કોવિડ બાદ નકારાત્મક સમાચારોનું સોશ્યલ મીડિયા પર સ્ક્રૉલિંગ વધ્યું છે એની સાઇડ-ઇફેક્ટ્સ પર સંશોધનો શરૂ થઈ રહ્યાં છે એમાંથી અમુક સંશોધનો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
પ્રતીકાત્મક તસવીર
કોવિડ બાદ નકારાત્મક સમાચારોનું સોશ્યલ મીડિયા પર સ્ક્રૉલિંગ વધ્યું છે એની સાઇડ-ઇફેક્ટ્સ પર સંશોધનો શરૂ થઈ રહ્યાં છે એમાંથી અમુક સંશોધનો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ગયા વર્ષે ઇંગ્લૅન્ડના મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત અહેવાલ મુજબ જાણવા મળ્યું કે લોકોમાં સોશ્યલ મીડિયાના કારણે વકેરિયસ ટ્રૉમા એટલે કે સેકન્ડ-હૅન્ડ ટ્રૉમા વધી રહ્યો છે અને લોકોને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની જરૂર પડી રહી છે ત્યારે જાણીએ કે આ ટ્રૉમા શું છે અને કયા ગ્રુપમાં થઈ રહ્યો છે
તમે બીજા વિશ્વયુદ્ધમાં લડવા નહોતા ગયા, પરંતુ એના વિડિયો અને સૈનિકોની વેદના વારંવાર સોશ્યલ મીડિયા પર જોઈ છે. તમે ૨૬/૧૧ કે ૯/૧૧નો ભોગ નથી બન્યા, પરંતુ એના ફોટોઝ અને સમાચાર લગભગ દરેક ન્યુઝ ચૅનલ અને ઇન્સ્ટાશૉટ પર જોઈ ચૂક્યા છો.
ADVERTISEMENT
નિર્ભયા કે અભયા જેવા અકસ્માત વિશે તમે રાત્રે સૂતા પહેલાં અને સવારે ઊઠતાં વેંત જ મોબાઇલ ખોલીને ન્યુઝનો ફૉલોઅપ લઈ રહ્યા છો.
આને કારણે હવે તમને આ દરેક ઘટના જાણે તમારા પર વીતી હોય એવું લાગી રહ્યું છે. તમે એટલા ભયભીત થઈ ગયા છો કે આખી દુનિયામાં કોઈ વ્યક્તિ અને કોઈ જગ્યા સુરક્ષિત નથી એવું તમને લાગવા લાગ્યું છે. બીજી ઘટનાઓ જોઈને કાં તો તમે નાની-નાની વાત માટે બહુ જ સંવેદનશીલ બની ગયા છો કાં તો પછી આ તો હવે રોજનું થઈ ગયું એમ વિચારીને સંવેદનહીન બની ગયા છો? જો આવું થઈ રહ્યું છે તો તમે વકેરિયસ ટ્રૉમા એટલે કે સેકન્ડ-હૅન્ડ ટ્રૉમાનો શિકાર થઈ રહ્યા છો. અતિશય સંવેદનાઓ તમને કાચ જેવા બનાવી દે કે પછી સાવ જ નિષ્ઠુર બનાવી દે ત્યાં સુધી વાત ન પહોંચે એ માટે દરેકે જાગૃત રહેવું મસ્ટ છે. વ્યક્તિમાં માનવતા જળવાઈ રહે, પણ સાથે જે-તે ઘટનાના નકારાત્મક વિચારો મનમાં અડ્ડો ન જમાવી બેસે એ માટે સભાનતા જરૂરી છે.
વ્યક્તિએ કેવી રીતે પોતાની માનવતા ખોયા વગર સહાનુભૂતિ દાખવવી એની ગાઇડલાઇન નિષ્ણાતો પાસે ઉદાહરણ દ્વારા જાણીએ.
શું છે સેકન્ડ-હૅન્ડ ટ્રૉમા?
બીજાના દુખે દુખી થનારા લોકો વિશે ચર્ની રોડના ઑપેરાહાઉસ, પંચરત્ન પર પ્રૅક્ટિસ કરતાં કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ અને રૅશનલ ઇમોટિવ બિહેવિયર થેરપી (REBT)ના નિષ્ણાત સાઇકોસેક્સ્યુઅલ ડિસઑર્ડર અને ડીઍડિક્શન સ્પેશ્યલિસ્ટ ડૉ. દર્પણ શાહ કહે છે, ‘સોશ્યલ મીડિયાના કારણે કોવિડ પછી આ કેસોમાં અધધધ વધારો થયો છે. મારી પાસે કોવિડ પછી આ ટ્રૉમાના કેસ બમણા થઈ ગયા છે. હવે હું તમને મારા કોઈ સ્પેસિફિક પેશન્ટ વિશે તો ન કહી શકું પરંતુ તમને દરેક પેશન્ટમાં જોવા મળતા આ ટ્રૉમાનાં સામાન્ય લક્ષણો કહી શકું. લોકોએ કોવિડના કારણે જે લોકો મૃત્યુ પામ્યા કે જે સંઘર્ષભરી હાલતમાં કોવિડકાળ પસાર કર્યો એના વિશે ઇન્ડાયરેક્ટ સમાચાર સંબંધીઓ પાસેથી સાંભળ્યા કાં તો સોશ્યલ મીડિયા પર વારંવાર સાંભળ્યા એના કારણે તેઓ પોતાની સાથે આ ઘટના બની છે એવું ઊંડી રીતે અનુભવવા લાગ્યા. એટલે કે વકેરિયસ ટ્રૉમાનો ભોગ બન્યા છે. હવે એમાં ફેક ન્યુઝ પણ નિમિત્ત બન્યા છે. તમે આજના કોઈ પણ સમાચાર લઈ લો, જેનો ઍક્સેસ બાળકથી લઈને કોઈ પણ મોટી ઉંમરના લોકો પાસે છે. આ ટ્રૉમા માટે કોઈ ઉંમર મર્યાદિત નથી. આ ટ્રૉમાના પેશન્ટ વારંવાર ન્યુઝના સંપર્કમાં રહ્યા અને તેમનું મેં અમારા મૅન્યુઅલ પ્રમાણે નિદાન કર્યું તો તેમનામાં આ ટ્રૉમાનાં શારીરિક લક્ષણો જેમ કે ગભરામણ થવી, શ્વાસ ફૂલી જવો, હૃદયના ધબકારા વધી જવા વગેરે નોંધાયાં. વાત-વાતમાં તેમને ડર લાગે કે મને રોગ થઈ જશે કે મારા પરિવાર સાથે ન બનવાનું બની જશે. તો આવા પેશન્ટને પહેલાં મેડિકેશનથી સારવાર આપવામાં આવે છે અને પછી એની સાથે સાઇકોથેરપી પણ આપવામાં આવે છે.’
નકારાત્મક વિચારોનો ઓવરડોઝ
સોશ્યલ મીડિયાના કારણે તમે જ્યારે હેટ સ્ટોરીઝ, રંગભેદ, ભેદભાવ, જાતિવાદના અવારનવાર સમાચાર સાંભળતા હો તો આ સમાચારોની આપણા પર ઊંડી અસર થાય છે એમ જણાવતાં સાયન હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ અને અસોસિયેટ પ્રોફેસર તેમ જ છેલ્લાં ૨૨ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં ડૉ. હિના મર્ચન્ટ પંડિત કહે છે, ‘જેના કારણે આપણને ઇમોશનલ ફટીગ લાગે એટલે કે અવારનવાર નકારાત્મક સમાચારો જોઈને માનસિક થાક લાગે. તમારું માઇન્ડ બોલે કે બસ યાર, આ બધું બહુ થઈ ગયું. એના કારણે ઊંઘમાં ખલેલ પડે કાં તો ઊંઘ જ આવે અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં ભયાનક દુઃસ્વપ્ન આવે. જે વસ્તુ વ્યક્તિ પરોક્ષ રીતે અનુભવ કરે તેનાં જ સપનાં તેને ઊંઘમાં પણ સતાવે. જાગતી અવસ્થામાં તેમનું મન વિચારના વમળમાં અટવાઈ જાય. એના કારણે તમે એકદમ નમ્બ, ડીટૅચ્ડ કે એકદમ અટૅચ્ડ થઈ જાઓ છો. તમારે એ લાગણીને અવગણવી હોય તો પણ અવગણી ન શકો. તમને કામ પર જવાનું મન થાય, દિનચર્યામાં કોઈ રુચિ ન રહે. ક્યારેક લાગણીનો ધોધ વહેવા લાગે તો ક્યારેક કોઈ લાગણી જ ન થાય. ક્યારેક વિક્ટિમના ટ્રૉમાને પોતાનો બનાવીને પોતાને વિક્ટિમ માનવા લાગો છો. આ ટ્રૉમાની સૌથી ખરાબ આડઅસર એ છે કે આ વિચારો કે તનાવને દૂર કરવા વ્યક્તિ આલ્કોહોલ કે ધૂમ્રપાનના રવાડે ચડી જાય. તમે પોતાને નિઃસહાય માનવા લાગો. તમારું દુનિયા પ્રત્યેનું મંતવ્ય જ બદલાઈ જાય અને તમારા જીવનના નિર્ણયો પર એની અસર પડે.’
