શરદી, ખાંસી, ગળું ખરાબ જેવી તકલીફ જેને ફ્લુ કહેવાય એના માટે પશ્ચિમી દેશોમાં એક ટર્મ છે જેને મૅન ફ્લુ કહે છે. રિસર્ચ માને છે કે પુરુષોને જ્યારે ફ્લુ થાય છે ત્યારે તે વધુ તકલીફમાંથી પસાર થાય છે.
પ્રતીકાત્મક તસવીર
હાલમાં વર્લ્ડ ફેમસ ન્યુટ્રિશનિસ્ટ જેના હોપની નવી બુક પબ્લિશ થઈ છે જેનું નામ છે ‘હાઉ ટુ સ્ટે હેલ્ધી’. એમાં જેના લખે છે કે અમે જ્યારે પુરાવા તપાસ્યા ત્યારે અમને ખબર પડી કે સ્ત્રીઓની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ પુરુષો કરતાં વધુ મજબૂત હોય છે. સ્ત્રીઓમાં પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન નામનાં હૉર્મોન્સ વધુ હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે, જ્યારે પુરુષોમાં મુખ્ય હૉર્મોન ટેસ્ટોસ્ટેરોન હોય છે જે ઇમ્યુનિટીને સપ્રેસ કરે છે. એટલે જેનાના મત મુજબ મૅન ફ્લુ એ કોઈ ભ્રમણા નથી, હકીકત છે. પુરુષોમાં ફ્લુનાં લક્ષણોની તીવ્રતા સ્ત્રીઓ કરતાં વધુ જોવા મળે છે.જેનાની આ વાતને સપોર્ટ કરતાં ૨૦૧૭માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયેલા રિવ્યુ મુજબ ઘણાબધા સ્ટડીઝનું તારણ એ જ છે કે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં ઇમ્યુન સિસ્ટમનો રિસ્પૉન્સ નબળો છે જેને લીધે તેમનામાં વાઇરલ ઇન્ફેક્શન જે શ્વસનતંત્રને અસર કરે છે એ લાંબું ચાલે છે અને એનાં લક્ષણો પણ પ્રમાણમાં વધુ તીવ્ર હોય છે. ૨૦૨૨નો એક સ્ટડી કહે છે કે ફ્લુ થાય તો પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓ જલદી ઠીક થઈ જતી હોય છે, પરંતુ ફ્લુની શરૂઆતમાં સ્ત્રીઓનાં લક્ષણો ફ્લુની શરૂઆતમાં પુરુષો કરતાં વધુ ગંભીર હોય છે.
સ્ત્રી અને પુરુષમાં ફ્લુનો રિસ્પૉન્સ
મૅન ફ્લુને સાદી રીતે સમજવો હોય તો બીમાર બધા પડે છે, પરંતુ બીમારીની તીવ્રતા વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોય છે. ફ્લુ થાય ત્યારે ઘરમાં લગભગ દરેકેદરેક વ્યક્તિ એનાથી અસર પામે છે, કારણ કે ફ્લુ ચેપી હોય છે. એક વ્યક્તિને થાય એટલે બીજાને હવા મારફત એ વાઇરસ ફેલાય અને ચેપ લાગે. જોકે દરેક વ્યક્તિને એક જેવાં ચિહનો નથી હોતાં. કોઈ વ્યક્તિ બે દિવસમાં બેઠી થઈ જાય છે, કોઈ વ્યક્તિને શરૂઆતના ત્રણ દિવસ એટલી ખરાબ હાલત હોય છે કે તે ઊંઘ્યા જ કરે છે તો કોઈ વ્યક્તિને બધાં ચિહનો હોવા છતાં તે પોતાનું રૂટીન છોડતી નથી. તે કામ પણ કરે છે, બધી પ્રવૃત્તિઓ પણ કરે છે. ઘણાને દવા લીધા વગર ચાલતું જ નથી તો ઘણા દવા વગર જ ઠીક થઈ જાય છે. આવું થવાનું કારણ મુખ્ય એ છે કે દરેકની રોગપ્રતિકારક શક્તિ જુદી-જુદી છે. એટલે જ કોરોના સમયે કોઈને લક્ષણો દેખાયાં જ નથી અને કોઈ વ્યક્તિ મૃત્યુ પણ પામી છે. જોકે ફ્લુ જેવા વાઇરલ ઇન્ફેક્શનમાં પુરુષો અને સ્ત્રીઓના શરીરનો રિસ્પૉન્સ અલગ-અલગ હોઈ શકે? અને જો હા, તો કઈ રીતે એ શક્ય છે?
