અંધેરીના ઇન્ડસ્ટ્રિયલ એરિયા મરોલમાં ડિસેમ્બરમાં જ આ ફૂડ ટ્રક શરૂ થઈ છે જેની રૂટીન વાનગીઓ પણ સ્વાદને કારણે ખાસ્સી પૉપ્યુલર થઈ છે
ન્યુ કિંગ્સ પાંઉભાજી
પાંઉભાજીનો ઇતિહાસ ૧૫૦ વર્ષ કરતાં પણ જૂનો છે. જોકે આ સમય દરમ્યાન આ ડિશમાં ઘણા ફેરફારો થઈ ચૂક્યા છે. જાતજાતની દેશી-વિદેશી વાનગીઓએ પોતાનો વ્યાપ સારોએવો વધારી દીધો છે. એમ છતાં આજની તારીખમાં પણ પાંઉભાજીનું સ્થાન કોઈ હલાવી શક્યું નથી અને આગળ પણ કોઈ એનું સ્થાન લઈ શકશે નહીં. કદાચ આ જ વિશ્વાસના આધારે સ્થાનિક રહેવાસી નીલેશ ગુપ્તાએ દસેક મહિના પહેલાં મરોલમાં પાંઉભાજીની ફૂડ ટ્રક શરૂ કરી છે જ્યાં પાંઉભાજીની વિવિધ વરાઇટી ઉપરાંત એને સંબંધિત અનેક વાનગીઓ પીરસવામાં આવે છે.
ન્યુ કિંગ્સ ફૂડ ટ્રકના ઓનર નીલેશ ગુપ્તા છે જેમનું આ પ્રથમ જ સાહસ છે. તેમને પહેલેથી ફૂડક્ષેત્રે કંઈક કરવામાં રસ હતો. અધૂરામાં પૂરું, તેઓ આ જ એરિયાના છે એટલે અહીંના વિસ્તાર વિશે સારીએવી ઓળખ ધરાવે છે. નીલેશે જોયું કે આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી અને ઑફિસો ઘણી આવેલી છે એટલે અહીં ખાઉગલી પણ છે. જોકે પાંઉભાજીનો કોઈ સ્ટૉલ જોયો નહોતો એટલે તેમણે સાહસ કર્યું અને આજના ટ્રેન્ડ અને ચૉઇસને ધ્યાનમાં રાખીને પાંઉભાજીની ફૂડ ટ્રક જ શરૂ કરી દીધી. એમાં માત્ર ને માત્ર પાંઉભાજી જ વેચાય છે. ખરેખર તો આ સાહસ જ કહેવાય, કેમ કે સ્ટૉલ કરતાં ફૂડ ટ્રક મોંઘી પડે અને એના માટે અનેક મંજૂરી લેવી પડે. એની સાથે ટ્રકને મેઇન્ટેઇન કરવી પણ મુશ્કેલ બને છે. નીલેશ ગુપ્તાનું કહેવું છે કે અહીં ઑફિસો અને ઇન્ડસ્ટ્રી વધારે હોવાથી ફૅમિલી સાથે ઓછી પણ નોકરી પર જતા લોકોની ભીડ વધારે રહેતી હોય છે. રજાના દિવસોમાં ઓછી પબ્લિક આવતી હોવા છતાં લોકોને અહીંની વરાઇટી પસંદ પડી રહી છે. મેઇન સેન્ટરમાં જ આ ટ્રક ઊભી રાખી હોવાથી લોકોનું ધ્યાન પણ તરત જાય છે. બીજું, કોઈ પણ વિસ્તારમાં નવું કંઈક શરૂ કરવા પહેલાં લોકલનું ટેન્શન રહેતું હોય છે કે અહીંના જૂના સ્ટૉલધારકો અને પોલીસની કોઈ હેરાનગતિ તો નહીં થાયને? જોકે તેઓ લોકલ રહેવાસી હોવાથી આવી કોઈ તકલીફમાંથી પસાર થવાનો વારો આવ્યો નહીં.
ADVERTISEMENT
હવે અહીંની પાંઉભાજીની વરાઇટીની વાત કરીએ તો અહીં બેઝિક પાંઉભાજીથી લઈને પનીર ખડા પાંઉભાજી સુધીની બધી વરાઇટી મળે છે. આ ઉપરાંત મસાલા પાંઉ, તવા પુલાવ વગેરે પણ મળે છે. એક પ્લેટમાં સારીએવી ક્વૉન્ટિટી પીરસવામાં આવે છે. ખાસ કરીને પુલાવમાં લગભગ બે જણને થાય એટલી ક્વૉન્ટિટી એક પ્લેટમાં આપવામાં આવે છે. તવા પુલાવની સાથે વેજિટેબલ રાયતું, કાંદા, ટમેટાં આપવામાં આવે છે.
સમય : સવારે ૧૧થી રાત્રે ૧૧ સુધી
ક્યાં મળશે?: ન્યુ કિંગ્સ પાંઉભાજી, વામન ટેક્નો સેન્ટરની સામે, મરોલ, અંધેરી (ઈસ્ટ)