વીજપુરવઠો પૂરો પાડતો હાઈ-ટેન્શન વાયર ટ્રિપ થઈ જતાં કલ્યાણ અને ડોમ્બિવલી શહેર અંધારામાં ગરકાવ થયાં, રેલવે-સ્ટેશન પર ભીડ, વાહનોની લાઇટના સહારે લોકો રસ્તા પર ચાલ્યા
વીજપુરવઠો ઠપ થતાં અંધારામાં ડૂબ્યાં કલ્યાણ-ડોમ્બિવલી
પડઘા અને પાલ સબસ્ટેશનને વીજપુરવઠો પૂરો પાડતો હાઈ-ટેન્શન વાયર ટ્રિપ થઈ જવાને કારણે આખા કલ્યાણ-ડોમ્બિવલીમાં શુક્રવારે સર્વત્ર અંધારપટ છવાઈ ગયો હતો. સાડાસાત વાગ્યાની આસપાસ વીજપરવઠો ગુલ થઈ ગયો ત્યાર પછી આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડી સાંજના સમયે પ્રકાશ ગાયબ થયો ત્યારે જ વીજળી ગુલ થઈ જતાં ઘરો, દુકાનો, પોલીસ-સ્ટેશન, રેલવે-સ્ટેશન, હૉસ્પિટલો, ઑફિસો અને રસ્તાઓ પર બધે જ અંધારું છવાઈ ગયું હતું અને અંધાધૂંધી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) દ્વારા રિપેરિંગ કરીને વીજપુરવઠો ફરી શરૂ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે વીજળી ગુલ થયાના કલાકો બાદ મોડી રાત સુધી વીજપુરવઠો શરૂ થયો નહોતો. સ્ટ્રીટલાઇટ્સ પણ બંધ હોવાથી જાહેર રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી, જ્યારે પગપાળા ચાલતા લોકોને વાહનોની હેડલાઇટ્સના પ્રકાશના સહારે પોતાની મજલ કાપવાની ફરજ પડી હતી. અચાનક જ આખું શહેર અંધકારમય થઈ જતાં મૂંઝવણમાં મુકાયેલા લોકોની રસ્તા પર તથા રેલવે-સ્ટેશનો પર ગિરદી જામી હતી. એને કારણે કલ્યાણ અને ડોમ્બિવલીના લાખો લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. MSEDCLના અધિકારીઓએ હાઈ-ટેન્શન વાયર પર વધુ લોડ આવતાં એ ટ્રિપ થઈ જવાને કારણે સમસ્યા ઊભી થઈ હોવાની સ્પષ્ટતા તો કરી હતી, પરંતુ વીજપુરવઠો ક્યારે પાછો આવશે એનો સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.