બે અંતિમોથી બચવું
પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે દરેકે અતિશય દયા અને લાગણીવિહીનતાથી બચવું જરૂરી છે.
તમે દરિયાકિનારે છો અને એનાં મોજાં જોઈ રહ્યા છો, પરંતુ તમે અંદર નથી જઈ રહ્યા. એટલે કે તમે બીજાની લાગણી પોતાના પર નથી લઈ રહ્યા. એ છે સિમ્પથી એટલે કે ગુજરાતીમાં દયાભાવ. એનાથી વિપરીત જ્યારે વ્યક્તિનું દુઃખ તમે પોતાના પર લઈ રહ્યા છો એ છે એમ્પથી એટલે કે સહાનુભૂતિ. વિષયને આટલો સરળ બનાવીને સમજાવતાં ડૉ. હિના કહે છે, ‘જ્યારે તમે કોઈના દુઃખનો એહસાસ કરી શકો એ બહુ જ સુંદર લાગણી છે પરંતુ દયાભાવ અને સહાનુભૂતિની સમતુલા જાળવવી જરૂરી છે. એના માટે આ વિષય પર જ્ઞાન મેળવવું જરૂરી છે. હું વકેરિયસ ટ્રૉમાના વિષયમાં મારું જ ઉદાહરણ આપું. અમુક વર્ષો પહેલાં જ આ ટ્રૉમા હેલ્થ કૅર પ્રોફેશનલ સૈનિકો કે પોલીસ-કર્મચારીઓ, મીડિયા પ્રોફેશનલ સુધી મર્યાદિત હતો, કારણ કે તેઓ જ ફર્સ્ટ-હૅન્ડ તેમની સ્ટોરી સાંભળતા હતા કે સારવાર કરતા હતા. હવે સોશ્યલ મીડિયાને કારણે કોઈને પણ આ ટ્રૉમા થઈ શકે છે. હું મારી જ વાત કરું કે હું મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ છું અને મારી પાસે સેક્સ્યુઅલ અસૉલ્ટ, બાળકોનું શોષણ કે ઘરેલુ હિંસા જેવા કેસો આવતા હોય છે; જેની તીવ્રતા પર કદાચ વિશ્વાસ જ ન થાય. કેસ સાંભળતી વખતે મને ખ્યાલ આવી જાય છે કે મારા પર એની ઊંડી અસર થઈ રહી છે તો હું એ કેસ અન્ય ડૉક્ટરને સોંપી દઉં છું. જેવું અલાર્મ વાગે એટલે તમારે તમારી જાતને જે-તે વસ્તુથી ટ્રૉમા ટ્રિગર થઈ રહ્યો છે એનાથી ડિટૅચ કરી દેવા. સોશ્યલ મીડિયાના જમાનામાં મેન્ટલ હેલ્થ સાચવવા ‘સેલ્ફ-કૅર’ પર ધ્યાન આપવાનું શરૂ કરો. દિનચર્યા નિયમિત કરો, વધારે પડતું કામ કે જે તમારા મનની શાંતિ હણી રહ્યું છે એની પણ મર્યાદા નક્કી કરો. મોબાઇલ પર નેગેટિવ ન્યુઝનું સેવન ઓછું કરો. ભવિષ્યમાં આ કેસો વધવાના જ છે એટલે જાગૃતિ અને શિસ્તપાલન જ પ્રિવેન્શન છે.’
ટીવી બાદ હવે સંશોધકો સોશ્યલ મીડિયાથી થતા ટ્રૉમાના અભ્યાસ પર વળ્યા છે
વકેરિયસ ટ્રૉમાના ૯૦ ટકા અભ્યાસ ટીવી ચૅનલ અને ન્યુઝ બ્રૉડકાસ્ટિંગ પર જ થયેલા છે. સોશ્યલ મીડિયાને કારણે થતા ટ્રૉમાના અભ્યાસે છેલ્લાં અમુક વર્ષોમાં ધ્યાન ખેંચ્યું છે. વર્ષ ૨૦૧૪માં થયેલા ઇઝરાયલી અભ્યાસ મુજબ આતંકવાદી હુમલા દરમ્યાન જેટલું વધારે મીડિયા એક્સપોઝર મળ્યું એટલો લોકોમાં ડિસ્ટ્રેસ અને પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસનાં લક્ષણોમાં વધારો થયો. ૯/૧૧ના હુમલા બાદ જે લોકોએ દરરોજ ૪ કલાક કરતાં વધારે આ ન્યુઝનું ટીવી પર કવરેજ જોયું હતું તેમને તીવ્ર માનસિક તનાવનો અનુભવ થયો હતો. તેમ જ આ હુમલાનાં ૨-૩ વર્ષ બાદ લોકોને માનસિક અને શારીરિક સમસ્યાઓ પણ દેખાવા લાગી હતી. સોશ્યલ મીડિયા પર ઇંગ્લૅન્ડના જર્નલમાં અભ્યાસ પ્રકાશિત થયો હતો. આપણા પાડોશી દેશના એક સંશોધનમાં તારણ મળ્યું કે કિશોરાવસ્થાની યુવતીઓમાં યુવકો કરતાં આ ટ્રૉમાનું વધુ પ્રમાણ જોવા મળ્યું. એ સિવાય અમુક દેશોમાં સોશ્યલ મીડિયાની ટ્રૉમેટિક અસર પર અભ્યાસ પ્રકાશિત ચૂક્યા છે એટલે ચોક્કસ અનુમાન કરવું મુશ્કેલ છે, પરંતુ અમુક અભ્યાસો એવું કહે છે કે દર ૩૦ વ્યક્તિએ એક વ્યક્તિ કાં તો દર ૮ વ્યક્તિએ એક વ્યક્તિ કાં તો દર ૪ વ્યક્તિએ એક વ્યક્તિ વકેરિયસ ટ્રૉમાનો શિકાર બની રહી છે.
ડૂમસ્ક્રૉલિંગ શું છે?
કોવિડ દરમ્યાન એટલે કે ૨૦૨૦માં આ શબ્દ ઘડવામાં આવ્યો, જેનો અર્થ એમ છે કે વ્યક્તિ સોશ્યલ મીડિયા અને ન્યુઝ આઉટલેટ પર સતત નેગેટિવ કે ટ્રૉમેટિક ન્યુઝનું ભારે પ્રમાણમાં સેવન કરે અને એને ખૂણેખાંચરેથી શોધીને વિસ્તારથી વાંચે. આ શબ્દનો અર્થ એવો પણ થાય કે વ્યક્તિ શૉર્ટ વિડિયો અને સોશ્યલ મીડિયા કન્ટેન્ટ નિરંતર જોયા કરે. તેથી ચર્ચા શરૂ થઈ કે લોકો પહેલેથી ટ્રૉમેટિક છે એટલે સોશ્યલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે કે સોશ્યલ મીડિયાને કારણે ટ્રૉમાગ્રસ્ત થઈ રહ્યા છે. આપણે બધા જ ડૂમસ્ક્રૉલર થઈ ચૂક્યા છીએ. દિવસના ૬ કલાક ૩૫ મિનિટ નિયમિત આપણે મોબાઇલમાં સ્ક્રૉલિંગ કરી રહ્યા છીએ. આ આંકડાના હિસાબે અઠવાડિયા અને મહિનાના કલાકોનો આંકડો કાઢશો તો આંચકો લાગશે. તેથી સોશ્યલ મીડિયા કેવી રીતે લોકોમાં ટ્રૉમાનું કારણ બની શકે છે એ જાણો.