શું છે આ હૅન્ડ મંગળસૂત્ર? એને કેવી રીતે સ્ટાઇલ કરવું અથવા કયા પરિધાન સાથે પહેરવું? આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે અમે બોરીવલીનાં સ્ટાઇલિસ્ટ ભાવના રાજગોર સાથે વાત કરી.
રાધિકા મર્ચન્ટ, સોનમ કપૂર, શિલ્પા શેટ્ટી
હૅન્ડ મંગળસૂત્ર એટલે કે હાથમાં બ્રેસલેટની જેમ પહેરવાના મંગળસૂત્રની ફૅશન આવી છે. રાધિકા મર્ચન્ટ ક્યારેક પોતાનું ગળામાં પહેરવાનું મંગળસૂત્ર હાથમાં બ્રેસલેટની જેમ પહેરે છે. શિલ્પા શેટ્ટી અને સોનમ કપૂરે તો તાજેતરની એક ઇવેન્ટમાં જે બ્રેસલેટ પહેરેલું એ ખાસ મંગળસૂત્રની ડિઝાઇનમાં હતું. એટલે કે કાળા મણિવાળું બ્રેસલેટ જે જોઈને તરત જ મંગળસૂત્રની યાદ આવે. સેલિબ્રિટી જે કોઈ ફૅશન કરે એ માર્કેટમાં તરત આવી જાય. આવાં હૅન્ડ મંગળસૂત્ર પણ માર્કેટમાં મળતાં થઈ ગયાં છે. શું છે આ હૅન્ડ મંગળસૂત્ર? એને કેવી રીતે સ્ટાઇલ કરવું અથવા કયા પરિધાન સાથે પહેરવું? આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે અમે બોરીવલીનાં સ્ટાઇલિસ્ટ ભાવના રાજગોર સાથે વાત કરી.
ADVERTISEMENT
ભાવના રાજગોર કહે છે, ‘ગોલ્ડ સાથે બ્લૅક મણિ કે પછી ડાયમન્ડ સાથે બ્લૅક મણિ હોય એવાં બ્રેસલેટ જેવાં મંગળસૂત્ર ધીમે-ધીમે ફેમસ થઈ રહ્યાં છે. બ્લૅકની જગ્યાએ કલરફુલ મણિ હોય એવાં પીસ પણ દેખાઈ રહ્યાં છે. મજાની વાત એ છે કે હૅન્ડ મંગળસૂત્ર વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ સારી રીતે બ્લેન્ડ થઈ જાય છે. શરત માત્ર એટલી કે જ્યારે તમે જીન્સ ટૉપની સાથે આવો પીસ પહેરતા હો ત્યારે એ ખૂબ નાજુક અને પાતળો હોય એનું ધ્યાન રાખવું. મોટા-મોટા મણિવાળાં કે મોટા-મોટા પેન્ડન્ટવાળાં પીસ વેસ્ટર્ન આઉટફિટ સાથે મૅચ નહીં થાય. જો થોડુંક મોટું પેન્ડન્ટ હોય તો જીન્સ કુર્તી સાથે ચાલી જશે. આજકાલ પેન્ડન્ટની જગ્યાએ કપલનાં નામનાં ઇનિશ્યલ લખ્યાં હોય એવાં પીસ પણ વાઇરલ થઈ રહ્યાં છે. એ પણ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનાવે છે. તમે એવી કોઈ ઇવેન્ટમાં જવાના હો જ્યાં સેન્ટર ઑફ અટ્રૅક્શન બનવું હોય ત્યારે આ ફૅશન ખૂબ અસરકારક અસર ઊભી કરે છે.’
અંબાણી પરિવારની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ ઇન્ડો-વેસ્ટર્ન કે વેસ્ટર્ન આઉટફિટ પહેરે છે ત્યારે ઘણી વાર પોતાના ગળામાં પહેરવાના મંગળસૂત્રને બે રાઉન્ડ મારીને હાથમાં પહેરે છે. ભાવના રાજગોર કહે છે, ‘આવી રીતે ગળામાં પહેરવાનું મંગળસૂત્ર હાથમાં પહેરવું હોય ત્યારે એનું પેન્ડન્ટ ડબલ સાઇડ ટેપની મદદથી હાથની પાછળના ભાગમાં ‘વી’ શેપ બનાવીને ચોંટાડી દેવાનું. એ ખસકશે નહીં. ક્રોપ ટૉપ કે કોઈ ફૅન્સી પ્રકારના ટૉપ અને જીન્સ જેવા ઇન્ડો-વેસ્ટર્ન અટાયર સાથે ટ્રેડિશનલ દાગીનો નથી પહેરી શકાતો ત્યારે આ સ્ટાઇલથી યુનિક લુક લઈ શકાય છે. જોકે સાડી જેવા ટ્રેડિશનલ આઉટફિટ સાથે આ સ્ટાઇલ ક્યારેય ન કરવી. જ્યારે હૅન્ડ મંગળસૂત્ર પહેરો ત્યારે ગળામાં કશું લાઉડ લાગે એવું ન પહેરવું. હા, પાતળી ચેઇન જેવું કંઈક ચાલે. એ ચેઇનનો ટોન પણ હૅન્ડ મંગળસૂત્રને મૅચ કરે એવો હોવો જોઈએ. તમે હૅન્ડ મંગળસૂત્ર ગોલ્ડ પહેર્યું હોય તો ગળામાં રોઝ ગોલ્ડનો દાગીનો ન પહેરવો. એક સરસ લુક આપું. જીન્સ સાથે વાઇટ ટૉપ, ગળામાં લાંબાં ઑક્સિડાઇઝ્ડ ઇઅર-રિંગ્સ, પગમાં પઠાણી ચંપલ સાથે બોહેમિયન બૅગ અને આ લુકની સાથે સિલ્વર હૅન્ડ મંગળસૂત્ર પહેરવું. મન હોય તો પગમાં ઍન્કલેટ પણ પહેરી શકાય. ટ્રાય કરજો. કાતિલ લુક છે.’

