આજના જમાનામાં સ્ટાઇલિંગ એ જેન્ડર બાયસ્ડ નથી. રિસ્ક ફૅશન પુરુષોમાં પણ પૉપ્યુલર છે ત્યારે યુનિસેક્સ આઉટફિટ્સ તરીકે ઓળખાતાં હૅરમ અથવા સમુરાઇ પૅન્ટ્સને પુરુષોએ કઈ રીતે કૅરી કરવાં જોઈએ એ સમજી લો
રણવીર સિંહ
દરેક એજ ગ્રુપ અને કોઈ પણ બૉડી શેપ ધરાવતા પુરુષો હૅરમ સ્ટાઇલ સાથે કર્મ્ફટ ફીલ કરે છે. ફૅશન ફૉર્વર્ડ પુરુષોએ પોતાની સ્ટાઇલને એક્સપ્રેસ કરવા એમાં નવા-નવા એક્સપરિમેન્ટ્સ કરવા જોઈએ
ફૅશન પર હવે માત્ર મહિલાઓની ઇજારાશાહી રહી નથી, પુરુષો પણ રેગ્યુલર બેઝ પર પોતાના વૉર્ડરોબને અપગ્રેડ કરતા થયા છે. કૂલ ઍન્ડ સ્ટાઇલિશ લુક માટે રિસ્ક લેતાં તેઓ અચકાતા નથી. રિસ્ક ફૅશનની વાત નીકળે ત્યારે રણવીર સિંહ ટૉપ પર આવે. ડ્રેસિંગમાં આ અભિનેતાએ કદાચ સૌથી વધુ એક્સપરિમેન્ટ્સ કર્યા હશે. પુરુષોની ફૅશન સેન્સમાં જોવા મળેલા જબરદસ્ત પરિવર્તનનું શ્રેય રણવીરને આપવું પડે. મહિલાઓના પરિધાનને યુનિસેક્સ બનાવી તેણે ફૅશનની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. આવું જ એક પરિધાન છે હૅરમ પૅન્ટ. પુરુષોમાં પૉપ્યુલર બની ગયેલા આ આઉટફિટ્સને કઈ રીતે કૅરી કરવા જોઈએ એ સમજીને તમે પણ તમારા સર્કલમાં સ્ટાઇલ આઇકનનું બિરુદ મેળવી શકો છો.
ADVERTISEMENT
બ્રેક ધ ટ્રેન્ડ
દરેક ફૅશન સેલિબ્રિટીઝના જરિયે કૉમનમૅન સુધી પહોંચતી હોય છે. સ્ટિરિયોટાઇપ સ્ટાઇલને તોડી પોતાના ફૅન્સને સરપ્રાઇઝ આપવામાં રણવીર સિંહનો જવાબ નથી એવી વાત કરતાં ફૅશન ડિઝાઇનર પરિણી ગાલા અમૃતે કહે છે, ‘અતરંગી સ્ટાઇલ અને રિસ્ક ફૅશન માટે રણવીર સિંહ પછી કરણ જોહરનું નામ લેવું પડે. રણવીર સિંહે ઓવરસાઇઝ્ડ કૉલર્ડ પ્રિન્ટેડ શર્ટ સાથે બૅગી પૅન્ટ ટ્રાય કરી પોતાના ચાહકોને ચોંકાવી દીધા હતાં. મહિલાઓ જેવાં વસ્ત્રો પહેરી તેણે વિવાદ પણ છંછેડ્યો છે. જોકે ફૅશન જગતમાં જેન્ડર બાયસ જેવું રહ્યું નથી. કોઈ પણ ટાઇપની પ્રિન્ટ, પૅટર્ન, કલર્સ, ફૅબ્રિક હવે પુરુષો ટ્રાય કરવા લાગ્યા છે. ફૅશન આઇકન બનવાની પહેલી શરત છે બ્રેક ધ ટ્રેન્ડ. લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા સ્ટિરિયોટાઇપ ડ્રેસિંગમાંથી બહાર નીકળવું પડે. હૅરમ સ્ટાઇલનાં પૅન્ટ અગાઉ હિપ્પી લોકોમાં વધારે ચાલતાં હતાં. આ પૅટર્ન પહેરનારાઓની સોશ્યલ ઇમેજ જુદી હતી. સૌથી પહેલાં હિપ-હૉપ કલ્ચરના કારણે યુવાવર્ગમાં એની પૉપ્યુલરિટી વધી. ત્યાર બાદ સેલિબ્રિટીઝના માધ્યમથી હવે દરેક વર્ગના પુરુષો એને ઍક્સેપ્ટ કરવા લાગ્યા છે.’
કમ્ફર્ટેબલ આઉટફિટ
દેખાવમાં સ્કર્ટ જેવાં લાગતાં હૅરમ પૅન્ટ્સ જપાનના લોકોનો પરંપરાગત પોશાક છે જે ક્લાસિક જપાની હકામાથી પ્રેરિત છે. હૅરમ, સમુરાઇ, બોહો, બૅગી, ધોતી જેવા જુદા-જુદા નામે ઓળખાતાં પૅન્ટ ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલિંગ માટે પર્ફેક્ટ ચૉઇસ છે. લૂઝ ફિટિંગ અને ફ્રી ફ્લોઇંગના કારણે એવરી સીઝન માટે કમ્ફર્ટેબલ છે. આ સ્ટાઇલના પૅન્ટની પૅટર્નમાં ખૂબ વેરિએશન જોવા મળે છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘પુરુષો માટેના મોસ્ટ કમ્ફર્ટેબલ અને વર્સટાઇલ બૉટમ આઉટફિટ્સમાં હૅરમનો સમાવેશ કરવો પડે. હાઇ-વેસ્ટ અને નીચેથી બેલબૉટમ સ્ટાઇલનાં બૅગી પૅન્ટ્સ દાયકાઓથી ફૅશનનો મુખ્ય ભાગ હતાં. એમાંથી જ અપગ્રેડ થઈને હૅરમ, ધોતી, બોહો વગેરે સ્ટાઇલનો ઉદય થયો છે. હૅરમ બૅગી પેન્ટનો સૌથી અનોખો અને વિશિષ્ટ પ્રકાર છે. એની આગવી લાક્ષણિકતા અને ખાસિયત એ કે દરેક એજ ગ્રુપને સારાં લાગે છે. પુરુષોએ બ્લૅક, નેવી બ્લુ, ગ્રે જેવા કલર્સ પહેરવા જોઈએ. ફૅશન પરસ્ત હો તો પ્લેન હૅરમની જગ્યાએ બોલ્ડ પ્રિન્ટ ટ્રાય કરી શકાય. ફૅબ્રિકમાં કૉટન પ્રિફરેબલ છે.’
ક્યાં પહેરશો?
સામાન્ય રીતે આ સ્ટાઇલને જિમ, યોગ અને વેકેશન મૂડમાં પહેરવામાં આવે છે એવી માહિતી આપતાં પરિણી કહે છે, ‘વર્કઆઉટ માટે હૅરમ બેસ્ટ ચોઇસ કહેવાય. ઘણા લોકો એવું માને છે કે હૅરમને ઓફિસમાં પહેરીને ન જવાય. વાત સાચી છે, કૅઝ્યુઅલ લુક તરીકે ન ચાલે એમ છતાં સહકર્મચારીઓને તમારી સ્ટાઇલથી પ્રભાવિત કરી શકો છો. ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલ હવે મહિલાઓના ડ્રેસિંગ પૂરતી મર્યાદિત નથી રહી. પુરુષો પણ ઇન્ડો-વેસ્ટર્ન લુક ટ્રાય કરી શકે છે. આજકાલ આપણે મોટા ભાગના ફેસ્ટિવલ ઑફિસમાં સેલિબ્રેટ કરીએ છીએ. કૉર્પોરેટ કલ્ચરમાં અલગ-અલગ થીમ સાથે સેલિબ્રેશન થતાં હોય છે. તહેવારો દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જવાનું હોય ત્યારે હૅરમ સાથે નવા એક્સપરિમેન્ટ કરવાની તક ઝડપી લેવી જોઈએ. ઍથ્નિક લુક માટે હૅરમ સાથે કુરતા પહેરવા અથવા વાઇબ્રન્ટ કલર્સના શર્ટ સાથે મૅચિંગ કરવું. પ્રિન્ટમાં જુદા-જુદા ફિગર્સ હોય એવાં શર્ટ્સ પણ સરસ લાગે છે. જોકે પુરુષોએ એક્સ્ટ્રીમ કૉન્ટ્રાસ્ટમાં ન જવું. સિમ્પલ ઍન્ડ સોબર ઍથ્નિક લુક ઇમ્પ્રેસિવ લાગશે.’
પુરુષો માટેના મોસ્ટ કમ્ફર્ટેબલ અને વર્સટાઇલ બૉટમ આઉટફિટ્સમાં હૅરમનો સમાવેશ કરવો પડે. વર્કઆઉટ કરતી વખતે, વેકેશન મૂડમાં અને તહેવારો દરમિયાન ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલમાં એને ઑફિસમાં પણ પહેરી શકાય.પરિણી ગાલા અમૃતે, ફૅશન-ડિઝાઇનર


