Health Funda: દિવસના ૨૪ કલાકમાંથી મોટેભાગે લોકો ૧૦-૧૨ કલાક ખુરશી પર બેસી રહે છે, આ બેઠાડું જીવન રોગોનું ઘર બને છે તેને કારણે ‘સિટીંગ ડિઝીસ’નું પ્રમાણ વધ્યું છે; પરંતુ દૈનિક જીવનમાં નજીવી બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યઓમાંથી છુટકારો મેળવી શકાય છે
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, ‘બેઠક રોગ’ (Sitting Disease) વિશે. સિટીંગ ડિઝીસ વધવા પાછળના કારણો અને આ પ્રકારની સમસ્યામાંથી રાહત કઈ રીતે મેળવી શકાય છે?
ADVERTISEMENT
અત્યારના સમયના વર્ક કલ્ચરમાં લાંબા સમય સુધી બેસી રહેવાનું નિયમિત બની ગયું છે. ડોકટરો હવે આ મોર્ડન આદતને ‘બેઠક રોગ’ (Sitting Disease) કહે છે. સિટીંગ ડિઝીસ એટલે, એક જીવનશૈલીની સ્થિતિ જે લાંબા સમય સુધી, અવિરત બેસી રહેવાથી થાય છે. સમય જતાં, તે ચયાપચયને ધીમું કરે છે, સ્નાયુઓને નબળા પાડે છે, બ્લડ સુગરનું સંતુલન વિક્ષેપિત કરે છે અને સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદય રોગ, સાંધાનો દુખાવો અને માનસિક થાકનું જોખમ વધારે છે. સિટિંગ ડિસીઝ અચાનક થતી બીમારીઓથી વિપરીત હોય છે. સિટિંગ ડિસીઝ શાંતિથી વિકસે છે, તેથી જ દવાને બદલે નિયમિત હલનચલન અને દૈનિક પ્રવૃત્તિ લાંબા ગાળાના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાની શ્રેષ્ઠ રીતો છે.
એક સમયે ભારતીય સમયમાં ‘બેસી રહેવાનું’ એટલે આરામ ગણાતો હતો. પણ અત્યારના સમયમાં એ બેસી રહેવાનું ‘રોગનું ઘર’ બની ગયું છે. વર્ક્ર ફ્રોમ હોમ કરતા હોઈએ કે પછી ઓફિસ, દુકાન, ફેક્ટરીથી કામ કરતા હોઈએ લગભગ ૧૦ થી ૧૨ કલાક ખુરશી પર જ બેઠેલા હોઈએ છીએ. ચાલવું, વળવું, જમીન પર બેસવું એ બધી ક્રિયાઓ તો નથી જ થતી હોતી.
વધુ પડતું બેસી રહેવાથી શરીર પર શું અસર થાય છે?
વધુ પડતું બેસી રહેવાથી ધીમે ધીમે સિટીંગ ડિઝીસ શરીરમાં ક્યારે ઘર કરી જાય તે ખબર નથી પડતી. વધુ પડતું બેસી રહેવાથી આ બધી સમસ્યાઓ થાય છે.
૧. વજન અને પેટની ચરબી વધવી
શરીર એક જ સ્થિતિમાં હોય અને હલનચલન ન થતું હોય ત્યારે મસલ્સ ઓછું ગ્લુકોઝ બાળે છે. તેથી વધારાની ઊર્જા સીધી પેટની આસપાસ ચરબી બનીને જમા થાય છે. આ ચરબી અંદરથી જોખમી હોય છે, તેને કારણે આંતરડાની ચરબી વધે છે - જે ડાયાબિટીસ અને હૃદયરોગ તરફ લઈ જાય છે.
૨. મેટાબોલિઝમ ધીમું પડવું
લાંબા સમય સુધી બેસવાથી ઇન્સુલિન રિસ્પોન્સ ખરાબ થાય છે. પરિણામે શુગર વધે, કોલેસ્ટ્રોલ લેવલ બગડે, ફેટી લીવરનો ખતરો વધે જેવી અનેક સમસ્યાઓ થાય છે.
૩. કમર, ગરદન અને ઘૂંટણ દુખાવા
સતત બેસી રહેવાની સાથે ખોટી પોઝિશન હોય એટલે કમરનો દુખાવો, સર્વાઇકલ, સાયટિકાની તકલીફ થાય છે. તેમજ મસલ્સ કડક થાય છે અને બ્લડ ફ્લો ઘટે છે.
૪. માનસિક સ્વાસ્થ્ય પર અસર
બેઠાડું જીવન માત્ર શરીરને જ નહીં પણ મગજને પણ થકવી દે છે. સતત બેસી રહેવાથી થાક લાગે છે, સ્વભાવમાં ચીડયાપણું આવી જાય, અસ્વસ્થતા અનુભવાય, વધારે ઊંઘ આવે જેવી તકલીફો થાય છે.
સિટીંગ ડિઝીસનો ભોગ ન બનવું હોય તો કરજો આટલું
સિટીંગ ડિઝીસનો શિકાર જો ના બનવું હોય તો તમારે સમજદારી પુર્વક રોજિંદા જીવનમાં અમુક બાબતોનું ધ્યાન રાખવાની જરુર છે.
૧. ફાઇવ મિનિટ બ્રેક
સતત બેસી રહેતા હોવ તો દર ૩૦-૪૦ મિનિટ પછી પાંચ મિનિટનો બ્રેક લો. ઊભા થાઓ, પાંચ મિનિટ ચાલો, સ્ટ્રેચ કરો.
ફાઇવ મિનિટ બ્રેક રુલ ફૉલો કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે, મસલ્સ જાગૃત રહે, મેટાબોલિઝમ ચાલુ રહે છે.
૨. સ્ટેપ્સ ટાર્ગેટ
બધાએ ૧૦૦૦૦ સ્ટેપ્સનો રુલ ફૉલૉ કરવો જરુરી નથી. શરુઆત ૪૦૦૦ સ્ટેપ્સથી કરી શકાય. પછી ધીમે-ધીમે ૬૦૦૦થી ૮૦૦૦ વધારો એમ ધીમે-ધીમે કરીને સ્ટેપ્સ વધારતા જાઓ. લિફ્ટને બદલે સીડીનો વપરાશ કરશો. ફોન પર કે લેપટોપમાં મિટિંગ ચાલુ હોય ત્યારે ચાલતા-ચાલતા વાત કરવાનું રાખો.
યાદ રાખો, સતત ચાલવું એટલે એક દિવસ જીમમાં જવા બરાબર છે.
૩. જમીન પર રહો
દિવસ દરમિયાન થોડીકવાર જમીન પર બેસવાનું પણ રાખો. પગ વાળીને બેસવાની ટેવ પાડો. સ્કૉવટ જેવી નાની કસરત કરવાનું નિયમિત રાખો.
સાંધા અને પાચન બન્ને માટે જમીન પર રહેવું ફાયદાકારક છે.
૪. જમ્યા પછી ચાલો
જમ્યા પછી ૧૦-૧૫ મિનિટ ચાલવાનું રાખો. જેને લીધે બ્લડ શુગર ઘટે છે, પેટ ફૂલવાનું ઘટાડે છે, વજન વધતું અટકે છે.
એટલું જ નહીં, આ આદતથી ડાયાબિટીસમાં પણ રાહત મળે છે.
૫. એક્સરસાઇઝ નહીં તો મુવમેન્ટ કરવાનું રાખો
વૉકિંગ, યોગા, ડાન્સ, સાયકલિંગ, જે કરવું ગમે તે દરરોજ કરવાનું રાખો. શરીરનું હલનચલન કરવું જરુરી છે, પર્ફેક્ટ વર્કઆઉટ નહીં.
નોકરીમાં બેસી રહેવાનું એ આપણી ફરજ છે, પણ બેસી રહેવાની જિંદગી એ આપણી પસંદગી છે. આજે લીધેલા નાના-નાના પગલાં કાલે મોટો ફરક લાવી શકે છે.
(શબ્દાંકનઃ રચના જોષી)


