જેમ-જેમ ઠંડી વધશે, ડ્રાય સ્કિનનો પ્રૉબ્લેમ શરૂ થઈ જશે. ખાસ કરીને હાથ ડ્રાય થઈ જાય તો મજા ન આવે. એવામાં ઍક્ટ્રેસ રવીના ટંડને પોતે જે અપનાવે છે એ ઘરગથ્થુ નુસખો શૅર કર્યો છે. મુલાયમ હાથ જોઈતા હોય તો આ ઉપાય અજમાવી જુઓ
રવીના ટંડને એક દેશી નુસખો શૅર કર્યો હાથ-પગની ત્વચા ફાટી જાય માટે
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. એમાં રૂક્ષ ત્વચાની સમસ્યા ખૂબ વધી જાય છે તથા હાથ-પગની ત્વચા ફાટી જાય છે. એવામાં અભિનેત્રી રવીના ટંડને એક દેશી નુસખો શૅર કર્યો છે. આ નુસખો અજમાવવાનું ખૂબ સરળ છે, કારણ કે એમાં ફક્ત બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આ વસ્તુ પણ એવી છે જે ઈઝીલી આપણા ઘરે અવેલેબલ હોય.
આ રીતે બનાવો DIY સ્ક્રબ
એક નાના વાટકામાં થોડું ઑલિવ ઑઇલ લો. એમાં મીઠું નાખીને બન્નેને સરખી રીતે મિક્સ કરો. તમારો સ્ક્રબ બનીને રેડી છે. આ સ્ક્રબને હાથ પર ઘસો. પંદર મિનિટ સુધી મસાજ કર્યા બાદ હાથને પાણીથી ધોઈ નાખો. આ સ્ક્રબ લગાવ્યા બાદ તમારા હાથ સૉફ્ટ અને મૉઇશ્ચરાઇઝ્ડ થઈ જશે.
ADVERTISEMENT
આ સ્ક્રબ ખરેખર કામ કરે
આ સ્ક્રબ ખરેખર અસરકારક છે, કેમ કે ઑલિવ ઑઇલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. એ વિટામિન ‘ઈ’ સહિતનાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે સ્કિનનું મૉઇશ્ચરાઇઝેશન ઇમ્પ્રૂવ કરે છે. ઑલિવ ઑઇલમાં મીઠું મિક્સ કરીને એને હાથમાં સ્ક્રબ કરવાથી ડેડ સ્કિન-સેલ્સને હટાવવામાં મદદ મળે છે. એના પરિણામે આપણી ત્વચા વધુ સાફ અને ચમકદાર બને છે. આ સ્ક્રબને હાથમાં લગાવીને પંદર મિનિટ સુધી હળવા હાથેથી રગડવું જોઈએ. મીઠું આપણી સ્કિનને એક્સફોલિએટ કરે છે અને ડેડ સ્કિનને રિમૂવ કરે છે, જ્યારે ઑલિવ ઑઇલ સ્કિનને અંદરથી મૉઇશ્ચરાઇઝ્ડ કરીને પોષણ આપે છે જેથી આપણા હાથ મુલાયમ બને છે. ઑલિવ ઑઇલમાં તમે મીઠાની જગ્યાએ સાકર ઍડ કરીને પણ સ્ક્રબ રેડી કરી શકો.
સ્ક્રબના ફાયદા
આ સ્ક્રબ આપણી સ્કિનને એક્સફોલિએટ કરે છે. એક્સફોલિએશન એટલે ત્વચાના સૌથી ઉપરના પડ પરથી ડેડ સ્કિન-સેલ્સને હટાવવા. ધૂળ, પ્રદૂષણ, તડકો, ઑઇલ વગેરેને કારણે આપણી ડલ અને કાળી પડી ગયેલી ત્વચાને ફ્રેશ, સ્મૂધ અને બ્રાઇટ બનાવવાનું કામ એક્સફોલિએશન કરે છે. સ્કિનને થોડા-થોડા સમયે એક્સફોલિએટ કરતા રહીએ તો પૉર્શમાં જમા થયેલી ગંદકી સાફ થઈ જાય અને ડેડ સ્કિન રિમૂવ થઈ જાય એટલે તમારી સ્કિન વધુ ગ્લોઇંગ થઈ જાય. આપણે જે સ્કિનકૅર પ્રોડક્ટ્સ લગાવીએ એને આપણી ત્વચા સારી રીતે ઍબ્સૉર્બ કરી શકે. પરિણામે આપણને એનો મૅક્સિમમ ફાયદો થાય.
સસ્તો વિકલ્પ જોઈતો હોય તો આ કરો
જો ઘરમાં ઑલિવ ઑઇલ અવેલેબલ ન હોય તો તમે નારિયેળના તેલનો ઉપયોગ કરીને પણ સ્ક્રબ બનાવી શકો છો. એક વાટકીમાં થોડું નારિયેળનું તેલ નાખો. એમાં બે ચમચી સાકર મિક્સ કરો. એમાં એક ચમચી લીંબુનો રસ ઍડ કરો. લીંબુના રસથી તમારી ત્વચા વધુ સારી રીતે ક્લીન થશે. આ સ્ક્રબને હાથમાં લગાવીને ૧૦ મિનિટ સુધી રગડો. એ પછી એને પાણીથી ધોઈ નાખો.