મોટા ભાગે જન્મથી જો કોઈ પ્રકારની જિનેટિક ખામી હોય તો આ પ્રકારની ગાંઠ ઉદ્ભવે એવું બને

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૬૬ વર્ષનો છું. થોડા સમય પહેલાં અચાનક જ મને ખૂબ શ્વાસ ચડવા લાગ્યો હતો એટલે મને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. મારા ધબકારા એ સમયે ૧૮૦થી ઉપર હતા. મારી 2D ઇકો-ટેસ્ટ કરવામાં આવી ત્યારે ખબર પડી કે મારા હૃદયમાં ગાંઠ છે. અમે લોકો ખૂબ ગભરાઈ ગયા હતા, પરંતુ આગળ ટેસ્ટ કરાવી ત્યારે ખબર પડી કે આ ગાંઠ કૅન્સરની નથી, નૉન-કૅન્સરસ ટ્યુમર છે. હું મારી 2D ઇકો ટેસ્ટ અને MRIનો રિપોર્ટ તમને મોકલું છું. તમે તપાસીને કહેશો કે શું મારે સર્જરી કરાવવી જ પડશે? સર્જરી વગર એ ટ્યુમર જાય કે નહીં? જો સર્જરી કરાવવી જ પડે તો રિસ્ક કેટલું?
આ પણ વાંચો : પિરિયડ્સ સમયે ૩-૪ દિવસ આંખમાં કશુંક ખટકે છે
ADVERTISEMENT
હાર્ટમાં ગાંઠ થવી એ તકલીફ ભાગ્યે જ લોકોમાં જોવા મળે છે. મોટા ભાગે હાર્ટમાં ગાંઠ ઉદ્ભવતી નથી, કારણ કે આ એવું અંગ નથી જ્યાં નવા-નવા કોષો બન્યા કરે. મોટા ભાગે જન્મથી જો કોઈ પ્રકારની જિનેટિક ખામી હોય તો આ પ્રકારની ગાંઠ ઉદ્ભવે એવું બને. મોટા ભાગે એ ૩૦-૪૦ વર્ષે સામે આવે, પરંતુ તમારા કેસમાં એ ઘણી મોડી સામે આવી છે. તમારા હાર્ટના ડાબી બાજુના એક ચેમ્બરમાં જેને ઍટ્રિયમ કહે છે એમાં આ ગાંઠ છે. આ કૅન્સરની ગાંઠ નથી એ બેસ્ટ બાબત છે. આ ગાંઠને મિક્ઝોમા કહેવાય છે. આ ગાંઠ હાર્ટમાં ફ્લૉટિંગ ગાંઠ છે એટલે કે આખા હાર્ટમાં એ ફરી રહી છે. હાર્ટની દીવાલને અડીને એ એક જગ્યાએ સ્થિર નથી. જો આ ગાંઠ હાર્ટની દીવાલને અડેલી હોત તો એને દવાઓ દ્વારા પીગળાવી શકાઈ હોત અને એનો નાશ સરળતાથી થઈ શક્યો હોત, તો સર્જરીની જરૂર ન પડત, પણ આ ગાંઠ આખા હાર્ટમાં ફરી રહી છે. માટે આ ગાંઠ એમ્બોલિઝમ તરીકે વર્તી શકે છે. કોઈ નળીમાં જઈને ફસાઈ જાય કે મગજ સુધી ટ્રાવેલ કરીને જાય અને મગજમાં ક્લૉટ કરે એવું પણ બને. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તમે જો નિર્ણય લેવામાં વાર લગાડશો તો એ તમારા માટે હિતાવહ નથી. તમારે બિલકુલ રાહ જોયા વગર સર્જરીનું ઑપ્શન સિલેક્ટ કરીને આગળ વધવું પડશે. આ હાર્ટની ઓપન સર્જરી છે. જો તમે ૩૦-૪૦ વર્ષના હોત તો હું કહેત કે ખાસ રિસ્ક નથી, પરંતુ ૬૬ વર્ષે હાર્ટની ઓપન સર્જરીમાં રિસ્ક તો છે જ. માટે જરૂરી છે કે તમે બધી તૈયારી સાથે હૉસ્પિટલમાં ભરતી થાઓ. મુખ્ય તો તમારી માનસિક સજ્જતા છે. આ અચાનક આવેલી તકલીફનું એક જ સૉલ્યુશન છે અને એ છે સર્જરી.

