OTT મંચ પર રજૂ થતી ફિલ્મો અને સિરીઝમાં દર્શાવાતાં દૃશ્યો, સંવાદો વગેરે સામે કેટલીયે વાર સવાલો ઉઠાવાયા છે, અદાલતોમાં પણ વાત પહોંચી છે
પ્રતીકાત્મક તસવીર
અમુક વર્ષ પહેલાં આવેલી વિદ્યા બાલનની એક ફિલ્મનો એક ડાયલૉગ બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. ફિલ્મની સફળતા માટે કઈ ત્રણ બાબતો મહત્ત્વની છે? જેના જવાબમાં ફિલ્મની નાયિકા વિદ્યા બાલન કહે છે, ‘એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ. હવે સમય એવો બદલાયો છે કે આ ત્રણ શબ્દોના સ્થાને નવા ત્રણ શબ્દો મૂકવા પડે, જે છે હિંસા, હિંસા અને હિંસા. એન્ટરટેઇનમેન્ટની વ્યાખ્યા જ જાણે બદલાઈ ગઈ. વાત માત્ર ફિલ્મોની નથી, OTT મંચની ફિલ્મો-સિરીઝમાં પણ સૌથી વધુ ચલણ હિંસાનું જ રહે છે.
હિંસાની સાથે બીજાં બે તત્ત્વો પણ ભળે છે, જે છે ગંદકીસભર સેક્સ અને ગંદી ગાળો. હા, આવી સિરીઝોમાં મહિલાઓ પણ ગાળો બોલતી હોય, હિંસા કરતી હોય, સિગારેટ- દારૂ પીતી હોય છે. તમે કહેશો, આ બધું તો હવે બધે કૉમન છે. પરંતુ જેમને આ કૉમન લાગે છે તેમને આ યોગ્ય પણ લાગે છે? આ માર્ગે ફિલ્મો-સિરીઝો સમાજને શું આપી રહી છે? નવયુવાનો કે ટીનેજર્સને શું મેસેજ આપી રહી છે? શું સમાજ માટે આ વાજબી લાગે છે? આવી ફિલ્મો-સિરીઝને સફળ બનાવતા સમાજની માનસિકતા કેવી ગણાય?
ADVERTISEMENT
આ હિંસા માત્ર સાદી હિંસા નથી હોતી, બલકે ભયંકર ક્રૂર હિંસા હોય છે. પાછું આવું બધું પરિવારના લોકો સાથે મળીને જુએ છે. બાળકો આ જોઈ શું શીખશે અને કોનું અનુકરણ કરશે? એનો જવાબ કોઈની પાસે નથી. આ બધાંનો હવે એટલી હદ સુધી સ્વીકાર થઈ ગયો છે કે કોઈને નવાઈ પણ લાગતી નથી. એટલે જ તો લોકો કહે છે કે આ બધું તો હવે કૉમન છે.
OTT મંચ પર રજૂ થતી ફિલ્મો અને સિરીઝમાં દર્શાવાતાં દૃશ્યો, સંવાદો વગેરે સામે કેટલીયે વાર સવાલો ઉઠાવાયા છે, અદાલતોમાં પણ વાત પહોંચી છે; પરંતુ આ માધ્યમ સેન્સરશિપથી મહદ અંશે મુક્ત રહ્યું છે. આ મંચ પર કુછ ભી ચલતા હૈ! કરુણતા એ વાતની છે કે જેટલી હિંસા વધુ, સેક્સ વધુ, ગાળો-ગુંડાગીરીની ભાષા વધુ એટલી એની ચર્ચા અને સફળતા પણ વધુ રહે છે. બૉક્સ-ઑફિસ પણ આવી જ ફિલ્મો છલકાવે છે. આનો આનંદ માણવો કે અફસોસ?
આનો એ અર્થ એ નથી કે હિંસા વિનાની કોઈ ફિલ્મ યા સિરીઝ આવતી જ નથી કે સફળ થતી જ નથી. ઘણી આવે છે, પરંતુ સફળ થવા માટે એ સંઘર્ષ કરે છે, જ્યારે હિંસા સરળતાથી સફળ થઈ જાય છે અને સેક્સ તેમ જ ગાળો સાથે એ સુપર સે ઉપર સફળ થઈ જાય છે. કઈ સંસ્કૃતિ તરફ આપણે જઈ રહ્યા છીએ? આની ખરી અસર હમણાં નહીં સમજાય, ભવિષ્યમાં સમજાશે ત્યારે બહુ મોડું અને મોંઘું થઈ ગયું હશે. આપણા દેશના વિવિધ ભાગોમાં જે હિંસા, ઘટનાઓ અને માનસિકતા ફેલાતી દેખાય છે એમાં માનો કે ન માનો ફિલ્મો-સિરીઝની ભૂમિકા ચોક્કસ છે.


