ભારેખમ દાગીનાને બદલે હવે સ્લીક, વજનમાં હલકી અને રંગબેરંગી ફ્લૅટ જ્વેલરી યુવા પેઢીની પહેલી પસંદ બની રહી છે. જાણો કેવી રીતે આ ઍક્સેસરીઝ તમારા સાદા આઉટફિટને પણ હાઈ-ફૅશન લુક આપી શકે છે
રંગબેરંગી ફ્લૅટ જ્વેલરી યુવા પેઢીની પહેલી પસંદ
ભારેખમ સોના-ચાંદીના દાગીનાનો યુગ હવે ખાસ પ્રસંગો પૂરતો મર્યાદિત રહ્યો છે, જ્યારે રોજબરોજની લાઇફસ્ટાઇલ અને ઑફિસવેઅરમાં ઇનૅમલ એટલે કે મીનાકારી અને ફ્લૅટ જ્વેલરીનો ક્રેઝ વધ્યો છે. જો તમે પણ તમારી સ્ટાઇલને મૉડર્ન અને આર્ટિસ્ટિક લુક આપવા માગો છો તો આ ટ્રેન્ડનું અનુસરણ કરવા જેવું છે. ઇનૅમલિંગ એ ધાતુ પર રંગીન કાચના પાઉડરને ઊંચા તાપમાને પીગળાવીને કરવામાં આવતી એક કળા છે, જેને આપણે પરંપરાગત ભાષામાં મીનાકારી કહીએ છીએ. દેખાવમાં પાતળી, વજનમાં હલકી અને પહેરવામાં આરામદાયક હોય છે. આ દાગીના ત્વચા સાથે એકદમ ફિટ બેસી જાય છે જેથી એ રોજિંદા કામમાં અવરોધરૂપ બનતા નથી. એવી ફ્લૅટ ઍક્સેસરીઝ પહેરવાનું લોકો હવે વધુ પસંદ કરી રહ્યા છે.
શું છે ટ્રેન્ડમાં?
ADVERTISEMENT
પેસ્ટલ અને વાઇબ્રન્ટ કલર પૅલેટ : આ વર્ષે ઇનૅમલ જ્વેલરીમાં ઘેરા લાલ કે લીલા રંગના સ્થાને પેસ્ટલ પિન્ક, મિન્ટ ગ્રીન, પાઉડર બ્લુ અને લૅવેન્ડર જેવા સૉફ્ટ કલર્સ વધુ લોકપ્રિય છે. આ રંગો વેસ્ટર્ન આઉટફિટ્સ અને ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સાથે અદ્ભુત રીતે મૅચ થાય છે.
જ્યોમેટ્રિક અને મિનિમલ ડિઝાઇન્સ : ભારે ફૂલ-છોડની ભાતને બદલે હવે ત્રિકોણ, વર્તુળ અને લાઇનિંગ જેવી જ્યોમેટ્રિક ડિઝાઇન્સ ટ્રેન્ડમાં છે. ફ્લૅટ પેન્ડન્ટ્સ અને આકર્ષક સ્ટડ્સ યુવતીઓમાં હૉટ ફેવરિટ છે.
લેયરિંગ અને સ્ટૅકિંગ : ૨૦૨૬નો સૌથી મોટો મંત્ર છે લેયરિંગ. એકસાથે બે-ત્રણ પાતળી ઇનૅમલ ચેઇન પહેરવી અથવા હાથમાં અલગ-અલગ રંગની ફ્લૅટ રિંગ્સ સ્ટેક કરવી એ અત્યારે ફૅશન સ્ટેટમેન્ટ ગણાય છે.
સ્ટાઇલિંગ ટિપ્સ
જો તમે ફૉર્મલ શર્ટ અથવા કુરતી પહેરતાં હો તો એક નાનકડું બ્લુ અથવા ટ્રાન્સપરન્ટ ઇનૅમલ પેન્ડન્ટ અને મિનિમલ સ્ટડ્સ પસંદ કરો. એ તમને સૉફિસ્ટિકેટેડ અને પ્રોફેશનલ લુક આપશે.
કૅઝ્યુઅલ આઉટિંગ પર જતી વખતે વાઇબ્રન્ટ કલરનાં ઇનૅમલ હૂપ્સ અને ફ્લૅટ બ્રેસલેટ પહેરો. આ ઍક્સેસરીઝ સાદાં ટી-શર્ટ અને જીન્સના લુકને એલિવેટ કરશે.
હવે લગ્નોમાં પણ લાઇટવેઇટ લુક ટ્રેન્ડમાં છે. ભારે ચોકરને બદલે પાતળા ફ્લૅટ ગોલ્ડ બૅન્ડ્સ જેમાં ઝીણું ઇનૅમલ વર્ક હોય એ પસંદ કરો. આ દાગીના તમારી સાડી કે લેહંગાના લુકને દબાવશે નહીં પણ એલિવેટ કરશે.
કેમ પસંદ કરવી જોઈએ આ જ્વેલરી?
ઇનૅમલ અને ફ્લૅટ જ્વેલરીની સૌથી મોટી ખાસિયત એની વર્સેટિલિટી છે. એ જેન્ડર-ન્યુટ્રલ પણ બની રહી છે જેમાં પુરુષો માટે પણ ઇનૅમલ કફલિંક્સ અને બ્રેસલેટ્સ ઉપલબ્ધ છે. વળી આ દાગીના ટકાઉ હોય છે અને યોગ્ય કાળજી લેવામાં આવે તો એના રંગો વર્ષો સુધી જળવાઈ રહે છે. જો તમે તમારા લુકમાં નવીનતા અને આર્ટિસ્ટિક ટચ લાવવા માગતા હો તો ઇનૅમલ અને ફ્લૅટ ઍક્સેસરીઝમાં ઇન્વેસ્ટ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.


