મેં અમેરિકન જર્નલમાં વાંચેલું કે જો ઍવરેજ શુગર ૨૫૦ હોય તો એમાં કશું ઍબ્નૉર્મલ નથી. શું એ સાચી વાત છે? હું મહિનામાં એક વાર આઇસક્રીમ ખાઉં છું અને વીકમાં એક વાર તળેલું ખાઉં તો ચાલે કે નહીં?
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
મને છેલ્લાં ૧૦ વર્ષથી ડાયાબિટીઝ છે અને મારી ઍલોપથી દવાઓ ચાલુ છે. હું દરરોજ ૩૦-૪૦ મિનિટ યોગ કરું છું. મને ઇચ્છા છે કે હું આયુર્વેદિક દવા શરૂ કરું, પરંતુ પ્રશ્ન થાય છે કે જો હું આયુર્વેદિક દવાઓ લેતો હોઉં તો મારે ઍલોપથી ચાલુ રાખવી કે છોડી દેવી? બીજું એ કે મેં અમેરિકન જર્નલમાં વાંચેલું કે જો ઍવરેજ શુગર ૨૫૦ હોય તો એમાં કશું ઍબ્નૉર્મલ નથી. શું એ સાચી વાત છે? હું મહિનામાં એક વાર આઇસક્રીમ ખાઉં છું અને વીકમાં એક વાર તળેલું ખાઉં તો ચાલે કે નહીં?
ડાયાબિટીઝનું નિદાન તમને કઈ રીતે થયું એ જાણવું જરૂરી છે. જો તમને ફૅમિલી હિસ્ટરીને કારણે આ રોગ આવ્યો હોય તો એની ગંભીરતા વધી જાય છે. આમ પણ તમને છેલ્લાં ૧૦ વર્ષથી આ રોગ છે એટલે એ સરળતાથી જતો રહેશે એમ માનવું નહીં. મોટા ભાગના લોકો માને છે કે આયુર્વેદિક દવાઓ ખાવાથી કોઈ જ નુકસાન થતું નથી એટલે એ મન ફાવે એમ આયુર્વેદિક દવા લેતા હોય છે. હકીકતમાં આયુર્વેદિક દવાઓ પણ દવા જ છે. દવા ક્યારેય નિષ્ણાતને પૂછ્યા વગર ન લેવાય. તમારી આયુર્વેદિક દવાઓ પણ જાણકાર વૈદ્ય પાસેથી જ લખાવવી જરૂરી છે. જે બજારમાં હર્બલ મેડિસિન મળે છે એને મુખ્ય મેડિસિન માનીને ખુદથી લેવા લાગો એ યોગ્ય નથી. આયુર્વેદિક મેડિસિન હોય કે ઍલોપથી મેડિસિન નિષ્ણાતની દેખરેખમાં જ લેવી. બીજું એ કે એ તમારા વૈદ્ય તમારી કન્ડિશન જોઈને નક્કી કરશે કે તમારે ઍલોપેથી દવા મૂકવી કે નહીં, મૂકો તો કયા પ્રમાણમાં અને કેવી રીતે મૂકવી. એ જે દવાઓનું શિફ્ટ છે એ ધીમે-ધીમે અને નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવું જોઈએ. નહીંતર મુસીબત વધી શકે છે. ઍલોપથી હોય કે આયુર્વેદિક દવાઓ, ડાયાબિટીઝ જેવા રોગમાં જેટલી દવાઓ મહત્ત્વની છે એટલું જ મહત્ત્વ યોગ્ય લાઇફસ્ટાઇલનું પણ છે. બાકી તમે પૂછ્યું છે કે દિવસનું ઍવરેજ બ્લડ શુગર ૨૫૦ હોય પણ આ રીતે શુગર મપાય નહીં. HbA1c ટેસ્ટ દર ૩ મહિનાની શુગરની ઍવરેજ શુગર બતાવે છે. આમ, જરૂરી છે કે તમે દર ૬ મહિને આ ટેસ્ટ કરાવો અને એ મુજબ આગળ વધો. જો તમારી શુગર ૨૫૦-૩૦૦ જેવી રહેતી હોય એ પણ દવા સાથે, તો તમે જે મહિને એક વાર આઇસક્રીમ કે અઠવાડિયે એક વાર તળેલું ખાઓ છો એ ન ખાવું જોઈએ. શુગર એકદમ કન્ટ્રોલમાં આવે પછી આવી છૂટ લઈ શકાય.


