નડિયાદ-આણંદ હાઇવે પર પીપલગ ચોકડી પાસે મળતાં મહાકાળી ભજિયાંમાં ભજિયાંના ભાવે જ ચટણી પણ વેચાય છે અને લોકો પ્રેમથી પૈસા ચૂકવે પણ છે
બોલો, ભજિયાંનો જેટલો ભાવ એટલો જ ચટણીનો ભાવ
તમને અગાઉ કહ્યું છે એમ અત્યારે મારી એક ફિલ્મનું શૂટિંગ ચાલે છે. ફિલ્મના શૂટિંગનું પહેલું શેડ્યુલ નડિયાદના વસો નામના ગામમાં શરૂ થયું, પણ અમારે રહેવાનું નડિયાદને બદલે આણંદમાં. કારણ મૅરેજ સીઝન. મૅરેજ સીઝનને કારણે અમારા યુનિટને નડિયાદમાં કોઈ હોટેલ મળી નહીં એટલે અમે આણંદથી રોજ પોણો કલાકની ડ્રાઇવ કરી વસો શૂટિંગમાં પહોંચીએ. તમને ખબર છે, આપણો તો કોઈ એવો વિરોધ હોય જ નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે વચ્ચે ખાવાની વાતો થતી જવાની હોય.
થોડી પૂછપરછ કરી તો મને કોઈએ કહ્યું કે પીપલગ ચોકડીએ મહાકાળીનાં ભજિયાં અદ્ભુત છે. મને થયું કે જવું જોઈએ, પણ પ્રશ્ન આવ્યો કે આ પીપલગ ચોકડી આવી ક્યાં. મેં જાણ્યું અને પછી મને જે ખબર પડી એ તમને કહી દઉં.
ADVERTISEMENT
તમે જ્યારે નડિયાદથી આણંદ જતા હો ત્યારે અમદાવાદના જૂના હાઇવેથી જવાનું હોય, એક્સપ્રેસવે લેવાનો આવતો નથી. અમદાવાદના આ જૂના હાઇવે પર જશો તો પીપલગ ચોકડી આવે. એ પીપલગ ચોકડીવાળા ફ્લાયઓવર પર ચડવાનું નહીં, નીચેથી જવાનું. નીચેથી જઈએ એટલે ફ્લાયઓવર પૂરો થતાંની સાથે જ ડાબી બાજુએ આ મહાકાળી ભજિયા હાઉસ આવે છે. આ મહાકાળી ભજિયાંને લોકો ચોટીનાં ભજિયાં તરીકે પણ ઓળખે છે. આવું નામ શું કામ પડ્યું એવું તમને મનમાં થાય તો ખુલાસો કરી દઉં કે આ ભજિયા હાઉસના જે માલિક છે તે ચોટીવાળા છે અને એટલે બધા એને ચોટીનાં ભજિયાં કહે છે.
આ જે ભજિયાંની સ્ટાઇલ છે એ જૂનાગઢનાં ભજિયાં જેવી છે. નાનાં બટાટાવડાં, મેથીના ગોટાથી લઈને અનેક પ્રકારનાં ભજિયાં અને એમાં પાછાં મરચાંનાં ભજિયાં પણ. આ જે મરચાંનાં ભજિયાં છે એમાં અહીં બટાટાનું પૂરણ ભરેલું હોય, પણ એ પૂરણનો સ્વાદ અદ્ભુત છે. આ જે પૂરણ છે એનો જૂનાગઢવાળાઓ વધારે ઉપયોગ કરે છે. બીજી એક ખાસ વાત, અહીંનાં ભજિયાં તો સ્વાદિષ્ટ છે પણ તે જે ચટણી આપે છે એ વધારે સ્વાદિષ્ટ છે અને લોકો મૂળ આ ચટણી ખાવા જ જાય છે.
હું જે ચટણીની વાત કરું છું એ ચટણી લાલ કલરની લસણની હોય છે જે સહેજ તીખી અને થોડી મીઠી હોય છે. આ ચટણી સાથે તમને બે નાના પડિયા તો આપે જ જેમાં બહાર ટેબલ પર પડેલી કઢી-ચટણી લઈ શકો. આ કઢી-ચટણી જેટલી જોઈએ એટલી લેવાની પણ તમને જે લાલ ચટણી આપે છે એ લિમિટેડ જ મળે અને તમારાં ભજિયાંના વજનમાં જ આવે. હા, તમે કહો કે ૧૦૦ ગ્રામ ચટણી આપો તો તે ભજિયાના ભાવે ૩૦ રૂપિયાની ૧૦૦ ગ્રામ ચટણી આપે. આ વાંચીને તમે ભજિયાંનો ભાવ પણ સમજી ગયા હશો. આવું સામાન્ય રીતે ક્યાંય બનતું નથી હોતું, પણ અહીં બને છે અને એનું કારણ છે, ચટણીનો અદ્ભુત ટેસ્ટ. રાજકોટમાં ગોરધનભાઈ અને રસિકભાઈ એમ બે ભાઈઓનો ચેવડો બહુ વખણાય છે, એવી જ રીતે તેમણે શોધેલી લીલી ચટણી પણ બહુ વખણાય છે. એ ચટણી પણ તમને વજનમાં જ મળે. જો તમારે વધારે ચટણી જોઈતી હોય તો એના એક્સ્ટ્રા પૈસા ચૂકવવાના. આપણે ફરી આવી જઈએ ભજિયાં પર. મિત્રો, હું તમને કહીશ કે જો તમારે આ હાઇવે પર કંઈ કામ હોય અને નીકળવાનું બને તો પીપલગ ચોકડી પાસે મહાકાળીનાં ભજિયાં અચૂક ખાજો. થોડો સમય કાઢીને જજો, કારણ કે ત્યાં ખૂબ ગિરદી હોય છે. એમ જ સમજી લો પંદર મિનિટનો વેઇટિંગ પિરિયડ હોય, હોય ને હોય જ.
મહાકાળીનાં ભજિયાં ખાવાં હોય અને ઍડ્રેસમાં ગોથું ખાઓ તો ‘મહાકાળી ભજિયા હાઉસ, પીપલગ ચોકડી’ આટલું તમે ગૂગલબાબાને પૂછશો એટલે તમારી ગાડીને એ ત્યાં જ લઈ જશે. ગૅરન્ટી ગૂગલની અને ભજિયા-ચટણીના સ્વાદની ગૅરન્ટી મારી.
