભાગે ઉંમર વધવાને કારણે આ પ્રક્રિયા થતી હોય છે, પરંતુ આ પ્રેશર ક્યારેય એકસાથે અચાનક જ વધી જતું નથી, ધીમે-ધીમે વધે છે. જે પ્રેશરને નળીઓ સહન કરી લેતી હોય છે અને શરીર ધીમે-ધીમે એને અનુકૂળ થવાની કોશિશ કરતું હોવાથી કોઈ ખાસ લક્ષણ જણાતું નથી. સાઇલન્ટ કિલર તરીકે ઓળખાતો આ રોગ પોતે જ વ્યક્તિને મૃત્યુ સુધી પહોંચાડતો નથી, પરંતુ એ એવા રોગોને નિમંત્રે છે જેને લીધે વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. મુખ્યત્વે એ ચાર અંગો પર વધુ અસર કરે છે જે છે મગજ, હૃદય, આંખ અને કિડની. બસ, આ જ કારણોસર રેગ્યુલર ચેક-અપ જરૂરી છે. આ રોગની અસરને પહેલાં જ પારખી લેવાય તો જીવનને મહારોગોથી બચાવી શકાય છે.