લાંબા સમય સુધી દબાયેલી લાગણીઓને રિલીઝ અથવા એક્સપ્રેસ કરવામાં ન આવે તો એ બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી સમસ્યાનું કારણ બની શકે છે. રડવું એ ઇન્ટરલ પ્રૉબ્લેમને રિલીઝ કરવાની પાવરફુલ પ્રોસેસ છે
પ્રતીકાત્મક તસવીર
આજના હસલ-કલ્ચરમાં આપણે હંમેશાં હસતા અને મજબૂત દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. ભાવુક થવું કે રડી પડવું એ નબળાઈની નિશાની માનવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે ક્યારેક મન મૂકીને રડી લેવું એ તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે કોઈ મેડિટેશનથી ઓછું નથી? સાયન્સ મુજબ જે આંસુ આપણે રોકી રાખીએ છીએ એ હકીકતમાં આપણી હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે. સેલ્ફ-કૅરનું સૌથી પાવરફુલ ટૂલ રુદન છે.
આપણે ત્યાં કહેવત છે, હસે તેનું ઘર વસે, પણ વર્તમાનમાં સાઇકોલૉજિસ્ટ એમ કહે છે કે રડે તેનું મન હળવું થાય. જ્યારે આપણે રડીએ છીએ ત્યારે માત્ર આંખમાંથી પાણી નથી નીકળતું, એની સાથે વર્ષોથી દબાયેલો તનાવ અને માનસિક બોજ પણ વહી જાય છે. રડતી વખતે શરીરમાંથી ફીલ-ગુડ હૉર્મોન્સ રિલીઝ થાય છે અને આ એ જ કેમિકલ્સ છે જે આપણને શારીરિક પીડા સામે લડવાની શક્તિ આપે છે. એટલે જ ઘણી વાર રડ્યા પછી આપણને અનોખી શાંતિ અને ગાઢ ઊંઘનો અનુભવ થાય છે.
ADVERTISEMENT
રડવાના પ્રકારો પણ રસપ્રદ છે. ડુંગળી કાપતી વખતે આવતાં આંસુ માત્ર આંખની સફાઈ કરે છે, પરંતુ જ્યારે આપણે ભાવુક થઈને રડીએ છીએ ત્યારે એ આંસુઓમાં સ્ટ્રેસ-હૉર્મોન્સનું પ્રમાણ વધારે હોય છે. મતલબ કે રડીને વાસ્તવમાં આપણા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે. એ એક પ્રકારનું ઇમોશનલ ડીટૉક્સ છે. જે લોકો પોતાની લાગણીઓને દબાવી રાખે છે, તેમનામાં બ્લડપ્રેશર, હૃદયરોગ અને ડિપ્રેશનનું જોખમ વધી જાય છે. એની સામે જેઓ મન ભરીને રડી લે છે એમની રોગપ્રતિકારક શક્તિ વધુ સારી જોવા મળે છે. આપણાં આંસુમાં લાયસોઝાઇમ નામનું પ્રવાહી હોય છે જેમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો હોય છે. એ માત્ર પાંચથી ૧૦ મિનિટમાં આંખમાં રહેલા ૯૦ ટકાથી ૯૫ ટકા બૅક્ટેરિયાનો નાશ કરી શકે છે. ઉપરાંત એ આંખને ભીની રાખીને દૃષ્ટિને સાફ રાખે છે. વધુપડતા તનાવને કારણે બ્લડપ્રેશર વધી જતું હોય છે. મન મૂકીને રડી લેવાથી હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર સામાન્ય સ્તરે આવવામાં મદદ મળે છે જે લાંબા ગાળે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. જે લોકો રડવાનું ટાળે છે અથવા લાગણીઓને દબાવે છે તેમનામાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી અને પૅનિક-અટૅકનું જોખમ વધારે હોય છે. રડવું એ સેલ્ફ-સૂધિંગ મેકૅનિઝમ છે જે માનસિક બીમારીઓ સામે ઢાલ બને છે.
