જો બાળકને શારીરિક કોઈ મોટી ખામી હોય, જેમ કે કરોડરજ્જુની તકલીફ હોય કે હાર્ટમાં કાણું હોય તો સર્જરી જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી બહેનની હાલમાં ડિલિવરી થઈ અને બાળક ઍબ્નૉર્મલ આવ્યું છે. દેખાવમાં તે મોંગોલિયન્સ જેવા ચીબા નાકવાળું છે. ડૉક્ટરે કહ્યું કે એ ડાઉન સિન્ડ્રૉમ બેબી છે. એને કારણે બહેન સાવ ભાંગી પાડી છે. ડાઉન સિન્ડ્રૉમ બેબીઝ કેવાં હોય એ પણ ખ્યાલ નથી. મને એ જાણવું છે કે શું આ બાબતે કંઈ ન થઈ શકે? કોઈ ઇલાજ નથી, જેનાથી ભલે તે ઠીક ન થાય, પરંતુ એમાં થોડો પણ પ્રોગ્રેસ થાય તો એ ઉપયોગી જ સાબિત થશેને! હવે અમે આગળ શું કરી શકીએ?
દર ૧૦૦૦ બાળકોએ એક બાળક ડાઉન સિન્ડ્રૉમ ધરાવે છે. તમારી બહેને સ્ટ્રૉન્ગ તો બનવું જ પડશે. તેમને સમજાવજો કે ડાઉન સિન્ડ્રૉમ ધરાવતાં બાળકો જન્મથી જ હૅપી બેબીઝ હોય છે. આ બાળકો ખૂબ જ પ્રેમાળ અને ફ્રેન્ડલી હોય છે. એ વાત સાચી છે કે શારીરિક અને માનસિક રીતે તેઓ નબળાં જ રહે છે. એક ડાઉન સિન્ડ્રૉમ પુખ્ત વ્યક્તિની માનસિક ક્ષમતા ૮-૯ વર્ષના સામાન્ય બાળક જેટલી જ હોય છે. આમ, આ બાળક જીવનભરની જવાબદારી છે, જે માતા-પિતાએ નિભાવવા માટે તૈયાર થવું જરૂરી છે.
જ્યારે ડાઉન સિન્ડ્રૉમ બાળક જન્મે છે ત્યારે તેના જાત-જાતના ટેસ્ટ થાય છે અને તેને કેવી તકલીફ છે એ જાણવું જરૂરી બને છે. જો બાળકને શારીરિક કોઈ મોટી ખામી હોય, જેમ કે કરોડરજ્જુની તકલીફ હોય કે હાર્ટમાં કાણું હોય તો સર્જરી જરૂરી છે. બાકી, તેના ડેવલપમેન્ટ ઉપર સતત ધ્યાન રાખવું પડે છે. ખબર જ છે કે બાળકનો વિકાસ ધીમે થશે તો એ માટેના પ્રયત્નો ખૂબ નાની ઉંમરથી શરૂ કરવાથી રિઝલ્ટ ઘણું સારું મળે છે. ફિઝિયોથેરપી અને સ્પીચ થેરપી ખૂબ જ ઉપયોગી છે. ઑક્યુપેશનલ થેરપીની બધાં બાળકોને જરૂર પડતી નથી. ઉંમર પ્રમાણે અને જરૂરિયાત મુજબ તેના વિકાસ માટે જુદી-જુદી થેરપીની જરૂર પડશે. અત્યારે જ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરી તેનો ઇલાજ શરૂ કરી દેવો જરૂરી છે. ઘણા લોકો ફક્ત સર્જરી કે દવાઓ પર જ ધ્યાન આપે છે, પરંતુ એટલું પૂરતું નથી. તેના વિકાસ માટે, તે મોટું થઈને પોતાનાં કામ જાતે કરી શકે એ માટે જરૂરી છે કે તેની થેરપી પહેલેથી જ શરૂ થઈ જાય.