Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આ કલાત્મક મેટલ આર્ટથી દીવારેં બોલ ઊઠેંગી

આ કલાત્મક મેટલ આર્ટથી દીવારેં બોલ ઊઠેંગી

Published : 15 January, 2025 04:58 PM | IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

દીવાલોની સજાવટ માટે વૉલપેપર્સ બહુ વપરાય છે, પણ ઘરને એકદમ એક્સક્લુઝિવ અને આર્ટિસ્ટિક લુક આપવો હોય તો ધાતુમાંથી બનેલાં નાજુક કે જાયન્ટ આર્ટવર્ક્સનો આૅપ્શન અજમાવી શકો છો

કલાત્મક મેટલ આર્ટ

કલાત્મક મેટલ આર્ટ


ઘરને શણગારવાનું બધાનું સપનું હોય છે અને એ ડેકોરેશનમાં પણ એમાં રહેનાર વ્યક્તિની પર્સનાલિટી અને પસંદ ઝળકતી હોય છે. ઘરની કોઈ પણ દીવાલને એક અલગ જ સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપવા માટે દીવાલને કોઈ ને કોઈ રીતે રંગ દ્વારા, પેઇન્ટિંગ દ્વારા, ફોટો-ફ્રેમ દ્વારા શણગારવામાં આવે છે. ઘરની દીવાલને કોઈ યુનિક પીસથી શણગારવી હોય તો અત્યારે જુદી- જુદી થીમ પર આધારિત મેટલ વૉલ-આર્ટથી દીવાલને શણગારવાનો ટ્રેન્ડ એકદમ હિટ છે. જુદી-જુદી થીમ પર, જુદી-જુદી સાઇઝ, જુદા-જુદા આકારમાં સુંદર મેટલ વૉલ-આર્ટ બને છે. નાનકડા કી હોલ્ડરથી લઈને આખી દીવાલને હોરિઝેન્ટલી કે વર્ટિકલી એટલે કે આડી કે ઊભી રીતે આવરી લેતી મોટી મેટલ વૉલ-આર્ટ બને છે. ઘર કે ઑફિસની વૉલ પર, બહારની એન્ટ્રન્સ વૉલ પર, લિવિંગ રૂમ, પૅસેજ, પૂજારૂમ, બેડરૂમની દીવાલ પર સજાવી શકાય છે.


આ મેટલ વૉલ-આર્ટ કૉપર, બ્રૉન્ઝ, સિમ્પલ આયર્ન, રૉટ આયર્ન વગેરે મેટલ્સની પ્લેટ્સને વિવિધ આકાર આપી બનાવવામાં આવે છે. ગોલ્ડ, સિલ્વર, કૉપર, બ્રૉન્ઝના મેટલિક ટોન સાથે બ્લૅક, બ્લુ, વાઇટ, ગ્રીન, પિન્ક, ગ્રે વગેરે રંગોનો મેટલ વૉલ-આર્ટ બનાવવામાં ઉપયોગ થાય છે.



આ મેટલ વૉલ-આર્ટ માત્ર ડેકોરેટિવ પર્પઝ માટે હોય છે. આ વૉલ-આર્ટમાં પાછળથી LED લગાડવામાં આવે એ ડેકોરેટિવ લાઇટ્સ સાથે ઘર અને દીવાલને પ્રકાશ અને સુંદર ઇફેક્ટ આપે છે. ઘરની દીવાલના રંગો અને બીજા બધા ફર્નિચરની સાથે મૅચ થઈ જાય એ રીતે આ વૉલ-આર્ટ જુદી-જુદી વરાઇટીમાં ડિઝાઇન કરવામાં આવે છે.


નેચર ઇન્સ્પાયર્ડ આર્ટ


મેટલનાં બનેલાં નાનાં-મોટાં ફૂલ, પાન, વેલ, ઝાડ, પીંછાં, પતંગિયાં, પશુ, પંખી, પ્રાકૃતિક સૌંદર્ય વગેરે મોટિફને યુનિક રીતે એકસાથે ગોઠવીને અઢળક જુદી-જુદી ડિઝાઇનમાં વૉલપીસ બને છે.

ફ્લોરલ આર્ટમાં ફૂલો અને એની સાથે પાન-વેલની ડિઝાઇન હોય છે. આ એક સિમ્પલ, એલિગન્ટ અને બ્યુટિફુલ પૅટર્ન છે જે લગભગ બધાં ઘરના ઇન્ટીરિયર સાથે મૅચ થઈ જાય છે. ફૂલોની સુંદરતા હંમેશાં બધાનું મન મોહી લે છે. 

આ વૉલ-આર્ટમાં મેટલમાંથી ઝાડનું મોટિફ બનાવવામાં આવે છે એ ગોલ્ડ, સિલ્વર કે બ્લૅક રંગનું હોય છે. એની પાછળ LED લાઇટ સરસ લાગે છે. ઝાડને પ્રકૃતિ, જ્ઞાન, તપસ્વી, કલ્પવૃક્ષ વગેરે આધ્યાત્મિક અર્થ સાથે જોડવામાં આવે છે એટલે ઘરની દીવાલને થોડો આધ્યાત્મિકતાનો રંગ લાગે છે.

યુનિક વૉલ-આર્ટ

નામ પ્રમાણે આ યુનિક મેટલ વૉલ-આર્ટમાં શંખ, છીપલાં, મોતી, મેટલ રિંગ, પથ્થર વગેરે એકદમ જુદી જ વસ્તુઓ વાપરીને અલગ જ ડિઝાઇન બનાવવામાં આવે છે. એનાથી ઘરની દીવાલની શોભા એકદમ વધી જાય છે. ક્રીએટિવિટી અને કંઈક હટકે ગમતું હોય તેઓ આ પ્રકારની ડિઝાઇન પસંદ કરે છે.

