જવાબ છે હા, દૂધમાં રહેલું લૅક્ટિક ઍસિડ ત્વચા પરની ગંદકીને દૂર કરીને એને વધુ સુંદર અને કોમળ બનાવવાનું કામ કરે છે
પ્રતીકાત્મક તસવીર
સ્કિનકૅર રૂટીનમાં નૅચરલ ઇન્ગ્રીડિઅન્ટ્સનો વપરાશ કૉમન બની રહ્યો છે. જોકે કિચનમાં મળતાં બધાં જ ઇન્ગ્રીડિયન્ટ્સ કારગત નથી હોતાં, પણ ઇન્સ્ટાગ્રામમાં સ્કિનકૅરના નુસખા વાઇરલ થતા જોઈને એને અજમાવવાનું મન થઈ જાય છે. છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સમાં પિમ્પલ્સ અને એના ડાઘને દૂર કરવા ચહેરા પર કાચું દૂધ લગાવવાનો ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે. બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ છાશવારે સ્કિનકૅરમાં નવા-નવા અખતરા કરતી હોય છે ત્યારે તાજેતરમાં તેણે પોતાની યુટ્યુબ ચૅનલ પર સ્કિનકૅરના નુસખાનો વિડિયો અપલોડ કર્યો હતો. એમાં તેણે કાચા દૂધનો ઉપયોગ ટોનર તરીકે કર્યો હતો. ઇન્ફ્લુઅન્સર્સના નુસખાઓમાં ખરેખર કેટલો દમ છે એ નિષ્ણાત પાસેથી જાણીએ.
ઍક્ને-કૉઝિંગ બૅક્ટેરિયાને મારે
ADVERTISEMENT
કાચું દૂધ પિમ્પલનું કારણ બનતાં બૅક્ટેરિયાનો નાશ કરે છે એવો દાવો સ્કિનકૅર ઇન્ફ્લુઅન્સર્સ કરી રહ્યા છે ત્યારે મુલુંડમાં રહેતાં અનુભવી કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. મમતા છેડા આ મામલે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે, ‘કાચા દૂધમાં લૅક્ટિક ઍસિડ, આલ્ફા હાઇડ્રોક્સી ઍસિડ અને લૅક્ટોઝ હોય છે જે પિમ્પલ્સનું કારણ બનતા બૅક્ટેરિયાને મારવાનું કામ તો કરે જ છે અને એની સાથે એ ત્વચાના મૃત અને નિસ્તેજ કોષોને દૂર પણ કરે છે. એને એક્સફોલિએશન પણ કહેવાય. એટલે જ કાચું દૂધ સ્કિન માટે બેસ્ટ માનવામાં આવે છે. પણ હા, કાચા દૂધનો ઉપયોગ ટોનર તરીકે કરી શકાય નહીં; કારણ કે એમાં રહેલું પ્રોટીન, લૅક્ટિક ઍસિડ અને લૅક્ટોઝ ત્વચાના સંપર્કમાં આવે તો એ એક્સફોલિએશનનું કામ કરે છે અને એ સુકાઈ ગયા બાદ સ્કિન ચીકણી થઈ જાય છે.’