ADVERTISEMENT
કઈ રીતે કામ કરે ઇમ્યુનિટી?
કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન માટે કઈ-કઈ બાબતોનો ભેદ અસરકર્તા હોય શકે છે? આ બાબતે સ્પષ્ટતા કરતાં ફોર્ટીસ હૉસ્પિટલ અને સાયન હૉસ્પિટલના ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશ્યલિસ્ટ ડૉ. અનીતા મૅથ્યુ કહે છે, ‘સૌથી પહેલાં તો ઉંમર. બાળકો અને વૃદ્ધોમાં ઇન્ફેક્શનની તીવ્રતા ઘણી વધુ હોય છે. આ સિવાય જિનેટિકલી અમુક લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, અમુક પ્રકારની ઍલર્જી હોય, ફેફસાંના કોઈ પણ પ્રકારના રોગ પહેલાં થયા હોય જેને લીધે ફેફસાં થોડાં અસરગ્રસ્ત હોય - જેમ કે ટીબી અથવા હાલમાં કોઈ રોગ હોય, જેમ કે અસ્થમા કે COPD તો અસર વધુ થાય. સ્મોકિંગની આદત હોય, નાનપણમાં ન્યુમોનિયા થયો હોય તો પણ ફેફસાં અમુક રીતે અસર પામેલાં હોય એટલે ઇન્ફેક્શનની શક્યતા વધુ રહે. આ ઉપરાંત અમુક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો જેમ કે સિલિકા કે કૉટન મિલ વર્કર્સ કે ખેડૂતોને ઇન્ફેક્શન થવાની શક્યતા સામાન્ય લોકો કરતાં વધુ હોઈ શકે છે. આ ઉપરાંત વાઇરસ લોડ એક મહત્ત્વનું પરિમાણ છે. વાઇરલ અટૅક થાય, પરંતુ કેટલા પ્રમાણમાં વાઇરસે અટૅક કર્યો છે એના પર નિર્ભર કરે છે કે વ્યક્તિને એની અસર કેટલી વધુ થશે. આમ ફક્ત પુરુષ કે સ્ત્રી હોવાથી ફ્લુની તીવ્રતા ઓછી વત્તી થતી નથી, પરંતુ એની પાછળ બીજાં ઘણાં-ઘણાં પરિબળો હોય છે.’
પુરુષોમાં કેમ વધુ?
છતાં પુરુષોમાં અમુક બાબતો એવી છે જેને કારણે તેમના પર ઇન્ફેક્શનની શક્યતા વધુ હોય છે એ વિશે વાત કરતાં ડૉ. અનીતા મૅથ્યુ કહે છે, ‘પુરુષોમાં સેન્ટ્રલ ઓબેસિટી વધુ હોય છે જેની અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. આ સિવાય મોટા ભાગે પુરુષો ઘરની બહાર વધુ રહેતા હોય તો પૉલ્યુશનથી માંડીને એક્સપોઝર વધી જવાને લીધે તેમના પર ખતરો વધે છે. મિલવર્કર, ખેડૂત કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકોમાં પુરુષો વધુ હોય છે એટલે પણ તેમનામાં શ્વસનતંત્રને લગતા રોગ કે ઇન્ફેક્શન થવાની માત્રા વધુ જ હોવાની. સ્મોકિંગ પણ પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ જ કરે છે એટલે એ રીતે પણ તેમના પર ખતરો વધુ છે.’
