PCODની ચિંતા આજકાલ બધાને છે, પરંતુ ૧૮ વર્ષ પહેલાં કોઈ પણ છોકરીને PCOD હોવાનું નિદાન કરવું બિલકુલ યોગ્ય નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મારી દીકરી ૧૧ વર્ષની છે, એના પિરિયડ્સ ૭-૮ મહિના પહેલાં શરૂ થઈ ગયા છે, પણ હજી ઘણા અનિયમિત છે. પહેલા પિરિયડ્સ ત્રણ મહિના પછીથી આવ્યા, પછી સતત બે મહિના સુધી રેગ્યુલર આવ્યા અને હવે ફરી બે મહિનાથી આવ્યા જ નથી. એનું વજન જેટલું હોવું જોઈએ એના કરતાં ૭-૮ કિલો વધુ જ છે. શું તેને PCOD હોઈ શકે છે? મને તેની ખાસ્સી ચિંતા થાય છે. મારે શું કરવું જોઈએ?
PCODની ચિંતા આજકાલ બધાને છે, પરંતુ ૧૮ વર્ષ પહેલાં કોઈ પણ છોકરીને PCOD હોવાનું નિદાન કરવું બિલકુલ યોગ્ય નથી. તે હજી ઘણી નાની છે એ માટે. પિરિયડ્સ શરૂ થાય ત્યારે અનિયમિત હોય એ એકદમ પ્રાકૃતિક છે. પિરિયડ્સ શરૂ થાય ત્યારે અને પૂરા થાય ત્યારે એ બન્ને સમયે થોડી-થોડી તકલીફ આપે છે. પહેલી વાત તો એ કે જ્યારે ૧૧ વર્ષે પિરિયડ્સ શરૂ થાય ત્યારે ઓછાંમાં ઓછાં ૩ વર્ષ બાળકને આપો. એ ૩ વર્ષમાં દીકરીનું શરીર યોગ્ય રીતે વિકાસ પામશે, જેને લીધે તેનું માસિક નિયમિત થઈ જશે. આ નિયમિતતા આવવા માટે પણ એને ચોક્કસ સમય આપવો જરૂરી છે. ઘણી છોકરીઓને માસિક હજી શરૂ જ થયું હોય તો દર મહિને કે દર ૨૮ દિવસે માસિક આવે જ એવું જરૂરી નથી. ઘણી છોકરીઓને ૨-૩ મહિને એક વાર પણ આવી શકે તો ઘણી છોકરીઓને ૬ મહિને પણ આવે. ઘણાને પહેલી વાર બે મહિને આવ્યું હોય તો બીજી વાર ૪ મહિને પણ આવી શકે. માસિક હજી ચાલુ જ થયું હોય એટલી નાની ઉંમરે અનિયમિતતા એ અત્યંત સામાન્ય લક્ષણ છે. અમુક છોકરીઓ હોય જેને ૨૮ દિવસે સાઇકલ રિપીટ થાય, પરંતુ મોટા ભાગની છોકરીઓને અ સાઇકલ શરૂઆતમાં અનિયમિત જ હોય છે. એનાથી ગભરાવા જેવું નથી હોતું અને ડૉક્ટર પાસે દોડી જવાની પણ જરૂર નથી રહેતી. થોડો સમય આપવાની જરૂર હોય છે. એની મેળે એ નિયમિત થઈ જાય છે.
ADVERTISEMENT
આ દરમ્યાન તમારે તેના વજનનું અને ખોરાકનું ધ્યાન રાખવું જરૂરી છે. તેને પોષણયુક્ત ઘરનો ખોરાક જ આપો. તેને ફરજિયાત સ્પોર્ટ્સમાં રાખો કે ફિઝિકલ ઍક્ટિવિટી વધારો. વજન ઓછું થશે તો મદદ મળશે એના હૉર્મોન્સને બૅલૅન્સ કરવા માટે. આ સિવાય આ ઉંમરમાં છોકરીને પિરિયડ્સ વિશે વ્યવસ્થિત સમજાવવું પણ જરૂરી છે. તે ડરી ન જાય કે ઊંધું કશું મગજમાં બંધ બેસાડી લે એવું ન થવું જોઈએ.


