Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મારે મન સેઝવાન ચટણી ટેસ્ટી ફૂડના શોખીનો માટેની શ્રેષ્ઠ શોધ છે!

મારે મન સેઝવાન ચટણી ટેસ્ટી ફૂડના શોખીનો માટેની શ્રેષ્ઠ શોધ છે!

Published : 05 September, 2023 07:14 PM | Modified : 05 September, 2023 09:11 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જે ખાવાના શોખીન હોય એમની લાઇફમાં રોજ ફૂડને લઈને કંઈક નવું બનતું જ રહેતું હોય છે. સ્વાદના શોખીનો ટેસ્ટી ફૂડ મેળવવા માટે કોઈ પણ ગતકડાં કરી શકે અને કોઈ પણ હદ સુધી જઈ શકે. વાત જો ગતકડાં એટલે કે અખતરાની કરું તો ફ્યુઝનના આજના જમાનામાં એ વધુ ફૅન્સી પણ લાગે.

ફાઇલ તસવીર

કુક વિથ મી

ફાઇલ તસવીર


બહુ મગજમારી હોય એવા ભોજનને દૂરથી જ નમસ્કાર કરતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘બુલબુલ’, ‘પારિજાત’, ‘તેરે લિએ’, ‘ઓળખઃ માય આઇડેન્ટિટી’ અને ‘સાર કાહી તિચ્યા સાઠી’ જેવી હિન્દી અને મરાઠી ટીવી-સિરિયલ અને ફિલ્મોની જાણીતી ઍક્ટ્રેસ ખુશ્બૂ તાવડે એક ચટણીથી ભલભલા હેલ્ધી ભોજનમાં પણ સ્વાદનો તમતમતો વઘાર કરી નાખે છે

જુઓ, જે ખાવાના શોખીન હોય એમની લાઇફમાં રોજ ફૂડને લઈને કંઈક નવું બનતું જ રહેતું હોય છે. સ્વાદના શોખીનો ટેસ્ટી ફૂડ મેળવવા માટે કોઈ પણ ગતકડાં કરી શકે અને કોઈ પણ હદ સુધી જઈ શકે. વાત જો ગતકડાં એટલે કે અખતરાની કરું તો ફ્યુઝનના આજના જમાનામાં એ વધુ ફૅન્સી પણ લાગે.



હું ખાવાની જબરી શોખીન છું. બેઝિકલી એ શોખ મને વારસામાં મળ્યો છે. નાનપણથી જ મમ્મીએ ટેસ્ટી ફૂડની એવી ટેવ પાડી કે હવે દરેક ફૂડમાં ચટાકો કેવી રીતે ઉમેરવો એ કોઈએ મને શીખવવું નથી પડતું. તમે માનશો નહીં, પણ કેટલાક ફૂડનો સ્વાદ એના ફ્યુઝનને કારણે વધી જતો હોય છે. ન ભાવે એવું કંઈ દુનિયામાં બાકી રહેતું નથી જો તમારી પાસે પ્લેટમાં સેઝવાન ચટણી હોય. જો તમે એનો ઉપયોગ કરતા થઈ ગયા તો તમારા દરેક મીલને એ ચટણી અને અખતરા ટેસ્ટી બનાવી દે એની ગૅરન્ટી મારી.


મારી મમ્મી બેસ્ટ કુક | હમણાં જ કહ્યું એમ, નાનપણથી જ મમ્મીએ એટલું ટેસ્ટી ફૂડ ખવડાવ્યું છે કે હવે એની આદત પડી ગઈ છે. લકીલી, અત્યારે તબિયત થોડીક ડાઉન હોવાથી મમ્મીને ત્યાં છું અને મમ્મીના જ સોગન, તેના હાથનાં સાદાં કહેવાય એવાં દાળભાતમાં પણ સ્વાદનો એવો જલસો હોય છે કે માંદું માણસ પણ ફરીથી એકદમ હેલ્ધી થઈ જાય.

મારે એક વાત ખાસ કહેવાની. અમારા ઘરમાં કુકરનો ઉપયોગ નથી થતો. ભોજન ધીમી આંચ પર જ રાંધવાનું અને મસાલાઓ સપ્રમાણ હોય છતાં એને શેકી કે ભુંજીને જ નાખવાના. હું નાની હતી ત્યારથી આ નિયમ જોતી આવી છું. મને લાગે છે કે અમારા ઘરના ટેસ્ટી ફૂડ પાછળ આ પણ એક કારણ હોઈ શકે છે.


મારો સૌથી પહેલો અખતરો | હું અને મારી બહેન ઘરે એકલાં હતાં ત્યારે મેં પહેલી વાર કિચનમાં કંઈક રાંધવા માટે પગ મૂક્યો હતો. અમારા પેરન્ટ્સ વર્કિંગ એટલે બન્ને કામસર બહાર ગયાં હતાં. મેં મમ્મીને ફોન કર્યો અને ફોન પર મમ્મી પાસેથી રેસિપી સાંભળી-સાંભળીને પહેલી વાર મેં ખીચડી બનાવી, જે બહુ જ સરસ બની હતી.

સવાર, બપોર અને સાંજ એ ત્રણેય ટાઇમનું સ્પેસિફિક ફૂડ બનાવવામાં હું એક્સપર્ટ છું અને કુકિંગની ઘણી ટિપ્સ મને ખબર પણ છે. જેમ કે કાંદા કાપો ત્યારે આંખમાંથી પાણી ન આવે એવું ઇચ્છતા હો તો કાંદાને સમારતાં પહેલાં બે-ત્રણ કલાક પાણીમાં એને પલાળી રાખો. પલાળતાં પહેલાં એ કાંદાને ચાર ફાડમાં કાપી નાખવાના. તમને ગૅરન્ટી સાથે કહીશ કે કાંદા ગમે એટલા તીખા હોય તો પણ એ તમારી આંખમાંથી આંસુ નહીં પડાવે.

મને બેકિંગ આઇટમો બનાવવી જરાય ન ગમે. એમાં ટેમ્પરેચર આટલું રાખો અને આટલા પ્રમાણમાં ફલાણી વરાઇટી નાખો, આ જે બધી વાતો છે એ મને ગળે નથી ઊતરતી. જનરલી જેમાં વધારે પડતાં સ્પેસિફિકેશન આવતાં હોય એનાથી હું દૂર રહેવાનું પસંદ કરતી વ્યક્તિ છું. ઇટાલિયન ડિશિસ મારી ફેવરિટ છે તો ઇટાલિયન ક્વિઝીનની આઇટમો હું કુક પણ સરસ કરું છું. બીજી એક ખાસ ટિપ તમારી સાથે શૅર કરું છું, જે યાદ રાખજો.

હું ડાયટને લગતી એક બુકને ફૉલો કરું છું જેમાં એક બહુ જ સરસ વાક્ય લખ્યું છે.

જ્યાં સુધી તમારું ખાવાનું મોઢામાંથી પેટમાં ન જાય ત્યાં સુધી બીજો કોળિયો લેવો નહીં અને જ્યાં સુધી તમે ખાધેલો આહાર તમે પી શકો એટલો મોઢામાં જ ચર્ન ન થઈ ગયો હોય ત્યાં સુધી ચાવો. એટલે કે બને એટલું ધીમે-ધીમે ચાવી-ચાવીને ખાઓ.

આજની ફાસ્ટ લાઇફમાં આપણે સાચી રીતે ખાવાનું પણ ભૂલી ગયા છીએ. જે માટે આપણે આટલી દોડધામ કરીને કમાઈએ છીએ, એના માટે જ ‍આપણી પાસે સમય નથી. કેવી કમનસીબી કહેવાય!

ગુજરાતીઓની ખાંડવી

ત્રણ વર્ષ હું અમદાવાદમાં રહી છું હોટેલ મૅનેજમેન્ટનો કોર્સ કરવા. આ દરમ્યાન દરેક ગુજરાતી આઇટમનું મેકિંગ મેં બહુ જ નજીકથી જોયું છે. ગુજરાતી આઇટમમાં જો કોઈ વરાઇટી મારી સૌથી ફેવરિટ હોય તો એ છે ખાંડવી અને ઢોકળાં. કોઈ પણ જાતના ઍડિશન વગર એના મૂળ ફૉર્મમાં આ આઇટમ એટલી સરસ લાગે કે વાત ન પૂછો. આ બન્ને આઇટમની ખાસિયત એ કે એ ખાવામાં પણ બહુ હેલ્ધી છે અને ઝડપથી બનનારી વરાઇટી પણ છે. હું તો કહીશ કે જેણે પણ આ ઢોકળાં અને ખાંડવીની શોધ કરી હશે એ ખૂબ જ મહાન માણસ હોવો જોઈએ. 

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2023 09:11 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK