નામ છે ઠક્કર્સ ચાઇનીઝ, પણ મલાડ-ઈસ્ટના આ ફૂડ સ્પૉટમાં મળે છે બધું; એ પણ સવારે ૪ વાગ્યા સુધી
ઠક્કર્સ ચાઇનીઝ, પોદાર રોડ, ગોલ ગાર્ડનની સામે, મલાડ (ઈસ્ટ)
૨૪ કલાક ધબકતા રહેતા મુંબઈમાં જ્યારે લેટ નાઇટ ખાણીપીણી કરવા માટે જગ્યા શોધવાનો વારો આવે ત્યારે ગૂગલનો સહારો લેવો પડે છે કેમ કે મુંબઈમાં ખૂબ જ ઓછી જગ્યાઓ છે જે લેટ નાઇટ એટલે કે રાત્રે બે વાગ્યા પછી પણ ખુલ્લી રહેતી હોય છે. આ જગ્યામાં વધુ એક નામ ઉમેરાયું છે ઠક્કર્સ ચાઇનીઝ. મલાડ-ઈસ્ટમાં આવેલી આ જગ્યા સાંજે સાત વાગ્યા પછી ખૂલે છે અને સવારે ચાર વાગ્યા સુધી ખુલ્લી રહે છે. માત્ર વેજ અને જૈન ફૂડ પીરસતી આ જગ્યાએ અનેક જાણીતી અને નવી ડિશ પણ મળે છે; જેમ કે ગોલ્ડન પાંઉભાજી, જે પાસ્તા અને પાંઉભાજીનું યુનિક કૉમ્બિનેશન છે એટલું જ નહીં, બીજી પણ અનેક ડિશ અહીં મળે છે.
મલાડ-ઈસ્ટમાં ગોલ ગાર્ડનની સામે ઠક્કર્સ ચાઇનીઝ નામની એક નાનીસરખી રેસ્ટોરાં-કમ- સ્ટૉલ દેખાશે જ્યાં પાસ્તાથી લઈને પાંઉભાજી સુધીની લગભગ દરેક વરાઇટી મળે છે અને એ પણ લેટ નાઇટ સુધી. મોટા ભાગે ફૂડ-સ્પૉટ રાત્રે એક વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે ત્યારે આ જગ્યા સવારે ચાર વાગ્યા સુધી ખુલ્લી રહે છે એ પાછળનું કારણ જણાવતાં ઠક્કર્સ ચાઇનીઝના પ્રશાંત ઠક્કર કહે છે, ‘અમે જોયું કે મોડી રાતના જો કોઈ લોકોને ખાવાની ઇચ્છા થાય કે પછી મોડે સુધી બહાર રહેતા લોકોને કંઈ ખાવું હોય તો તેમને કોઈ જગ્યા મળતી નથી એટલે અમને વિચાર આવ્યો કે આપણે મોડી રાત સુધી લોકોને ખાવાનું પીરસવું જોઈએ. અને તમે માનશો? લોકો આવે પણ છે. જોકે અત્યારે વરસાદ અને ઉપવાસોને લીધે મોડી રાત્રે ગિરદી ઓછી રહે છે, પરંતુ મોડી રાત્રે લોકો આવે જ છે. વીક-એન્ડમાં સારોએવો ધસારો રહેતો હોય છે. કસ્ટરમર ગમે તે સમયે આવે તો પણ તેને જે જોઈએ એ ગરમાગરમ બનાવી આપીએ છીએ. અમે પહેલાં ચાઇનીઝ વાનગીઓ બનાવીને વેચતા હતા પણ હવે બધું જ બનાવીએ છીએ. અત્યારે અમે ગોલ્ડન પાંઉભાજી લૉન્ચ કરી છે જે પાંઉભાજી અને પાસ્તાનું યુનિક કૉમ્બિનેશન છે. આ સિવાય પણ અનેક વરાઇટી તમને અહીં મળી જશે.’
ADVERTISEMENT
ગોલ્ડન પાંઉભાજી ઉપરાંત અહીંની પનીર ભુરજી અને ચૂરચૂર નાન, છોલે વિથ ચીઝ કુલ્ચા પણ ખૂબ જ ફેમસ છે. બ્લૅક પાંઉભાજી અને સોયા ચાપ જેવી ટ્રેન્ડિંગ ફૂડ આઇટમ પણ અહીં મળે છે. અહીં વેજ અને જૈન એમ બન્ને ઑપ્શન મળી રહેશે.
ક્યાં મળશે? : ઠક્કર્સ ચાઇનીઝ, પોદાર રોડ, ગોલ ગાર્ડનની સામે, મલાડ (ઈસ્ટ)
સમય : સાંજે ૭થી સવારે ૪ વાગ્યા સુધી.


