ચણાની દાળ વાટીને બનતાં દાળવડાંને ઘણા લોકો વાટી દાળનાં ભજિયાં પણ કહે. એમાંય અમદાવાદનાં દાળવડાં તો એક નંબર!
સંજય ગોરડિયા
થોડાં વર્ષો પહેલાં મેં ટીવી સિરિયલ પ્રોડક્શન શરૂ કર્યું હતું, જેની વાત સોમવારે આવતી મારી કૉલમ ‘જે જીવ્યું એ લખ્યું’માં અત્યારે ચાલુ જ છે. ટીવી સિરિયલ પ્રોડક્શનમાં બહુ મોટી નુકસાની કરી એટલે પછી મેં એ કામ બંધ કર્યું પણ લૉકડાઉન પછી મેં વેબ સિરીઝ પ્રોડક્શન શરૂ કર્યું અને મારી એ વેબ સિરીઝ ‘ગોટી સોડા’ સુપરહિટ થઈ એટલે એક પછી એક એની સીઝન આગળ વધી અને હવે એ જ વેબ સિરીઝની નવી સીઝન આવવાની છે. આ થઈ પૂર્વભૂમિકા. હવે આવીએ આપણી વાત પર.
વેબ સિરીઝના કામ માટે હમણાં મારે અમદાવાદ જવાનું થયું એ જ દિવસે અમદાવાદમાં મસ્ત મજાનો વરસાદ પડ્યો અને તમને ખબર છે કે ગુજરાતમાં વરસાદ પડે એટલે લોકો બે જગ્યાએ દોટ મૂકે. એક, ભજિયાવાળાને ત્યાં ને બીજું દાળવડાવાળાને ત્યાં. દાળવડાં આમ તો આખાં ગુજરાતમાં મળે પણ અમદાવાદનાં દાળવડાં એક નંબર એટલે મને થયું કે તમને અમદાવાદનાં જ દાળવડાં ટેસ્ટ કરાવું.
ADVERTISEMENT
મુંબઈમાં દાળવડાંનું ચલણ બહુ નહીં પણ ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં તો દાળવડાં ખૂબ ફેમસ અને એમાં પણ વરસાદ આવે એટલે બધું પડતું મૂકીને અમદાવાદીઓ દાળવડાં માટે લાઇનમાં ઊભા રહી જાય. અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે આવેલી ગુજરાત કૉલેજનાં દાળવડાં બહુ વખણાય છે. ઍક્ચ્યુઅલી આ કૉલેજનાં દાળવડાં નથી પણ કૉલેજ પાસે લારીમાં ઊભા રહેતા ગુજરાત દાળવડા સેન્ટરની વાત છે. જૂના, જાણીતા અને પિસ્તાલીસ વર્ષથી લગાતાર દાળવડાં બનાવે છે. પહેલાં તો માત્ર લારી હતી પણ હવે લારીથી પચાસ-સો મીટરના અંતરે દુકાન પણ કરી છે પણ કોવિડના કાળમાં દુકાનમાં બેસવાની મનાઈ છે એટલે મેં નક્કી કર્યું કે દાળવડાં લઈને હોટેલ પર જવું.
ચારસો રૂપિયે કિલો એવાં આ દાળવડાંને ઘણા વાટી દાળનાં ભજિયાં પણ કહે છે. દાળવડાં અધકચરી ચણાની દાળનાં બને. ચણાની દાળને વાટીને એમાં લસણ, આદું, લીલાં મરચાં અને નમક નાખવામાં આવે. બીજા એકપણ મસાલાનો ઉપયોગ થાય નહીં અને આ જ એની મજા છે. તૈયાર થઈ ગયેલા આ મિશ્રણનાં વડાં બનાવી પછી એને સિંગતેલમાં ફ્રાય કરવામાં આવે. દાળવડાં બે વખત ફ્રાય કરવામાં આવે છે. પહેલી વાર તળીને એને કડક કરવામાં આવે તો બીજી વાર તળીને એને સૉફ્ટ કરવામાં આવે છે.
આ દાળવડાં ખાવાની પણ એક રીત છે. દાળવડાંના બે ફાડા કરી એની ઉપર કાંદાની એક ચીર અને એની ઉપર તળેલા મરચાનો નાનો ટુકડો મૂકવાનો અને પછી એને ચટણીમાં બોળીને ખાવાનું. સાહેબ, અદ્ભુત દાળવડાં. સરસ ગોળ અને મોટાં એવાં આ દાળવડાં સો ગ્રામમાં છ નંગ આવે પણ એ છ નંગ ખાધા પછી થાય કે આપણે મૂર્ખ કે સો ગ્રામ જ લઈને આવ્યા. હા, મને મારા પર ખીજ ચડી હતી. તમને તમારા પર ગુસ્સો ન આવે એનું ધ્યાન રાખીને થોડું વધારે મોટું પાર્સલ જ લેજો.
આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

