Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > નાનો વિચાર, મોટો બદલાવ: જે ચમચીથી ખાઓ એ ચમચીને પણ છેલ્લે ખાઈ જાઓ

નાનો વિચાર, મોટો બદલાવ: જે ચમચીથી ખાઓ એ ચમચીને પણ છેલ્લે ખાઈ જાઓ

Published : 17 May, 2026 02:06 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

પ્રોડક્ટ્સ અને ફ્લેવર વિશે જાણકારી આપતાં ક્રુવિલ કહે છે, ‘શરૂઆતમાં ઘઉંના લોટમાંથી સૉલ્ટેડ અને મીઠા વગરની અલગ-અલગ સાઇઝની ટેબલસ્પૂન, સ્પૉર્ક (ફૉર્કની જગ્યાએ તેણે સ્પૉર્ક નામ આપ્યું છે), કેકકટિંગ માટે નાઇફ અને સ્ટ્રૉ લૉન્ચ કર્યાં હતાં.

ઈટેબલ પ્રોડક્ટ્સ

ઈટેબલ પ્રોડક્ટ્સ


સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે વડોદરાના ક્રુવિલ પટેલને ખાદ્ય સામગ્રીમાંથી જુદા-જુદા શેપ અને સાઇઝની સ્પૂન, ફૉર્ક, નાઇફ, સ્ટ્રૉ બનાવવાનો આઇડિયા આવ્યો. તેના આ નવીનતમ વિચારને લોકોએ હસી કાઢ્યો, પણ આ યુવાન પોતાના ઇરાદામાં મક્કમ રહ્યો. ૨૦૧૭માં તેણે ઉધારના પૈસા અને લોનની મદદથી ઈટેબલ પ્રોડક્ટ્સ બનાવવાના પ્રયોગો શરૂ કર્યા અને બે વર્ષ બાદ ફુલફ્લેજ્ડ પ્રોડક્શન સાથે માર્કેટમાં ઝંપલાવ્યું. આજે આ પહેલ માત્ર બિઝનેસ નહીં, એક મિશન બની ગઈ છે. તેની કંપની ત્રિશૂલા ઇન્ડિયાએ વૅનિલા, ચૉકો લસ્ટ, ક્રેઝી સિનૅમન, પેરી-પેરી પન્ચ, ચિલી ગાર્લિક, ટૅન્ગી ટમૅટો ફ્લેવર ઇન્ટ્રોડ્યુસ કરીને નેસ્લે અને ડૉમિનોઝ જેવી બ્રૅન્ડના ઑર્ડર મેળવવા સુધીની સફર તય કરી છે. ભારતીય માર્કેટમાં તે મુખ્ય ખેલાડી છે. અમેરિકા, બ્રિટન, ઇટલી, જર્મની, ઑસ્ટ્રેલિયા, નૉર્વે, દુબઈ અને કુવૈતમાં પણ તેની પ્રોડક્ટ્સની ખાસ્સી ડિમાન્ડ છે

ગરમાગરમ ટેસ્ટી-ટેસ્ટી ચાઇનીઝ સૂપ પીધા પછી ચમચી ખાઈ જવાનો આઇડિયા કેવો છે? રાઇસ ખાવા માટે ઉપયોગમાં લેવાયેલી ચમચી ઝાપટી જાઓ એવું કોઈ કહે તો માનો? નૂડલ્સ ખાધા પછી ફૉર્કને પણ પેટમાં પધરાવી દો. હસવું આવ્યુંને? વડોદરાના ક્રુવિલ પટેલે જ્યારે પપ્પાને આ વાત કરી ત્યારે તેમણે દીકરાના આ વિચારને અજીબ ગણાવ્યો હતો. પટેલ થઈને લોટ બાંધવો છે? ઢંગધડા વગરના બિઝનેસ માટે મારી પાસે પૈસા નથી એવું સ્પષ્ટ જણાવી દીધું અને ચૂપચાપ પારિવારિક ધંધો સંભાળ એવો આદેશ આપી દીધો. મિત્રોએ પણ તેના આઇડિયાને હસવામાં કાઢી નાખ્યો. જોકે હાર માનીને બેસી રહેવું ક્રુવિલના સ્વભાવમાં નથી. લોકોએ શંકા વ્યક્ત કરી એને ચૅલેન્જ માનીને તેણે ઈટેબલ એટલે કે ખાઈ શકાય એવી ચમચી, છરીકાંટા, કેકકટિંગ માટે વપરાતી નાઇફ વગેરે બનાવવાના પ્રયોગો શરૂ કરી દીધા. બે વર્ષના રિસર્ચ બાદ ૪૦ જણની ટીમ સાથે તેણે માર્કેટમાં ઝંપલાવી દીધું. એન્જિનિયરમાંથી ઉદ્યોગ-સાહસિક સુધીની આ યુવાનની સફર સરળ નહોતી. ફન્ડિંગ અને સાધનો મેળવવાના પડાકારો પાર કરીને તેણે ઈટેબલ કટલરી માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આજે ભારતીય બજારમાં ત્રિશૂલા ઇન્ડિયા મુખ્ય ખેલાડી છે અને વિદેશમાં એની પ્રોડક્ટ્સની ખાસ્સી ડિમાન્ડ છે.




આઇસક્રીમ કોન સાથે ચૉકો લસ્ટ સ્પૂન.


નવતર વિચાર

૩૧ વર્ષના મેકૅનિકલ એન્જિનિયર ક્રુવિલને રખડપટ્ટીનો અને ખાણી-પીણીનો જબરો શોખ છે. પહાડો અને જંગલો ખૂંદવા નીકળી પડે. બારમા ધોરણ પછી કુદરતના સાંનિધ્યમાં રહેવા તેણે ઉદયપુરની પૅસિફિક યુનિવર્સિટીમાં ઍડ્મિશન લીધું. આ કૉલેજ પહાડોની વચ્ચે આવેલી છે. કૉલેજકાળમાં કૅન્ટીનમાં જમતી વખતે અને આસપાસના વિસ્તારોમાં ફરતાં તેણે જોયું કે લોકો ખાધા પછી ચમચી જંગલ અને પહાડો પર ફેંકી દે છે. એને કારણે પર્યાવરણને ભયંકર નુકસાન થાય છે. ત્યારથી તેના મગજમાં બાયોડિગ્રેડેબલ કટલરી આઇટમ બનાવવાનો વિચાર ઘૂમરાતો હતો. ૨૦૧૬માં અભ્યાસ પૂરો કર્યા બાદ તે વડોદરા પાછો આવ્યો.


આગળની વાત કરતાં ક્રુવિલ કહે છે, ‘હરવા-ફરવાની સાથે મને બાઇક્સ અને ટૉય પેટ્રોલકારનો શોખ છે. મારા પૈસા ખાવામાં અને પેટ્રોલમાં જ વપરાય. પહેલાં કારનો શોરૂમ ખોલવાનો વિચાર હતો. પપ્પાએ ના પાડી. અમારી કેમિકલ બનાવવાની ફૅક્ટરી છે. તેઓ ઇચ્છતા હતા કે હું પારિવારિક બિઝનેસ સંભાળી લઉં. મારી જીદ હતી કે કંઈ પણ કરીશ, કેમિકલનો ધંધો નહીં કરું. પહાડોનો પ્રવાસ તો ચાલુ જ હતો. ડુંગરાળ પ્રદેશમાં નૂડલ્સનું ચલણ વધુ છે. પહાડો પર મૅગી ખાઈને ફેંકી દેવાતાં ચમચી-કાંટાનો આડેધડ કચરો ભેગો થતો. માણસજાત પોતાના સ્વાર્થ ખાતર કુદરતી સંપદા નષ્ટ કરી રહ્યો છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ હોવો જોઈએ. ઈટેબલ સ્પૂન વિશે સાંભળ્યું હતું. વિદેશમાં એનો વપરાશ છે. સ્ટાર્ટઅપ માટે પપ્પા પાસે પૈસા માગ્યા. તેમણે ચોખ્ખી ના પાડી દીધી. પટેલ થઈને છોકરીઓનાં કામ કરીશ? આ કંઈ ધંધો છે? વાહિયાત આઇડિયા મૂક અને ફૅક્ટરી સંભાળ. બધાએ હસવામાં કાઢી નાખ્યું. ચૅલેન્જ સ્વીકાર્યા પછી હું પીછેહઠ ન કરું. પ્લાસ્ટિકને હટાવીને ઈટેબલ કટલરી બનાવવા માટે મક્કમ હતો. પૈસાની જરૂર હતી એટલે પપ્પાના એક મિત્રની ફૅક્ટરીમાં નોકરીએ લાગ્યો. અહીં મારી મુલાકાત ઉપેન્દ્ર મિસ્ત્રી સાથે થઈ. તેમણે વુડન પૅટર્ન બનાવવામાં મદદ કરી. આમ સ્ટાર્ટઅપના શ્રીગણેશ થયા.’

રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ

રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ (R&D) માટે પૈસાનો પ્રશ્ન ઊભો જ હતો. સગાંસંબંધી અને મિત્રો પાસેથી ૭ લાખ રૂપિયા ભેગા કર્યા. વુડન ડાય બનાવવા ઉપેન્દ્ર અંકલનો સાથ હતો. તેમના દ્વારા શીતલ અમીન સાથે મુલાકાત થઈ. શીતલભાઈને ઈટેબલ કટલરીનો આઇડિયા પસંદ પડતાં ૧૫ લાખ રૂપિયાના રોકાણની તૈયારી બતાવી. કેતન અમીને ધંધામાં રિસ્ક લેવા પ્રોત્સાહન આપ્યું. કૌશલ પ્રજાપતિએ ફૅક્ટરી નાખવા પ્લૉટ આપ્યો. બધાના સહકારથી ક્રુવિલનો આત્મવિશ્વાસ વધ્યો. માઇક્રોવેવ અવન અને ખાદ્ય સામગ્રી લાવી ભાડાની જગ્યામાં પ્રયોગો શરૂ કર્યા. ફૂડી હોવાને લીધે કેટલાક શેફ સાથે ઓળખાણ હતી. તેમની પાસેથી લોટ બાંધતાં, ફ્લેવર ઍડ કરતાં, બેકિંગ કરતાં શીખ્યો. એન્જિનિયરિંગની સમજ હતી એટલે જાતે મોલ્ડ ડિઝાઇન કર્યાં. અવનમાં ચમચી બેક કર્યા પછી ચાખી જોતો કે સ્વાદ કેવો લાગે છે. કલર અને ટેક્સ્ચર કેવો છે એ ઑબ્ઝર્વ કરતો. કેટલા તાપમાનમાં ચમચી કડક રહે છે, પોચી પડતાં કેટલો સમય લાગે, કઈ સાઇઝની ચમચી માટે કેટલું ટેમ્પરેચર સેટ કરવાનું, એની થિકનૅસ, એક્સપાયરી ડેટ વગેરે બાબતો પર ધ્યાન આપ્યું. પહેલાં વુડનમાંથી અને ત્યાર બાદ ઍલૉય (એક પ્રકારની ધાતુ)માંથી મોલ્ડને જુદા-જુદા શેપ આપ્યા. બે વર્ષની મહેનત અને જાતજાતના પ્રયોગો બાદ ત્રિશુલાનો જન્મ થયો.


ફૅક્ટરીમાં કામ કરતો ક્રુવિલ પટેલ.

ક્રુવિલ શિવભક્ત છે. શિવજીનું ત્રિશૂલ અધર્મ પર સત્યની જીતનું પ્રતીક છે. પર્યાવરણને બચાવવાનું તેનું ધ્યેય બિઝનેસ-આઇડિયા સાથે મૅચ થતાં કંપનીનું નામ ત્રિશૂલા ઇન્ડિયા રાખ્યું. ૨૦૧૯માં ૪૦ જણની ટીમ સાથે ફુલફ્લેજ્ડ પ્રોડક્શન શરૂ થઈ જતાં કંપનીએ માર્કેટમાં ઝંપલાવ્યું. પ્રોડક્ટ્સ લૉન્ચ કર્યાના પહેલા જ વર્ષે અમેરિકાના લૉસ ઍન્જલસ ખાતે આયોજિત વેસ્ટર્ન ફૂડ સર્વિસ અને હૉસ્પિટૅલિટી એક્સ્પોમાં પીપલ્સ ચૉઇસ કૅટેગરીમાં રનર-અપનો અવૉર્ડ મળ્યો હતો. ત્યાર બાદ નૉર્થ અમેરિકામાં ફ્યુચર ફૂડ શોકેસ અવૉર્ડ જીત્યો. અમેરિકામાં ૨૦૨૦માં ક્રુવિલ સ્પેશ્યલિટી ફૂડ અસોસિએશન (SFA)ના વિન્ટર ફૅન્સી ફૂડ-શોમાં વિનર બન્યો હતો. આ ઇનામ ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં નવા પ્રયોગો માટે આપવામાં આવે છે. લોકો સિંગલ-યુઝ પ્લાસ્ટિકને હટાવીને ઈટેબલ કટલરી વાપરે એ દિશામાં જાગૃતિ લાવવાનો તેનો પ્રયાસ કાબિલેદાદ છે. આજે ક્રુવિલની આ પહેલ માત્ર બિઝનેસ નહીં, એક મિશન બની ગઈ છે.

હાઇલાઇટર

૧) ત્રિશૂલા દ્વારા ઑફર કરવામાં આવતી ઈટેબલ કટલરીના વિકલ્પોમાં ડિઝર્ટ સ્પૂન, ટેબલ સ્પૂન અને સ્પૉર્ક નાઇફ, મિની પ્લેટ્સનો સમાવેશ થાય છે. એ સૉલ્ટી અને સ્વીટ બન્ને પ્રકારની વાનગીઓ સાથે સારી રીતે મૅચ થઈ જાય છે.

૨) વિવિધ પ્રકારના લોટ અને ભારતીય મસાલાનો ઉપયોગ થાય છે. એમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ અથવા કૃત્રિમ સ્વાદ ઉમેરવામાં આવતા નથી.

૩) ત્રિશૂલા દ્વારા કસ્ટમાઇઝેશન પ્રોડક્ટ્સ પણ બનાવી આપવામાં આવે છે. તમારી પસંદગી મુજબ એક્સ્ટ્રા પૈસા આપીને લોગો અથવા નામ એમ્બૉસ કરી શકાય છે.

૪) ટ્રાયલ માટે ૨૫૦ રૂપિયાનું હૅમ્પર મળે છે જેમાં અલગ-અલગ સ્વાદની ૩૦ કટલરી હોય છે.

૫) ત્રિશૂલા નકારાત્મક કાર્બન ફુટપ્રિન્ટ ધરાવે છે અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપતી ઝીરો વેસ્ટ કંપની છે.


સ્ટાફ સાથે પ્લાન્ટેશન કરતો, પાછળ બહુચર માનું મંદિર છે.

વેરિએશન અને ફ્લેવર

પ્રોડક્ટ્સ અને ફ્લેવર વિશે જાણકારી આપતાં ક્રુવિલ કહે છે, ‘શરૂઆતમાં ઘઉંના લોટમાંથી સૉલ્ટેડ અને મીઠા વગરની અલગ-અલગ સાઇઝની ટેબલસ્પૂન, સ્પૉર્ક (ફૉર્કની જગ્યાએ તેણે સ્પૉર્ક નામ આપ્યું છે), કેકકટિંગ માટે નાઇફ અને સ્ટ્રૉ લૉન્ચ કર્યાં હતાં. પબ્લિક રિસ્પૉન્સ ઠીકઠાક હતો. ઈટેબલ કટલરીની ઉપયોગિતા વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી વડોદરાની મોટી નવરાત્રિની કૅન્ટીનોમાં મફતમાં કટલરી આપી. લોકોએ વખાણ કર્યાં પણ ઑર્ડર નહોતા મળતા. દિલ્હી, જયપુર, દ​િક્ષણ ભારતમાં ખૂબ ફર્યો. રિપીટ ક્લાયન્ટ્સ મેળવવામાં મુશ્કેલી નડતાં વિદેશ તરફ નજર દોડાવી. અમેરિકા, બ્રિટન, સાઉથ આફ્રિકા, જર્મની, ઑસ્ટ્રેલિયા, ઇટલી, નૉર્વે, કુવૈત, દુબઈમાં ઈટેબલ સ્પૂનની ડિમાન્ડ છે. ઑર્ડર મળતા ગયા એમ પ્રોડક્ટ્સ અને ફ્લેવરમાં વેરિએશન ઍડ કરતો ગયો. અમારી પાસે મિની પ્લેટ્સ અને ફોલ્ડિંગ કટલરી સહિત પચીસ પૅટર્ન છે. ઘઉંના લોટ ઉપરાંત મિલેટ્સ અને ગ્લુટનમાંથી બનાવવામાં આવેલી કટલરીના ઑર્ડર પણ લઈએ છીએ. આ ચમચીઓ ખાસ પ્રકારના અનાજ અને કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ સુરક્ષિત છે. બનાવટની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુકૂળ છે. હાઇજીન માટે અમે વર્ષે ૩ લાખ રૂપિયાનો ખર્ચ કરીએ છીએ. ઈટેબલ કટલરીની એક્સપાયરી ડેટ એક વર્ષની હોય છે. સાઇઝ, શેપ અને ફ્લેવર પ્રમાણે હીટિંગ અને કૂલિંગ ટાઇમ અલગ હોય છે. સિમ્પ્લી ક્લાસિક, વૅનિલા, ચૉકો લસ્ટ, ક્રેઝી સિનૅમન, પેરી-પેરી પન્ચ, ચિલી ગાર્લિક, ટૅન્ગી ટમૅટો પૉપ્યુલર ફ્લેવર છે. મીલ સાથે મૅચ થાય એવી ફ્લેવર ઉપલબ્ધ છે. ગરમ સૂપમાં પચીસ મિનિટ સુધી ચમચી ઓગળતી નથી. જ્યાં સુધી બાઇટ ન કરો એનો સ્વાદ આવતો નથી. આથી મેઇન કોર્સનો ટેસ્ટ ડિસ્ટર્બ નથી થતો. જેમ-જેમ ચમચીથી ખાતા જાઓ એ સૉગી થઈ જાય. નરમ થાય પછી આરામથી ખાઈ લેવાની. આઇસક્રીમ સ્કૂપમાં ઉપયોગમાં લેવાતી સ્પૂન ૪૦ મિનિટ બાદ ખાવાલાયક સૉફ્ટ થઈ જાય છે. આ ઝીરો વેસ્ટ પ્રોડક્ટ છે. ઉપયોગમાં લીધા પછી ન ખાવી હોય અને ફેંકી દો તોય વાંધો નહીં. તમારો નહીં તો પ્રાણી અને જીવજંતુનો આહાર બનશે, ખાતર બની જશે; પણ પર્યાવરણને નુકસાન તો નહીં જ કરે.’

બ્રૅન્ડ્સ સાથે ટાઇઅપ

ક્રુવિલના આઇડિયા અને પ્રોડક્ટ્સ નેસ્લે અને ડૉમિનોઝ જેવી કંપનીઓને ખૂબ ગમ્યા છે. નેસ્લેએ કપમાં આવતી પ્લાસ્ટિકની સ્પૂનને ઈટેબલ ફૉર્ક સાથે રિપ્લેસ કરી હતી. નેસ્લેની અન્ય પ્રોડક્ટ્સ સાથે પણ ઈટેબલ કટલરીનું પ્લાનિંગ હતું. જોકે મૅગીના ભાવ સાથે ઈટેબલ ફૉર્ક મૅચ ન થતાં કંપનીએ હાલમાં ઑર્ડર હોલ્ડ પર રાખ્યા છે. ત્રિશૂલા ડૉમિનોઝ માટે પીત્ઝા-સેવર પણ બનાવે છે. ઘણી બ્રૅન્ડ્સ સાથે ટાઇઅપ કર્યું છે. હાલમાં જપાનની પેપ્સિકો સાથે વાતચીત ચાલુ છે. ઇટલી અને જર્મનીમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જર્મનીની સરકાર જેલના કેદીઓ ફાઇટ દરમ્યાન એકબીજાને ઈજા ન પહોંચાડી શકે એની તકેદારીરૂપે અને પાગલખાના માટે ઈટેબલ સ્પૂન વાપરવાનો આગ્રહ રાખે છે. Eat mee લોગો સાથે માલ એક્સપોર્ટ થાય છે. ક્રુવિલે અમેરિકન માર્કેટમાં બિઝનેસ વધારવા અપ્લાય કર્યું છે. ટૂંક સમયમાં તે બિઝનેસ-ડીલ માટે સ્પેન જવાનો છે. ઑસ્ટ્રેલિયા અને જર્મનીની સરકારે ક્રુવિલને તેમના દેશમાં પ્લાન્ટ નાખવાની ઑફર આપી છે. ઇટલીએ લોગો બદલવા ઊંચી કિંમત આપવાની તૈયારી બતાવી હતી. ક્રુવિલે આ ઑફરો ઠુકરાવી દીધી છે. તેને વૈશ્વિક ફલક પર ‘મેડ ઇન ઇન્ડિયા’નો ટૅગ જ રાખવો છે. તેની ફૅક્ટરીમાં આજે ૯૦ લોકો કામ કરે છે જેમાંથી ૮૦ ટકા મહિલાઓ છે.


સિમ્પ્લી ક્લાસિક ડૉમિનોઝ પીત્ઝા-સેવર.

ક્યાં મળશે?

www.trishulaindia.com (વેબસાઇટ)

Hello@trishulaindia.com(ઈ-મેઇલ આઇડી)

@Trishulaindia (ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ)


સૅલડ સાથે ચિલી ગાર્લિક સ્પૉર્ક.