ટૅન રિમૂવ કરવાનું કામ કરે
કાચા દૂધને ત્વચા અને ચહેરા પર લગાવવાના ફાયદા જણાવતાં ડૉ. મમતા જણાવે છે, ‘કાચા દૂધમાં નૅચરલ ફૅટ, પ્રોટીન અને પાણીનું પ્રમાણ વધુ હોવાથી એ સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરે છે. ડ્રાય સ્કિન હોય એ લોકો માટે કાચું દૂધ કામની ચીજ છે. એમાં રહેલું લૅક્ટિક ઍસિડ ત્વચા પરના ડાઘ એટલે કે પિગ્મેન્ટેશનને દૂર કરે છે. આ સાથે ઉનાળામાં છાશવારે થતા સન-ટૅનિંગમાં પણ ફાયદો આપે છે. એમાં ઍન્ટિ-એજિંગની પણ પ્રૉપર્ટીઝ હોવાથી સ્કિનને યંગ રાખવામાં મદદ કરે છે. આંખની આજુબાજુ ડાર્ક સ્પૉટ્સને પણ દૂર કરે છે. કાચા દૂધનો ઉપયોગ ફક્ત ચહેરા પૂરતો જ સીમિત નથી. એ ચહેરાને મૉઇશ્ચર આપવાની સાથે એક્સફોલિએટ અને ક્લેન્ઝ કરે છે, પણ એની સાથે વાળને સ્મૂધ અને શાઇની બનાવવામાં પણ મદદ કરે છે. હેરવૉશ કરવાના અડધા કલાક પહેલાં કાચા દૂધમાં થોડું ઍલોવેરા મિક્સ કરીને લગાવવાથી એ વાળની રફનેસને દૂર કરે છે અને વાળના ટેક્સ્ચરને પણ સુધારે છે.’
આ નુસખા તમારા કામની ચીજ છે
કાચા દૂધને કૉટનથી ફેસ પર લગાવવાથી એ ટૅન રિમૂવ કરશે. એ ડેડ સ્કિન સેલ્સને પણ દૂર કરતું હોવાથી આ નુસખાને અઠવાડિયામાં એક અથવા બે વાર જ કરવો જોઈએ.
સ્કિનટોન અને અને એના ટેક્સ્ચરને સુધારવા માટે કાચા દૂધમાં થોડી હળદર, ઍલોવેરા અને વિટામિન Eની કૅપ્સ્યુલ મિક્સ કરીને લગાવવાથી ફાયદો થશે. આ નુસખો પાંચ દિવસમાં એક વાર કરવો.
કાચા દૂધમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણધર્મ હોવાથી આખા શરીર પર એનાથી માલિશ કરવામાં આવે તો એ બૅક્ટેરિયાને શરીરમાં પ્રવેશવા દેતું નથી અને એ સ્કિનટોનને ઇમ્પ્રૂવ કરશે. જેની સ્કિન સેન્સિટિવ અથવા ઍલર્જિક હોય એ લોકોને કાચું દૂધ લગાવતાં પહેલાં પૅચ-ટેસ્ટ કરવી બહુ જરૂરી છે.
ચહેરા પર કાચું દૂધ લગાવવાનો વિચાર હોય તો રાતનો સમય બેસ્ટ છે. સૂતી વખતે એને ચહેરા પર લગાવવાથી દૂધના ગુણધર્મો ચહેરાની અંદર સુધી પહોંચે છે અને એ સ્કિનને સુધારે છે.
કાચા દૂધનો ઉપયોગ ફેસમાસ્ક તરીકે પણ કરી શકાય. એમાં મુલતાની માટી મિક્સ કરીને DIY એટલે કે ડૂ ઇટ યૉરસેલ્ફ ફેસમાસ્ક બનાવી શકાય. આ નુસખો ઑઇલી સ્કિન હોય એવા લોકો માટે બેસ્ટ છે. ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ દૂધમાં ચંદન મિક્સ કરીને લગાવવું. ૧૫ દિવસમાં એક વાર આ ફેસમાસ્ક લગાવવાથી ચહેરાનું ટૅનિંગ દૂર થશે અને ગ્લો વધશે.
શરીર કે ચહેરા પર વધુ રૂંવાટી હોય અને એને નૅચરલી દૂર કરવી હોય તો દૂધમાં ચણાનો લોટ અથવા અડદની દાળના લોટને મિક્સ કરીને લગાવવાથી ફાયદો થાય છે. એક વાતનું ધ્યાન રાખવું કે દૂધ કાચું જ હોવું જોઈએ. એને ગરમ કરીને ચહેરા પર લગાવશો તો એમાં રહેલું લૅક્ટિક ઍસિડ નાશ પામશે અને કોઈ ફાયદો મળશે નહીં.

