હાઇપોગ્લાઇસેમિયા એક એવી અવસ્થા છે જેમાં લોહીમાં રહેલી શુગર એકદમ ઘટી જાય છે
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૬૯ વર્ષ છે. મને સાત વર્ષથી ડાયાબિટીઝ છે. છેલ્લા એક વર્ષથી ઇન્સ્યુલિન પણ લઉં છું, પરંતુ આજકાલ મને ઘણી નબળાઈ લાગે છે. સવારે મૉર્નિંગ વૉક પર ગયો ત્યારે એકદમ બેભાન થઈ જઈશ એવું લાગ્યું. ત્યાં એક ડૉક્ટર હતા તેમણે તરત જ જૂસ પીવડાવ્યો મને. શુગર અને સૉલ્ટ શરીરમાં ગયા કે બધું ઠીક લાગવા લાગ્યું. ત્યારથી બ્લડ-પ્રેશર ચેક કરું છું, એ તો ઠીક જ આવે છે. આવું ૧૦ દિવસ પહેલાં પણ એક વાર થયું હતું. મને હાઇપોગ્લાઇસેમિયા છે કે નહીં એ કઈ રીતે સમજું?
હાઇપોગ્લાઇસેમિયા એક એવી અવસ્થા છે જેમાં લોહીમાં રહેલી શુગર એકદમ ઘટી જાય છે. આ અવસ્થા મોટા ભાગે એવા લોકોને આવે છે જેને લાંબા સમયથી ડાયાબિટીઝ હોય. આવું ત્યારે થાય છે જ્યારે ડાયાબિટીઝ ધરાવતા દરદીની દવા કે ઇન્સ્યુલિનનો ડોઝ વધી જાય છે અને એને કારણે શુગર એકદમ જ ઓછી થઈ જાય છે. કા તો દવા કે ઇન્સ્યુલિન લીધા બાદ વ્યક્તિ બરાબર જમી ન હોય, વધુ પડતો શારીરિક શ્રમ થયો હોય તો પણ આ અવસ્થા આવી શકે છે. જ્યારે ડાયાબિટીઝ હોય અને શુગર ઘટી જાય તો વ્યક્તિને આંચકી આવી શકે, તે બેભાન થઈ શકે, વધુ અસર થાય તો તે કોમામાં જતી રહે, પૅરાલિસિસની અસર આવી જાય અથવા કોઈ કેસમાં એવું પણ બને કે મગજ ડેડ થઈ જાય.
જે વ્યક્તિની શુગર એકદમ ઓછી થઈ જાય તો મગજ તરત અમુક ચિહ્નો મોકલે છે, જેમ કે ધ્રુજારી આવવી, હાથ-પગ ધ્રુજવા લાગે, ખૂબ બેચેની થાય છે, છાતીમાં પલ્પટેશન એટલે કે ધબકારા વધી જાય છે, અચાનક પરસેવો વળી જાય છે. હવે જ્યારે આ પ્રકારનાં ચિહ્નો થોડી વાર માટે દેખાય અને એને અવગણવામાં આવે ત્યારે એને લીધે વ્યક્તિ બેભાન થઈ સીધી કોમામાં પહોંચી જઈ શકે છે. માટે જરૂરી છે કે તમે ચિહ્નો અવગણો નહીં.
ADVERTISEMENT
હાઇપોગ્લાઇસેમિયા હોય એટલે કે લોહીમાં શુગર ખૂબ ઘટી જાય ત્યારે વ્યક્તિને ધ્રુજારી આવે કે નર્વસ થઈ જવાય, ડર લાગે, કમજોરી લાગે, પરસેવો વળવા લાગે, ચક્કર આવે, ઊલટી જેવું થાય, વધુ ભૂખ લાગે, માથું ખાલી-ખાલી લાગે, બોલવામાં તકલીફ થાય, કન્ફ્યુઝન થાય. આ લક્ષણોને સમજવાની કોશિશ કરો. જો થાય તો તરત જ કશું ગળ્યું ખાઈ લો. બીજું એ કે તમારા ડૉક્ટરને મળીને ડોઝમાં ફેરબદલ કરવા પડશે. શુગર કેમ ઘટી રહી છે એ સમજીને દવા અને ઇન્સ્યુલિનના ડોઝમાં ફરક કરવો.


