સાત દશક પહેલાં જોષીભાઈએ ઇન્દોર આવીને પૌંઆનો નાસ્તો શરૂ કર્યો અને જોતજોતામાં આખા ઇન્દોરનો આ બ્રેકફાસ્ટ બની ગયો

ચાલો જઈએ ઇન્દોરને પૌંઆના રવાડે ચડાવનારા પ્રશાંત નાસ્તા કૉર્નરમાં
અગાઉ કહ્યું હતું એમ મારી નવી ફિલ્મનું શૂટ મધ્ય પ્રદેશના ઇન્દોર પાસે આવેલા એક રિસૉર્ટમાં હતું જે ઇન્દોરથી ૯પ કિલોમીટર દૂર છે. મુંબઈથી મારે ઇન્દોરની ફ્લાઇટ સવારે ૬ઃ૨૦ની લેવાની હતી પણ આગલા જ દિવસે ઇન્ડિગોનો મેસેજ આવી ગયો કે આ ફ્લાઇટ કૅન્સલ થઈ છે એટલે મેં તો તરત જ બીજી ટિકિટની અરેન્જમેન્ટ કરવા પ્રોડક્શન હાઉસને કહ્યું. ફ્લાઇટનો ટાઇમ લગભગ એ જ હતો તો પણ એ ફ્લાઇટ વાયા અમદાવાદ હતી. અમદાવાદમાં બે ફ્લાઇટ વચ્ચે એક કલાકનો માર્જિન, જેમાં મારે અરાઇવલમાંથી ડિપાર્ચરમાં જવાનું અને નવેસરથી સિક્યૉરિટીચેક પણ કરાવવાની. આ બધી દોડધામ વચ્ચે સહેજે થાક લાગે અને થાક લાગે એટલે ભૂખ પણ વધારે લાગે અને એમાં પાછું મારે તો દવા લેવાની અને દવા લેતાં પહેલાં નાસ્તો પણ કરી લેવાનો.
તમને ખબર જ છે કે હવે ફ્લાઇટમાં નાસ્તો આપતા નથી અને ધારો કે તમે ખરીદો તો પણ પેલી ઠંડી સૅન્ડવિચ સિવાય કશું હોય નહીં એટલે મેં તો નક્કી કર્યું કે ઇન્દોર પહોંચીને જ નાસ્તો કરવો. ઇન્દોરમાં ક્યાં નાસ્તો કરવો એ પણ મેં તો શોધી લીધું હતું.
સવારે દસ વાગ્યે ઇન્દોર પહોંચ્યો ત્યાં અમને ઇનોવા લેવા માટે આવી ગઈ. ઇનોવામાં મારા બે સાથી કલાકારો જિજ્ઞેશ મોદી અને ફિલ્મમાં મારી વાઇફનો રોલ કરતાં રુબીબહેન હતાં. એ લોકો અમદાવાદથી ટ્રેનમાં આવ્યાં હતાં, જેને અમારા ડ્રાઇવર લાખાભાઈ ઇન્દોર રેલવે સ્ટેશનથી લઈને ઍરપોર્ટ પહોંચ્યા હતા.
ગાડીમાં બેસતાં જ મેં કહ્યું કે આપણને લોકેશન પર પહોંચતાં બે કલાક થશે તો આપણે પહેલાં સિટીમાં જ નાસ્તો કરી લઈએ. મેં જે જગ્યા શોધી રાખી હતી એ જગ્યાનું નામ પ્રશાંત નાસ્તા કૉર્નર. ઇન્દોરમાં કોઈને પણ સુયશ હૉસ્પિટલ પૂછશો તો એ દેખાડી દેશે. આ સુયશ હૉસ્પિટલની બાજુમાં જ પ્રશાંત છે. જો એવું ન કરવું હોય તો ગૂગલબાબાની આંગળીએ આગળ વધશો તો પણ સરળતાથી તમે આ જગ્યાએ પહોંચી જશો. તમને મનમાં થાય કે આ પ્રશાંત જ નાસ્તા માટે શું કામ તો તમારી એ જિજ્ઞાસાને પણ સાંત્વના આપી દઉં.
ઇન્દોરમાં સવારે નાસ્તામાં પૌંઆનું બહુ જ ચલણ છે. આખું ઇન્દોર સવારમાં આ એક જ નાસ્તો કરે. પૌંઆ અને એની ઉપર તીખી સેવ. આ જે પૌંઆ હોય એ આપણા ગુજરાતી ટાઇપના પૌંઆ નથી હોતા. આ પૌંઆમાં માત્ર પૌંઆ, કાંદા અને એમાં લીલાં મરચાંના ઝીણા ટુકડા. તૈયાર થયેલા આ પૌંઆ પર તીખી સેવ હોય. ઇન્દોરને આ જે પૌંઆ ખાવાની આદત પડી છે એ આ પ્રશાંત નાસ્તા કૉર્નરના કારણે. ૭૩ વર્ષ પહેલાં પ્રશાંત નાસ્તા કૉર્નર જોષીભાઈએ શરૂ કર્યું. એ પહેલાં ઇન્દોરમાં પૌંઆના બ્રેકફાસ્ટની કોઈ સિસ્ટમ જ નહોતી, પણ જોષીભાઈના પૌંઆ લોકોને એવા તે દાઢે વળગ્યા કે આખું શહેર આ પૌંઆની લતમાં આવી ગયું. આ રીતે જોવા જઈએ તો આ પ્રશાંત નાસ્તા કૉર્નર ઐતિહાસિક જગ્યા જ કહેવાય.
આ પણ વાંચો : ભગત તારાચંદનું ચાટ કાઉન્ટર?
પ્રશાંત નાસ્તા કૉર્નરમાં પહેલાં કૂપન લેવાની. આ સદ્કાર્ય મેં મારા હાથમાં રાખ્યું જેથી હું બીજી વરાઇટી પણ જોઈ શકું અને મને એનો ફાયદો પણ થયો. મેં જોયું કે રેગ્યુલર પૌંઆની સાથે ઉસળ-પૌંઆ પણ મળતાં હતાં તો કચોરી અને સમોસા પણ હતાં. મેં તો બધાની કૂપન લીધી. અમારો નાસ્તો આવ્યો ત્યાં સુધીમાં લાખાભાઈ બધા માટે ચા લઈને આવી ગયા. મિત્રો, એક વાત કહું. પૌંઆ સાથે ચાની જે મજા છે એ અવ્વલ દરજ્જાની છે.
પ્રશાંતના પૌંઆની વાત કરું તો જે રેગ્યુલર પૌંઆ છે એ સારા છે. હું એવું નહીં કહું કે આ ઇન્દોરના બેસ્ટ પૌંઆ છે. ના, એવું નથી, પણ પાયોનિયર છે એટલે આ પૌંઆ ટેસ્ટ તો કરવા જ રહ્યા. આ પૌંઆમાં સહેજ નિમક અને સાકર હતાં તો લીલાં મરચાંના ટુકડાને કારણે એમાં સ્વાદનો ત્રિવેણી સંગમ હતો. ખારાશ, ગળાશ અને તીખાશ આ ત્રણેત્રણ ટેસ્ટ પૌંઆમાંથી આવતો હતો તો પૌવા પર નાખેલી તીખી સેવ અને કાંદાના કારણે એ ટેસ્ટમાં ઉમેરો પણ થતો હતો.
હવે ઉસળ-પૌંઆની વાત કરું. અહીં રોજ ઉસળ બદલાતું રહે છે. ક્યારેક મઠનું ઉસળ હોય તો ક્યારેક સફેદ વટાણાનું ઉસળ હોય. પૌંઆ પર ઉસળ નાખીને આપે. આ ઉસળની જે તરી હોય છે એ તીખી હોય છે. ઉસળની તીખાશના કારણે પૌંઆનો આખો સ્વાદ બદલાઈ જતો હતો. ઇન્દોરમાં પૌંઆ રાખવાની જે રીત છે એ પણ જાણવા જેવી છે. બની ગયેલા પૌંઆને ચાળણી જેવા એક મોટા બાઉલમાં રાખે અને એની નીચે ગરમ પાણી ભરેલું મોટું તપેલું હોય. તપેલામાં ભરેલા પાણીની ગરમ બાફથી ઉપર રહેલા પૌંઆ ગરમ જ રહે અને એની સૉફ્ટનેસ પણ અકબંધ રહે.
પ્રશાંતમાં નાસ્તો કરીને અમે અમારા લોકેશન પર રવાના થયા પણ એ રવાનગી દરમ્યાન મારા મનમાં એક જ વાત ચાલતી હતી. પ્રશાંતે તો સરળ પૌંઆ જ બધાને ચખાડ્યા હશે પણ સ્વાદપ્રેમી ઇન્દોરની જનતાએ એમાં નવાં-નવાં ઇન્વેન્શન કરીને એમાં અલગ-અલગ સ્વાદ ડેવલપ કર્યો હશે.