Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જમતાં પહેલાં હાથ ધોયા કે?

જમતાં પહેલાં હાથ ધોયા કે?

13 October, 2011 07:34 PM IST |

જમતાં પહેલાં હાથ ધોયા કે?

જમતાં પહેલાં હાથ ધોયા કે?



- સેજલ પટેલ


૧૫ ઑક્ટોબરે ગ્લોબલ હૅન્ડ-વૉશિંગ ડે ઊજવાય છે. હાથની સ્વચ્છતા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોવાથી બહોળા પાયે એ વિશે જાગૃતિ ફેલાય એ માટે ૨૦૦૮ની સાલથી એની ઉજવણી થાય છે




આ શનિવારે ગ્લોબલ હૅન્ડ-વૉશિંગ ડે છે. નામ મુજબ જ બાળકોને રેગ્યુલર હાથ ધોવાનું મહત્વ સમજાવવા માટે આ દિવસ ૨૦૦૮ની સાલથી ઊજવવાનું શરૂ થયું છે. ચેપી રોગોની બાબતમાં એક નાનકડી ભૂલ પણ રોગોના ફેલાવા માટે પૂરતી ગણાય છે ને એ ચેપ અટકાવવા માટે દિવસમાં અમુક ચોક્કસ કામો કરતાં પહેલાં અને પછી હાથ ધોવાની આદત પાડવી ખૂબ જ અનિવાર્ય છે. વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શનો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાય છે એમાં હવાનો તો ફાળો છે જ, પણ સાથે આપણા હાથની ગંદકી પણ ઘણે અંશે કારણભૂત ગણાય છે. શેકહૅન્ડ કરવાથી પણ અનેક પ્રકારના વાઇરસ અને બૅક્ટેરિયલ ચેપો ફેલાય છે. આ માટે નિયમિત હાથ ધોવાની આદત પાડવી જરૂરી છે.

હાથ ધોવાની આદત

જમતાં પહેલાં, ટૉઇલેટમાંથી બહાર આવ્યા પછી, જાહેર જગ્યાઓએ ફરીને ઘરે આવ્યા પછી, રસ્તામાં કંઈ પણ ખાતાં પહેલાં વીસ સેકન્ડ માટે સાબુ ચોળીને હાથ ધોવા જરૂરી છે. કોઈ પણ પ્રકારનો સાબુ વાપરી શકાય, હાથ ધોવા માટેનો સાબુ ઍન્ટિ-બૅક્ટેરિયલ જ હોવો જરૂરી નથી. જોકે સાબુને બદલે લિક્વિડ-વૉશ હોય તો વધુ સારું. વીસ સેકન્ડ સુધી સાબુ હાથ પર રાખવાનો આગ્રહ રાખવો નહીં, પરંતુ બે આંગળીઓ વચ્ચેના ખૂણેખૂણા અને કાંડાને પણ સાબુ વડે સાફ કરવા માટે આટલો સમય તો લાગે જ છે. ચોખ્ખા પાણીથી ધોયા પછી એને સ્વચ્છ ટોવેલથી કોરા કરવા પણ એટલા જ જરૂરી છે.

નિયમિત હાથ ધોવાના ફાયદા

કરમિયા : સૌથી મોટો ફાયદો પેટના કૃમિમાં થાય છે. નાનાં બાળકોને ટૉઇલેટમાં નાના સફેદ કૃમિ પડવાની તકલીફ હોય છે એ અસ્વચ્છતાને કારણે જ પેદા થઈ હોય છે. જો બાળકને ટૉઇલેટમાંથી બહાર આવીને તેમ જ જમતાં પહેલાં બરાબર હાથ ધોવાની આદત પાડવામાં આવી હોય તો કૃમિથી બચી શકાય છે. કૃમિ માત્ર નાની વયનાઓમાં જ નથી હોતા. અસ્વચ્છતા ધરાવતાં ઘરોમાં મોટેરાઓમાં પણ આ સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને રસોડામાં કામ કરવા ઘૂસતાં પહેલાં જ હાથ ધોઈને સાફ રાખવાની આદત પાડવી જરૂરી છે. ૯૦ ટકા કૃમિનો ફેલાવો આ આદતથી અટકી શકે છે. 

