ચા પીવાથી કામચલાઉ ધોરણે તમારી ભૂખ મરી પણ જાય, પરંતુ એ તમારા શરીરને આવશ્યક પોષક તત્ત્વો પૂરાં પાડતી નથી અને એને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડના ફેમસ કૉમેડિયન રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે ખુલાસો કર્યો હતો કે રાજપાલ યાદવ દિવસમાં બારથી ૧૩ કપ ચા પી જાય છે. રાધા યાદવે કહ્યું હતું કે ‘તેઓ ચા પીને પોતાની ભૂખ મારી નાખે છે. રોજ ઘરે આ બાબતે ચર્ચા થાય છે અને તેઓ કહે છે કે હવે હું ચા છોડી દઈશ, પણ આ આદત છૂટતી નથી.’
ભારતમાં ચા એક સંસ્કૃતિ છે, પણ જ્યારે એ ભોજનનું સ્થાન લેવા માંડે ત્યારે શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
કેટલી જોખમી?
ઘણા લોકો વજન ઉતારવા કે કામના ભારમાં ભૂખ લાગે ત્યારે ચા પી લેતા હોય છે. નિષ્ણાતો કહે છે કે ‘ભૂખ દબાવવા માટે આટલી મોટી માત્રામાં ચા પીવાથી શરીરની કુદરતી મેટાબૉલિક રિધમ (ચયાપચયની ક્રિયા) બગડે છે. ચામાં રહેલું કૅફીન કામચલાઉ ધોરણે ભૂખ ઘટાડી શકે છે, પરંતુ એ શરીરને જરૂરી પ્રોટીન, ફૅટ કે કાર્બોહાઇડ્રેટ્સ પૂરાં પાડતું નથી. લાંબા ગાળે જ્યારે શરીરને પૂરતું પોષણ નથી મળતું ત્યારે મેટાબોલિઝમ સુધરવાને બદલે ધીમું પડી જાય છે. શરીર કન્ઝર્વેશન મોડમાં જતું રહે છે કારણ કે એને કાર્યરત રહેવા માટે પૂરતી એનર્જી મળતી નથી.’
ચા ભોજનનું સ્થાન લે તો?
જો તમે જમવાને બદલે ચા પર નિર્ભર રહો છો તો શરીરમાં અનેક પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે. આનાથી નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે...
ઍનિમિયા અને થાક : ચામાં રહેલું ટૅનિન ખોરાકમાંથી આયર્ન શોષવાની ક્ષમતા ઘટાડે છે. એનાથી લોહીની ઊણપ થાય છે અને સતત થાક લાગે છે.
નબળી રોગપ્રતિકારક શક્તિ : વિટામિન B12 અને કૅલ્શિયમ જેવાં તત્ત્વો ન મળવાથી શરીર બીમારીઓ સામે લડી શકતું નથી.
સ્નાયુઓની નબળાઈ : પ્રોટીનના અભાવે સ્નાયુઓ ઘટવા લાગે છે અને શરીરમાં નબળાઈ આવે છે.
ત્વચા અને વાળ પર અસર : પોષણના અભાવે વાળ ખરવા અને ત્વચા ફિક્કી પડી જવી જેવી સમસ્યાઓ સર્જાય છે.
વધુપડતી ચા પીવાથી ઍસિડિટી, ડીહાઇડ્રેશન અને ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઈ શકે છે.
દિવસમાં કેટલી ચા પીવી જોઈએ?
સામાન્ય રીતે એક તંદુરસ્ત વ્યક્તિ માટે દિવસમાં બેથી ૩ કપ ચા પૂરતી છે. એનાથી વધુ માત્રા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જો તમને પણ વધુ ચા પીવાની આદત હોય તો આ રીતે સુધારો કરી શકો છો.
ધીમે-ધીમે ઘટાડો : એકસાથે ચા છોડવાને બદલે દર થોડા દિવસે એક-એક કપ ઓછો કરતા જાઓ.
વિકલ્પ શોધો : જો તમને કંઈક પીવાની ઇચ્છા થાય તો હર્બલ ટી, લીંબુપાણી અથવા સાદું ગરમ પાણી પીવાની આદત પાડો.
ખાલી પેટે ચા ટાળો : ભૂખ્યા પેટે ચા પીવાથી ઍસિડિટીનું પ્રમાણ વધે છે.
પૌષ્ટિક આહાર : જો તમે પૂરતું અને પૌષ્ટિક ભોજન લેશો તો શરીરને વધારાના સ્ટિમ્યુલન્ટ (જેમ કે ચા)ની જરૂર ઓછી પડશે.