ભારતમાં ત્રિશૂલા મુખ્ય ખેલાડી છે. દરરોજ અઢી લાખ કટલરીનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ૯૦ ટકા પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થાય છે. ક્રુવિલ કહે છે, ‘વ્યાવસાયિક અનુભવોમાંથી ઘણું શીખવા મળ્યું છે. ત્રિશૂલાની સ્થાપના ભારતની કુદરતી સંપદાની માવજત અને ભારતીયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરી હતી, પરંતુ આજે પોતાના દેશમાં જ ધંધો મેળવતાં નાકે દમ આવે છે. લોકોને જાગૃત કરવા અઘરું છે. રીટેલ માર્કેટમાં ઈટેબલ પ્રોડક્ટ્સ લોકોને આકર્ષતી નથી. અઢી રૂપિયાથી ૬ રૂપિયાની ચમચી મોંઘી લાગે છે. ખાદ્ય સામગ્રીના ભાવ, હાઇજીન, પ્રોડક્શન, સ્ટાફના પગારો વગેરે જોતાં આનાથી સસ્તું આપવું શક્ય નથી. પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ લોકો વુડન સ્પૂન તરફ વળ્યા છે. અમે તેમને સમજાવીએ છીએ કે લાકડામાંથી બનતી ચમચીઓ ઇકો-ફ્રેન્ડ્લી ન કહી શકાય. એનાં ઉત્પાદનો માટે વૃક્ષો કાપવાં પડે છે. બીજું, લાકડાને કોટિંગ કરી લિસ્સું બનાવવું પડે. અન્યથા ખાતી વખતે લાકડાની ફાંસ જીભમાં વાગી જાય. કોટિંગ માટે કેમિકલનો ઉપયોગ થાય છે એટલે વુડન સ્પૂન હેલ્થ માટે જોખમી છે. તમામ પ્રયાસો છતાં ભારતીય બજારમાં જોઈએ એવો પ્રતિસાદ નથી મળતો. જોકે હાર નથી માની. નજીકના ભવિષ્યમાં દર અઠવાડિયે એક સ્કૂલના વિદ્યાર્થીઓને ફૅક્ટરી-વિઝિટ કરાવીને પ્રોસેસ બતાવવાનો પ્લાન છે. નેક્સ્ટ જનરેશનને ધુમાડા વગરની પણ ફૅક્ટરી હોય એ સમજાવવું છે. સરકાર દ્વારા આ પહેલને આગળ લઈ જવામાં આવે અને સબસિડી મળે એવા પ્રયાસો પણ ચાલે છે. એમાં સફળતા મળશે તો પ્રોડક્ટ્સની કિંમત ઘટાડી શકાશે. પર્યાવરણ પ્રત્યે જાગૃત લોકો પ્રશંસા કરે છે. આજે નહીં તો કાલે લોકો ઈટેબલ કટલરી અપનાવશે એવો મને વિશ્વાસ છે.’


મૅગી સાથે સિમ્પ્લી ક્લાસિક સ્પૉર્ક.

ક્રુવિલનું મોટા ભાગનું કામકાજ વિદેશી કંપનીઓ સાથે હોવાને કારણે પર્સનલ લાઇફ ઘણી ડિસ્ટર્બ થાય છે. ટાઇમ-ઝોન જુદો હોવાથી રાતના બે વાગ્યા સુધી મીટિંગ ચાલે અને આખો દિવસ ફૅક્ટરીમાં જાય. ક્રુવિલના પપ્પા રાજેન્દ્રભાઈ પણ હવે દીકરાના બિઝનેસમાં જોડાઈ ગયા છે. મમ્મી મીનાક્ષીબહેન મહિલાઓને પ્રોત્સાહિત કરે છે. ફૅમિલીને સમજાવતાં વાર લાગી, પણ આજે પેરન્ટ્સ અને ભાઈ સાગર ત્રિશૂલાને આગળ વધારવામાં લાગી ગયા છે. ક્રુવિલના પેરન્ટ્સને પ્લાન્ટેશનનો શોખ છે. ૩ લાખ ચોરસફુટમાં ફેલાયેલી ફૅક્ટરીમાં તેમણે સાગ, રુદ્રાક્ષ, આંબાનાં ૧૦૦૦ વૃક્ષ વાવ્યાં છે. વૃક્ષોમાંથી મળતાં ફળ અને અન્ય ઉત્પાદનો જેને જોઈએ એ લઈ જાય છે. ફૅક્ટરીના પરિસરમાં કુળદેવી બહુચર માતાનું મંદિર પણ બનાવ્યું છે. ક્રુવિલને ખાણી-પીણી અને હરવા-ફરવા ઉપરાંત બાઇકિંગનું પૅશન છે. તે વાંસળી પણ સરસ વગાડે છે. ફુરસદના સમયે સ્કેટિંગ અને આર્ચરીનો શોખ પૂરો કરી લે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 02:06 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK