તમે આભા થઈ જાઓ એવી સીંગ-ચણાની વરાઇટીઓ જોવી હોય તો તમારે નવસારી જવું પડે

સંજય ગોરડિયા
અમારા નવા નાટકના શો અને ટૂર સતત ચાલુ છે. હમણાં બન્યું એવું કે એકધારી નાનકડી ટૂર ગુજરાતની ગોઠવાણી. એમાં સૌથી પહેલો શો નવસારીમાં, બીજા દિવસે સુરતમાં અને એ પછી એકધારા આઠ શો અમદાવાદમાં એ પ્રકારની ટૂર આવી એટલે હું તો પહેલાં પહોંચ્યો નવસારી. નવસારીમાં હર્ષિલ દેસાઈ રહે છે, જે કલર્સ ગુજરાતીની સિરિયલ ‘મારું મન મોહી ગયું’માં લીડ હીરો છે. હર્ષિલને મારા પ્રત્યે બહુ લાગણી, તે મને સ્ટેશન લેવા આવ્યો. રસ્તામાં મારું ધ્યાન એક વાત પર ગયું, જેના પર અગાઉ પણ મારું ધ્યાન હતું. દાણાચણાની દુકાન. નવસારીમાં તમને ઠેર-ઠેર દાણાચણાની દુકાન જોવા મળે, જે મેં અગાઉ પણ નોટિસ કર્યું હતું. આ વખતે એ વાત ફરી ધ્યાન પર આવી એટલે મેં હર્ષિલને પૂછ્યું તો હર્ષિલે મને કહ્યું કે એ જગ્યાએ સીંગ અને ચણાની અલગ-અલગ વરાઇટીઓ મળે. હર્ષિલે જ મને કહ્યું કે અમારે ત્યાં દાણા-ચણા ખૂબ ખવાય છે.
વાત મને ઇન્ટરેસ્ટિંગ લાગી. આપણે ત્યાં મુંબઈમાં તો ભરુચની પેલી ફોતરાંવાળી ખારી સીંગ પણ સરળતાથી ન મળે. ગુપ્તા ચણાભંડાર નામની ઘણી શાખાઓ મુંબઈમાં છે પણ એમ છતાં ગુજરાતમાં જેવાં સીંગ-ચણા મળે છે એવાં ત્યાં નથી મળતાં અને અહીં નવસારીમાં તો લાઇનસર અને આખેઆખી દુકાન માત્ર સીંગ-ચણાની. મને આ સીંગ-ચણા બહુ ભાવે. પેલી ફોતરાંવાળી ખારી સીંગ તો મારી ફેવરિટ અને હળદરવાળા ચણા પણ મને બહુ ભાવે, એ તો હું નિયમિત ખાઉં. હળદરવાળા ચણાથી તમારો અવાજ સારો થાય છે એ સહેજ તમારી જાણ ખાતર.
ફરી આવીએ નવસારીમાં.
મેં હર્ષિલને કહ્યું કે એક કામ કર, મને તમારી નવસારીની કોઈ સારામાં સારી દાણા-ચણાવાળી દુકાનમાં લઈ જા. નવસારી પછી મારે સતત અઠવાડિયું ઘરથી દૂર રહેવાનું હતું તો મને થયું કે હોટેલના રૂમમાં આવી વરાઇટી પડી હશે તો ઇમર્જન્સીમાં ખાવા કામ લાગશે. હર્ષિલ મને લઈ ગયો, શ્રી જય જલારામ દાણા-ચણાની દુકાને.
ત્રણસો-ચારસો સ્ક્વેરફીટનો શોરૂમ જ સમજી લો એવી સરસ દુકાન હતી અને આખી દુકાનમાં માત્ર ત્રણ જ વસ્તુ મળે; દાણા, ચણા અને કાજુ. કાજુથી કૉલેસ્ટરોલ વધે એટલે હું એ બહુ ખાતો નથી એટલે મેં તો નજર માંડી દાણા-ચણા પર. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં, દાણા એટલે સીંગ અને ચણા એટલે ચણા.
દુકાનમાં હારબંધ બરણીઓ પડી હતી અને એ બધા પર દાણા-ચણાની ફ્લેવરનાં નામ લખ્યાં હતાં. જાતજાતની અને ભાતભાતની વરાઇટીઓ. ચણાની વાત કહું તો લસણ, ટમટમ, ચટપટા ચણા, ચપટા ચણા એટલે કે આપણે ત્યાં જેને ચણા જોરગરમ કહે છે એ ચણા, હળદરવાળા ચણા, લીંબુ-ફુદીનો, લીંબુ-મરી ચણા, સેઝવાન, હિંગ ચણા. આ વરાઇટી અને આ સિવાયની પણ અનેક વરાઇટી તો આ બધાની સાથે પેલા સાદા ચણા તો ખરા જ. હું તો જોતો જાઉં અને બધાનો સો-સો ગ્રામનો ઑર્ડર આપતો જાઉં.
એ પછી વારો આવ્યો દાણાનો એટલે કે સીંગનો, એમાં પણ અઢળક વરાઇટી પણ એ બધામાં મારી ફેવરિટ એક વરાઇટી મળી ગઈ, નારિયેળપાણી દાણા. આ જે સીંગ છે એ તમે ખાઓ એટલે રીતસર એમાં નારિયેળપાણીની ફ્લેવર આવે. અગાઉ એ મને વડોદરામાં મળી હતી, જે હું જ્યારે પણ વડોદરા જાઉં ત્યારે લઈ આવું, પણ વડોદરા પછી મને એ પહેલી વાર અહીં નવસારીમાં મળી. આ ઉપરાંત લીંબુ-મરી સીંગ, મસાલા સીંગ, ચીઝ સીંગ, તીખી સીંગ તો સીંગનાં ભજિયાં પણ હતાં અને એમાં પણ બે વરાઇટી. એક લાલ મસાલાવાળા અને બીજા લીંબુ-મરી સીંગનાં ભજિયાં તો આપણો પેલો જે પેરી પેરી સૉસ આવે છે એમાંથી બનેલી પેરી પેરી સીંગ પણ અને બધાએ જે જોઈ હોય, બધાને જે ભાવતી હોય એ રેગ્યુલર ફોતરાંવાળી ખારી સીંગ પણ.
ઓહોહો કેટલી આઇટમ!
સૌથી સારી વાત જો કોઈ હોય તો આ બધી વરાઇટીઓ જય જલારામવાળા પોતાની વર્કશૉપમાં જ બનાવે છે અને એમાં કોઈ જાતના આર્ટિફિશ્યલ કલર નાખતા નથી. સાહેબ, સીંગ-ચણા જેવી સામાન્ય વરાઇટીઓમાં પણ આટલું ઇન્વેન્શન જોઈને મને થઈ ગયું કે આપણો દેશ ખરેખર વિકાસ કરતો જાય છે.
વિકાસની આ રેસમાં સહભાગી બનો અને જ્યારે પણ નવસારી જાઓ ત્યારે શ્રી જય જલારામમાં જઈને આ અવનવા દાણા-ચણાનો સ્વાદ અચૂક માણો.