ઇમ્યુન રિસ્પૉન્સનો ફરક
આ વાત કેટલી સાચી છે કે પુરુષોની રોગપ્રતિકારક શક્તિ સ્ત્રીઓ કરતાં ઓછી હોય? આ વાતને સ્પષ્ટ રીતે સમજાવતાં ડૉ. રૉય હેલ્થ સૉલ્યુશન્સ, બાંદરાના અમેરિકન સર્ટિફાઇડ ઍલર્જી અસ્થમા સ્પેશ્યલિસ્ટ ઇમ્યુનોલૉજિસ્ટ ડૉ. સિતેશ રૉય કહે છે, ‘કુદરતે સ્ત્રીઓમાં અને પુરુષોમાં ઇમ્યુન રિસ્પૉન્સ જુદા-જુદા આપ્યા છે, કારણ કે સ્ત્રીઓએ ઘણીબધી વસ્તુઓમાંથી પસાર થવાનું હોય છે - ચાહે એ પિરિયડ્સ હોય કે બાળકને જન્મ આપવો. એટલે તેઓ દરેક પ્રકારનું સ્ટ્રેસ કે પ્રહાર સહન કરી શકે છે. ઇન્ફેક્શન પણ તમારી રોગપ્રતિકારક શક્તિ પર વાઇરસનો પ્રહાર છે. જોકે એક ઇમ્યુનોલૉજિસ્ટ થઈને હું એ ચોક્કસ કહીશ કે હૉર્મોન્સની ઇમ્યુન સિસ્ટમ પર અસરને કારણે સ્ત્રીઓ સ્ટ્રૉન્ગ છે એવું નથી. એવાં પણ ઘણાં રિસર્ચ છે જે કહે છે કે પુરુષોનાં હૉર્મોન્સ તેમની ઇમ્યુનિટીને સ્ટ્રૉન્ગ બનાવે છે, નબળી નહીં. એટલે આ વાત માની ન શકાય કે પુરુષોની ઇમ્યુનિટી સ્ત્રીઓ કરતાં ઓછી હોય.’

કુદરતે સ્ત્રીઓમાં અને પુરુષોમાં ઇમ્યુન રિસ્પૉન્સ જુદા-જુદા આપ્યા છે, કારણ કે સ્ત્રીઓએ ઘણીબધી વસ્તુઓમાંથી પસાર થવાનું હોય છે - ચાહે એ પિરિયડ્સ હોય કે બાળકને જન્મ આપવો. એટલે તેઓ દરેક પ્રકારનું સ્ટ્રેસ કે પ્રહાર સહન કરી શકે છે. ડૉ સિતેશ રૉય
સાઇકોલૉજિકલ કારણો
મૅન ફ્લુ માટે એમ પણ કહેવાય છે કે પુરુષો હંમેશાં એવું વધુ દેખાડતા અને અનુભવતા હોય છે કે તેઓ બીમાર થઈ ગયા એટલે જાણે શું થઈ ગયું હોય! શરદી થઈ હોય તો એ તો સામાન્ય બાબત જ છે, પરંતુ એને તેઓ સામાન્ય તરીકે લેતા નથી. તો શું પુરુષોને ફ્લુ થાય ત્યારે તેમનાં લક્ષણો સ્ત્રીઓ કરતાં વધુ તીવ્ર હોય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સિતેશ રૉય કહે છે, ‘ના, એવું પણ નથી. ઘણી વખત એવું થાય છે કે શારીરિક રીતે ચિહનો અલગ ન હોય, પરંતુ માનસિક રીતે તમે રોગને જુદી રીતે લો. સ્ત્રીઓ હંમેશાંથી વધુ જવાબદાર રહી છે. ઘરની અને બાળકોની જવાબદારી એવી વસ્તુ છે જેમાંથી એક દિવસનો બ્રેક પણ અઘરો બની જાય છે. એટલે જો તે ફ્લુ જેવી સામાન્ય બીમારીથી માંદી પડી તો પણ તે માંદગીને અવગણીને કામ કરવા લાગશે. પુરુષોને એક દિવસની રજા મળી શકે છે. બીજું એ કે તમારી સેવા કરનારું કોઈ હોય તો તમે એવાં નખરાં કરી શકો છો કે મારી હાલત ખરાબ છે, હું સૂઈ જાઉં છું. જે પુરુષોને મા કે પત્નીનું સુખ છે તેઓ નખરાં કરતા હોય છે. જે બિચારા એકલા રહે છે તેમણે તો બધું જાતે જ કરવું પડે છે. આમ સાઇકોલૉજિકલી લક્ષણો વધુ લાગે એનાં જુદાં કારણો છે, પણ બાયોલૉજિકલ કારણોનાં ખાસ પ્રમાણ નથી. જોકે આ પણ બધા પુરુષોને લાગુ પડતું નથી. ઘણા પુરુષો ગમે એટલા બીમાર પડે, ગમે એટલી તકલીફ હોય તો પણ જતાવતા નથી. એવા પણ પુરુષો આપણે ત્યાં છે ખરા.’


