Health Funda: માર્કેટમાં અત્યારે ઠેર-ઠેર નકલી પનીર પકડાઈ રહ્યું છે ત્યારે અસલી પનીરને કેવી રીતે ઓળખવું, તેમાં થતી સામાન્ય મિલાવટોને કેવી રીતે પકડવી અને તમારા પરિવાર માટે હેલ્ધી ઓપ્શન્સ કેવી રીતે પસંદ કરવા તે સમજાવે છે ડૉ. રિશિતા બોચિયા જોષી
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, પનીરમાં થતી મિલાવટને કેવી રીતે પકડવી, ઘરે જ તેની શુદ્ધતાની તપાસ કેવી રીતે કરવી અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે સુરક્ષિત તેમજ હાઈ-ક્વોલિટી ઓપ્શન્સ કેવી રીતે પસંદ કરવા?
ADVERTISEMENT
ભારતીય ઘરોમાં પનીર જેટલો પ્રેમ કદાચ જ કોઈ બીજા ખોરાકને મળ્યો હશે. ઘરમાં બનતી સાદી પનીર ભુર્જીથી લઈને રેસ્ટોરન્ટના શાહી પનીર બટર મસાલા સુધી, પનીર આજે દરેક વર્ગના રસોડાનો એક અનિવાર્ય ભાગ બની ગયું છે. આજકાલ ચાલી રહેલા `હાઈ-પ્રોટીન` ડાયટના ટ્રેન્ડને કારણે લોકો પનીર પહેલાં કરતાં ઘણું વધારે ખાવા લાગ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે – જ્યાં દૂધની શુદ્ધતા પર જ સવાલો ઉઠતા હોય, ત્યાં આપણને શુદ્ધ અને અસલી પનીર કેવી રીતે મળી શકે?
છેલ્લા કેટલાક વર્ષોમાં ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા વારંવાર "સિન્થેટિક પનીર" પકડાવાના કિસ્સાઓ સામે આવ્યા છે — એવું પનીર જે દેખાવામાં અને સ્વાદમાં બિલકુલ અસલી જેવું જ લાગે છે, પણ વાસ્તવમાં તે સ્ટાર્ચ (લોટ), ડિટર્જન્ટ અથવા હલકી ગુણવત્તાના મિલ્ક સોલિડ્સમાંથી બનેલું હોય છે. એક સામાન્ય ગ્રાહક માટે અસલી અને મિલાવટવાળા પનીર વચ્ચેનો તફાવત પારખવો હંમેશાં સહેલો નથી હોતો.
૨૦૦ રૂપિયાની ડિશમાં આટલું બધું પનીર? સમજો રેસ્ટોરન્ટનું ગણિત!
કુદરતી રીતે જ પનીર એક મોંઘી પ્રોડક્ટ છે, કારણ કે એક નાનો પનીરનો ટુકડો બનાવવા માટે પણ મોટી માત્રામાં દૂધ ઉકાળવું પડે છે.
હવે જરા વિચારો, જે રોડસાઇડ સ્ટોલ્સ અથવા નાની રેસ્ટોરન્ટ્સમાં આપણને ૨૦૦ થી ૩૫૦ રૂપિયાની રેન્જમાં ઢગલાબંધ પનીરવાળી શાહી સબ્જી મળી જાય છે, અથવા તમારા ઢોસા, સેન્ડવિચ અને રોલ્સમાં જે રીતે મુઠ્ઠીઓ ભરી ભરીને પનીર નાખવામાં આવે છે – એ લોકો આ ખર્ચ કેવી રીતે મેનેજ કરતા હશે?
તેનો જવાબ છે `સોર્સિંગ` એટલે કે ખરીદીનું ગણિત. ઘણી નાની-મોટી ખાણીપીણીની જગ્યાઓ બલ્ક સપ્લાયર્સ (જથ્થાબંધ વેપારીઓ) પાસેથી સસ્તું પનીર ખરીદે છે, જ્યાં ક્વોલિટી ચેક બહુ કડક નથી હોતા. પનીરનો જથ્થો વધારવા અને ખર્ચ ઘટાડવા માટે તેમાં ઘણીવાર સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે અથવા લો-ગ્રેડ મિલ્ક પાઉડર મિક્સ કરવામાં આવે છે. જોકે બધી જ રેસ્ટોરન્ટ્સ ક્વોલિટી સાથે બાંધછોડ નથી કરતી, પણ માર્કેટમાં ચાલતી આ અસ્થિરતાને કારણે ગ્રાહક માટે સો ટકા ખાતરી રાખવી અઘરી બની જાય છે.
મિલાવટની તમારા સ્વાસ્થ્ય પર અસર
પનીરમાં થતી આ મિલાવટ માત્ર સ્વાદ કે ટેક્સચર બગાડવા પૂરતી મર્યાદિત નથી, પણ તે હેલ્થ માટે પણ જોખમી છે. દૂધ સિવાયના આવા આર્ટિફિશિયલ કેમિકલ્સ અને પદાર્થો તમારી પાચનક્રિયાને બગાડી શકે છે, એલર્જી કરી શકે છે અને સૌથી મોટી વાત — જે પ્રોટીન અને કેલ્શિયમ માટે તમે પનીર ખાઓ છો, તેના પોષણથી જ તમને વંચિત રાખે છે.
મિલાવટવાળા પનીરના લક્ષણો શું હોય છે?
મિલાવટવાળા પનીરના લક્ષણો ઘણીવાર બહુ બારીક હોય છે - તે અતિશય રબર જેવું ચીવડ લાગે છે. તેનો રંગ કુદરતી સફેદ હોવાને બદલે એકદમ કેમિકલ જેવો સફેદ હોય છે. તેને હાથથી મસળતા તે કુદરતી રીતે ભૂકો થવાને બદલે ખેંચાય છે.
ઘરે કયું પનીર વાપરવું? તમારી સુરક્ષા તમારા હાથમાં
ઘરમાં વપરાશ માટે જાગૃતિ એ જ તમારો સૌથી મોટો બચાવ છે. આ સરળ ટિપ્સ અપનાવો:
ભરોસાપાત્ર સ્ત્રોત: પનીર હંમેશાં કોઈ વિશ્વાસુ સ્થાનિક ડેરી અથવા જાણીતી બ્રાન્ડ્સનું પેકેજ્ડ પનીર જ ખરીદો. અસલી અને તાજા પનીરમાંથી દૂધની હળવી સુગંધ આવશે, તે સોફ્ટ છતાં મજબૂત હશે અને ચાવતી વખતે રબર જેવું સ્પોન્જી નહીં લાગે.
હોમમેડ પનીર: થોડી મહેનત લાગશે, પણ દૂધ ઉકાળીને લીંબુનો રસ કે વિનેગર નાખીને ઘરે જ પનીર બનાવો. આનાથી ગુણવત્તા પર તમારો પૂરો કંટ્રોલ રહેશે.
ઘરે જ કરો તપાસ - આયોડિન ટેસ્ટ: પનીરના એક નાના ટુકડાને પાણીમાં ઉકાળો અને તેમાં આયોડિન સોલ્યુશન (જે મેડિકલ સ્ટોરમાં સરળતાથી મળી જાય છે)ના થોડા ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી (blue) થઈ જાય, તો સમજી લેવું કે તેમાં સ્ટાર્ચની મિલાવટ છે. એકવાર તમને સાચી ડેરી કે બ્રાન્ડ મળી જાય, પછી ત્યાંથી જ ખરીદવાનો આગ્રહ રાખો.
પનીર ભલે આપણું ફેવરિટ કમ્ફર્ટ ફૂડ હોય, પણ હવે તેને સભાનતાપૂર્વક ખાવાની જરૂર છે. જ્યાં ક્વોલિટી કરતાં કિંમત ઘટાડવાની કોમ્પિટિશન ચાલતી હોય તેવા માર્કેટમાં, એક જાગૃત ખરીદદાર બનવું જ મોટો તફાવત લાવી શકે છે. કારણ કે, ક્યારેક સવાલ માત્ર એ નથી હોતો કે પનીરનું શાક કેટલું સ્વાદિષ્ટ બન્યું છે — પણ સવાલ એ છે કે તે પનીર શેમાંથી બન્યું છે!
(શબ્દાંકનઃ રચના જોષી)