શરદી અને ફ્લુ :
આ બન્ને ચીજો વાઇરસના ફેલાવાને કારણે થાય છે. શરદીને કારણે છીંક ખાતી વખતે વાઇરસ હવામાં ફેલાય છે. આવા સમયે મોં આડો હાથ રાખવાથી એ હવામાં ફેલાતા અટકે છે, પણ હાથમાં આવીને ચોંટે છે. શરદી કે ફ્લુ હોય એવી વ્યક્તિ સાથે શેકહૅન્ડ કરવાથી કે એ જે ચીજને અડી હોય એને અડીને પછી પોતાના નાકે લગાવવાથી ફ્લુ સરળતાથી ફેલાય છે. ફ્લુ અટકાવવા માટે જ્યારે પણ બહારથી ઘરમાં આવીએ ત્યારે પહેલાં હાથ ધોવા જરૂરી છે.

સ્ટમક ફ્લુ : પાચનતંત્રની ગરબડોનું કારણ બૅક્ટેરિયાનો ફેલાવો હોય છે. ખાસ કરીને ટૉઇલેટથી બહાર નીકળ્યા પછી હાથ બરાબર સાફ કરવાની આદત ન હોય ને એ જ હાથે પછી ખાવાનું ખાવામાં આવે તો કેટલાક ઈ-કૉલી અને એચ. પાઇલોરી જેવા પેટમાં ગરબડ પેદા કરે એવા બૅક્ટેરિયા પાચનતંત્રને ખોરવી નાખે છે. એને કારણે ડાયેરિયા, ડિસેન્ટ્રી જેવી તકલીફો થાય છે.

કન્જક્ટિવાઇટિસ :
આ તકલીફમાં આંખમાંથી નીકળતું પાણી ચેપી હોય છે. એ પણ અન્ય ચીજવસ્તુઓ કે શેકહૅન્ડ મારફતે બીજાઓમાં ફેલાય છે. એટલે જ કોઈ પણ જગ્યાએ ટચ કરીને કે કોઈકને શેકહૅન્ડ કર્યા પછી તરત જ હાથ ચહેરાને લગાવવો નહીં. કન્જક્ટિવાઇટિસનો રોગચાળો ચાલતો હોય તો દિવસમાં ચારથી પાંચ વાર હાથ ધોવાની આદત પાડવી.

હૅન્ડ, ફૂટ ઍન્ડ માઉથ : આ રોગમાં વાઇરસને કારણે હાથ-પગ અને ચહેરા પર ફોડલીઓ ફૂટી નીકળે છે. આ વાઇરસ પણ રોગી સાથે શેકહૅન્ડ કરવાને કારણે ફેલાય છે.

ટીબીનાં જંતુ : આમ તો ટીબીનાં જંતુઓ ખાંસી કે છીંકમાં નીકળતા પ્રવાહી વાટે ફેલાતાં હોય છે, પરંતુ એ પ્રવાહી જો હાથે લાગ્યું હોય કે એના છાંટા ઊડ્યા હોય એવી જગ્યાઓએ હાથ લગાવવામાં આવે તો એનાથી પણ બીજાઓમાં ફેલાય છે.

શેકહૅન્ડ નહીં, એલ્બો ટચ

અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે ફ્લુના વાઇરસ બારણાના હૅન્ડલ, ટેબલ, કી-બોર્ડ, સોફાના હાથા જેવી ચીજો પર ૨૪ કલાક સુધી ટકી શકે છે. એટલે જાહેર જગ્યાઓ પર આવી ચીજો પર હાથ લગાવ્યા પછી તરત જ હાથ પોતાના નાક પર લઈ જવાથી વાઇરસનો ચેપ લાગી શકે છે. આ રિસર્ચરોએ તો એટલે સુધી કહ્યું છે કે ફ્લુનો ફેલાવો અટકાવવા માટે હાથ મિલાવવાને બદલે કોણીથી ટચ કરો. એકબીજાને ગ્રીટ કરવાની આ નવી પદ્ધતિ અપનાવવાથી ચેપી વાઇરસનો ફેલાવો ઘણે અંશે અટકાવી શકાશે એવું આ સાયન્ટિસ્ટોનું કહેવું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2011 07:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK