દાદરમાં છેલ્લાં ૩૫ વર્ષથી ભાનુશાલી દાબેલી ઘણી પ્રખ્યાત છે. આજે બીજી જનરેશન આ વ્યવસાયને આગળ ધપાવી રહી છે.
ભાનુશાલી દાબેલી
કચ્છની ડબલ રોટી એટલે કે દાબેલી માત્ર કચ્છી અને ગુજરાતીઓની જ નહીં પણ દરેકની પ્રિય વાની છે. જેમ દાળને સરખી ઉકાળવામાં ન આવે તો એ ખાવાની મજા આવતી નથી એવી જ રીતે જો દાબેલીનો મસાલો સરખો ન થયો હોય તો એને ખાવાની મજા આવતી નથી. એમાં પણ વર્ષોથી એકસરખો ટેસ્ટ અને કાયમી ગ્રાહકોને જાળવી રાખવા એ કોઈ સરળ વાત હોતી નથી. જોકે આજે આપણે એવા એક દાબેલીના સ્ટૉલની વાત કરવાના છીએ જે છેલ્લાં ૩૫ વર્ષથી એક સ્થળે દાબેલી બનાવીને વેચે છે એટલું જ નહીં, તેમની દાબેલી વિદેશમાં પણ જાય છે.
દાદર ઈસ્ટમાં સેન્ટ પૉલ સ્કૂલની બાજુમાં નજર દોડાવશો ત્યાં તમને દાબેલીનો સ્ટૉલ નજરે પડશે જેનું નામ ભાનુશાલી દાબેલી સ્ટોલ છે. આ સ્ટૉલ દાબેલી માટે ખૂબ જ ફેમસ છે. શું કામ અહીંની દાબેલી આટલી ચર્ચાય છે અને કેવી રીતે ભાનુશાલી દાબેલીનો જન્મ થયો એ વિશે માહિતી આપતાં કૈલાસ કટારિયા કહે છે, ‘ભાનુશાલી અમારી કાસ્ટ છે, જેના પરથી અમે આ સ્ટૉલનું નામ રાખ્યું હતું. અમે કચ્છી છીએ અને કચ્છની દાબેલી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભાનુશાલી દાબેલીની વાત કરું તો અમારા રિલેટિવ કાન્તિભાઈ દાબેલી ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવતા હતા. કચ્છ અને મસ્જિદ બંદરમાં તેમની દાબેલી ઘણી ફેમસ પણ હતી. તેમની પાસેથી મારા ફાધર મદનલાલ કટારિયા કચ્છી સ્ટાઇલની દાબેલી બનાવતાં શીખ્યા અને પછી ૧૯૮૯ની સાલમાં તેમણે બન્નેએ પાર્ટનરશિપમાં દાબેલીનો સ્ટૉલ શરૂ કર્યો. બે વર્ષ બાદ હું પણ એમાં જોડાઈ ગયો. દાબેલીમાં પડતા દરેકેદરેક મસાલા અમે ઘરે જ બનાવીએ છીએ, જેને લીધે ટેસ્ટની એકરૂપતા વર્ષોથી એકસમાન જળવાઈ રહી છે. અમારા કેટલાય ફિક્સ કસ્ટમરો છે. રોજની સરેરાશ ૬૦૦ જેટલી દાબેલી અમે વેચીએ છીએ. ત્યાં સુધી કે વિદેશમાં પણ અમારા મસાલા જાય છે.’
દાબેલીની વાત કરીએ તો અહીં ત્રણ વરાઇટીની દાબેલી મળે છે : વિધાઉટ બટર, વિથ બટર અને ચીઝ. જ્યારે આ સ્ટૉલ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે અહીં દાબેલીની કિંમત માત્ર દોઢ રૂપિયાની હતી, આજે આ દાબેલી ૩૦ રૂપિયામાં મળે છે. અહીં જૈન અને નૉન-જૈન બન્ને દાબેલી મળે છે.
ક્યાં મળશે? : ભાનુશાલી દાબેલી, સેન્ટ પૉલ સ્કૂલની બાજુમાં, દાદર (ઈસ્ટ)

