કાર બ્રિજ પરથી ગોદાવરી નદીમાં કુદાવીને જીવન ટૂંકાવ્યું
ગોદાવરી નદીમાંથી કાર અને મૃતદેહો બહાર કાઢતી SDRFની ટીમ
નાંદેડમાં એક ટીચરે પોતાનાં બે બાળકોની સાથે ગોદાવરી નદીના બ્રિજ પરથી કાર કુદાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના શુક્રવારે બની હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં ગોદાવરી નદીમાં ડૂબી જવાથી ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં. પોલીસે કરેલી તપાસમાં સુનીલ મોરે નામના ૪૨ વર્ષના શિક્ષકે તેમનાં બાળકો સારા (૧૨ વર્ષ) અને સુમિત (૮ વર્ષ) સાથે આત્મહત્યા કરી હતી. આ ઘટના સમયે શિક્ષકની પત્ની ઘરે હતી.
વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ‘સુનીલ મોરે હિમાયતનગરની બુદ્રુકની જિલ્લા-પરિષદની સ્કૂલમાં ટીચર હતા અને સિનિયરો દ્વારા હેરાન કરવામાં આવતા હોવા બાબતે તેમણે વૉટ્સઍપ પર સ્ટેટસ મૂક્યું હતું. સ્ટેટસમાં તેઓ પોતાનાં બાળકો સાથે આત્મહત્યા કરશે એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
શુક્રવારે સવારે આઠ વાગ્યે સુનીલ તેમનાં બન્ને બાળકોને લઈને આમદુરા-પુણેગાવ રોડ પર કારમાં ગયા હતા અને ત્યાં ગોદાવરી બ્રિજ પર બંધાયેલા પુલ પર આવેલી લોખંડની રેલિંગ સાથે ગાડી અથડાવી હતી જે સીધી નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં. આ બાબતની જાણ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમને કરવામાં આવતાં એ ત્યાં પહોંચી હતી અને ૩ કલાક બાદ નદીમાંથી કાર તથા ત્રણેયના મૃતદેહને શોધી કાઢ્યા હતા. પોલીસે આ મુદ્દે આગળ તપાસ શરૂ કરી છે.
