SIR વિવાદ પરની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટ દ્વારા થઈ મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા
ફાઇલ તસવીર
પશ્ચિમ બંગાળમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદ વિશે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે ફરી એક વાર ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશના નાગરિકોની નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી પંચનો બંધારણીય અધિકાર નથી. ચૂંટણી પંચનો અધિકાર માત્ર મતદારયાદીના નિયંત્રણ અને દેખરેખ પૂરતો જ મર્યાદિત છે, તેથી આ કાયદાકીય સ્થિતિમાં કોઈ મૂંઝવણ નથી.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે જો કોઈ ટ્રિબ્યુનલ કોઈ વ્યક્તિનું નામ SIR યાદીમાં સામેલ ન કરવાનો નિર્ણય લે છે તો ચૂંટણી પંચે નાગરિકતાના નિર્ધારણ માટે આ મામલો સંબંધિત મંત્રાલયને મોકલવો પડશે. અદાલતે એ પણ નોંધ્યું કે મતદારયાદીમાં નામ ન હોવા માત્રથી કોઈની નાગરિકતા આપોઆપ ખતમ થઈ જતી નથી.