વૉલ મિરર્સ

મેટલ વૉલ મિરર્સ બેડરૂમ અને બાથરૂમ કે મોટા ઘરમાં પૅસેજ માટે એકદમ સરસ ઑપ્શન છે. બેડરૂમ કે બાથરૂમમાં પ્લેન સિમ્પલ મિરર રાખવાનું કૉમન છે અને હોમ ડેકોર ટ્રેન્ડ પ્રમાણે હવે આઉટડેટેડ ગણાય છે. મેટલ વૉલ મિરર્સ સાદા મિરરને આર્ટિસ્ટિક રૂપ આપી રૂમનો લુક ચેન્જ કરી નાખે છે.

ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ

ઍબ્સ્ટ્રૅક્ટ મેટલ વૉલ-આર્ટ મૉડર્ન સ્ટાઇલ પસંદ કરતા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. એમાં યુનિક અને અનયુઝ્અલ શેપનો ઉપયોગ કરવામાં આવે છે. એનો લુક સિમ્પલ પણ સૉફિસ્ટિકેટેડ હોય છે.

મેટલ વૉલ ક્લૉક આર્ટ

આ પ્રકારની મેટલ વૉલ-આર્ટમાં ડેકોરેટિવ પીસ સાથે સુંદર રીતે ઘડિયાળને સામેલ કરવામાં આવે છે અને દરેક ઘરમાં સમય જોવા માટે જરૂરી એવી વૉલ ક્લૉક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની જાય છે.

મેટલ કી હોલ્ડર

કી હોલ્ડર દરેક ઘર માટે જરૂરી છે, કારણ કે મહત્ત્વની ચાવીઓ આડીઅવળી થતી નથી અને સચવાયેલી રહે છે. આ નાનકડી પણ કામની હોમ ડેકોર આઇટમમાં મેટલ આર્ટ ઉમેરવાથી એ એક યુનિક ડેકોર પીસ પણ બની જાય છે. 

એથ્નિક વૉલ-આર્ટ

આ મેટલ વૉલ-આર્ટમાં ટ્રેડિશનલ શરણાઈ, ઢોલક જેવા મોટિફ અને સાફા પહેરેલા મેલ અને ચણિયાચોળી પહેરેલી ફીમેલનાં ફિગર્સ ડિઝાઇનમાં સામેલ કરવામાં આવે છે. રાધાકૃષ્ણના મોટિફવાળી વૉલ-આર્ટ, બારાત થીમ, ટ્રેડિશનલ મોર વગેરે એથ્નિક ડિઝાઇન પણ સુંદર આભા સર્જે છે.

સ્પિરિચ્યુઅલ વૉલ-આર્ટ

જુદા-જુદા શ્લોક કે મંત્ર, ભગવાન બુદ્ધ, સૂર્ય ભગવાન સાથે સાત ઘોડાનો રથ, ઓમ, ગણપતિ વગેરે મોટિફ દ્વારા સ્પિરિચ્યુઅલ વૉલ-આર્ટ બનાવવામાં આવે છે. આ વૉલ-આર્ટ લિવિંગ રૂમ કે પૂજા રૂમમાં સરસ લાગે છે.

થીમ બેઝ‍્ડ વૉલ-આર્ટ

ઘરમાં રહેનારની પસંદ અને વ્યક્તિત્વ કે કામ કે શોખને અનુરૂપ થીમ નક્કી કરી એના આધારે વૉલ-આર્ટ બનાવવામાં આવે છે. મ્યુઝિક થીમ, અમ્બ્રેલા શેપ, ડિશ કે ડિસ્ક ડિઝાઇન, વર્લ્ડ મૅપ થીમ, યોગ થીમ, ફેસ થીમ, કોઈ સ્લોગન કે મેસેજ લખેલી કૅલિગ્રાફિક વૉલ-આર્ટ જેવી અનેક થીમમાં મેટલ વૉલ-આર્ટ બને છે.

જ્યોમેટ્રિકલ શેપ વૉલ-આર્ટ

ચોરસ, લંબચોરસ, ગોળ, અર્ધગોળ, ત્રિકોણ જેવા આકારમાંથી કોઈ એક આકારના નાના-મોટા પીસને જુદી-જુદી રીતે અરેન્જ કરી મેટલ વૉલ-આર્ટ પીસ બનાવવામાં આવે છે.

મેટલ આર્ટ સજાવવાની બેઝિક ટિપ્સ

એક દીવાલ પર એક જ મેટલ વૉલ-આર્ટ પીસ સુંદર ઉઠાવ આપે છે.

દીવાલની સાઇઝને ધ્યાનમાં રાખી એને અનુરૂપ પીસ પસંદ કરવો. મોટી અને પહોળી હોય તો આડો આર્ટ પીસ અને દીવાલ પાતળી પણ લાંબી હોય તો ઊભો પીસ સરસ લાગે છે.

આર્ટ પીસ રૂમમાં મૂકેલા ફર્નિચર કરતાં મોટો હોવો ન જોઈએ. રૂમ નાની હોય તો મોટી દેખાડવા મિરરવાળી આર્ટ પસંદ કરી શકાય.

આર્ટ પીસ બરાબર દીવાલની વચ્ચે આઇ લેવલ પર લગાડવો, બહુ ઉપર કે બહુ નીચે તરફ લગાડેલો ડેકોરેટિવ પીસ આકર્ષક નહીં લાગે.

એક રૂમમાં બને ત્યાં સુધી એક જ ડેકોરેટિવ વૉલપીસ રાખવો અને એકથી વધારે પીસ ગોઠવવા હોય તો એ સાઇઝમાં નાના, એકબીજા સાથે મેળ ખાતા, એક જ થીમના હોવા જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2025 04:58 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK