ઍલોપથી પાસે અસ્થમાનો જે ઇલાજ છે એ એનાં લક્ષણો જેમ કે શ્વાસમાં સિસોટી જેવો અવાજ, છાતી ભારે થવી, કફ, ટૂંકા શ્વાસ વગેરેને કાબૂમાં રાખવા ઉપયોગી છે.
પ્રતીકાત્મક તસવીર
આજે એક કેસ તમારી સાથે શૅર કરું. એક જાણીતી ડાન્સરને નાનપણમાં બ્રૉન્કાઇટિસ રહેતો હતો, જેને કારણે સતત શરદી-ઉધરસ રહેતાં જ. ૨-૪ વર્ષ તે એકદમ સ્વસ્થ હતી પરંતુ મુંબઈ જેવા હ્યુમિડ શહેરમાં આવતાં આ તકલીફ જાણે પછી આવી અને પ્રેગ્નન્ટ થયા પછી તો આ શરદી-ઉધરસે અસ્થમાનું રૂપ લઈ લીધું હતું. પ્રેગ્નન્સીમાં પમ્પ લેવો કે નહીં એની ગડમથલમાં એ સ્ત્રીએ પોતાના જીવને જોખમમાં મૂક્યો અને બે વખત તેને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. જેમ-તેમ પ્રેગ્નન્સીના દિવસો પૂરા કર્યા. બાળકને જન્મ આપ્યાના ૭ મહિનાની અંદર તેને ફરીથી અસ્થમાના અટૅક આવવાના શરૂ થયા. થોડા મહિનાની અંદર પાછો એક એવો સિવિયર અટૅક આવ્યો કે ફરી હૉસ્પિટલ ભેગા થવું પડ્યું. તે ખૂબ જ ડરી ગઈ હતી. બાળકની જવાબદારી તેના માથે હતી અને અસ્થમાને કારણે તેનો ડાન્સ છૂટી ગયો હતો. તેનો છેલ્લો અટૅક એટલો સિવિયર હતો કે તેને લાગ્યું કે હવે હું નહીં બચું. આ ડર સાથે તે અમારી પાસે આવી.
તેના કેસને સ્ટડી કર્યા બાદ અમે તેને ૬ મહિનાની અંદર તેની ઍલોપેથી દવાઓ બંધ કરાવી દીધી જે દરમિયાન ફક્ત એક જ વાર તેની હાલત બગડી હતી, જેમાં હોમિયોપથીની જ ઇમર્જન્સી દવાઓ કામ લાગી હતી. લગભગ બે વર્ષ તેણે હોમિયોપથીનો ઇલાજ ચાલુ રાખ્યો અને પછી તેને કોઈ પણ પ્રકારની દવાઓ લેવાની જરૂર જ નથી પડી. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ. છેલ્લાં ૮ વર્ષમાં વગર દવાએ પણ તેને કોઈ અટૅક આવ્યો નથી.
ADVERTISEMENT
ઍલોપથી પાસે અસ્થમાનો જે ઇલાજ છે એ એનાં લક્ષણો જેમ કે શ્વાસમાં સિસોટી જેવો અવાજ, છાતી ભારે થવી, કફ, ટૂંકા શ્વાસ વગેરેને કાબૂમાં રાખવા ઉપયોગી છે. વળી એ માટે ઉપયોગી એવા પમ્પ એક એવો ઇલાજ છે જેમાં શરીર આ દવા પર આધારિત થઈ જાય છે. વળી આજકાલ અસ્થમામાં ખૂબ જ અસરકારક અને ઉપયોગી એવી કોર્ટિકોસ્ટેરૉઇડ્સ દવાઓ પણ જો લાંબા ગાળા સુધી લેવામાં આવે કે હેવી ડોઝ દેવામાં આવે તો સાઇડ-ઇફેક્ટ્સ કરી શકે છે. આ બધાની વચ્ચે આ રોગનો કોઈ એવો ઇલાજ હોઈ શકે જે મૂળથી આ રોગ પર અસર કરી શકે અને વ્યક્તિની સ્થિતિને કફોડી બનતી અટકાવી શકે અને એ પણ સાઇડ-ઇફેક્ટના ડર વગર. હોમિયોપથી આ ત્રણેય જરૂરિયાતો પર ખરી ઊતરી શકે છે. અલબત્ત, એનો ઇલાજ લાંબો ચાલી શકે છે પરંતુ લાંબા ગાળે એ ઘણાં ચમત્કારિક પરિણામો લાવી શકે છે. શરત એ છે કે હોમિયોપથી ડૉક્ટરે તમારા માટે જે રેમેડી શોધી છે એ સાચી રેમેડી હોય.
- ડૉ. મેઘના શાહ


