વાયુપ્રદૂષણ રોકવા માટે લેવામાં આવતાં પગલાં પર દેખરેખ રાખવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના વાયુપ્રદૂષણ બાબતે ચાલી રહેલી સુનાવણીમાં ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે મુંબઈ રીજનમાં પ્રદૂષણને પહોંચી વળવા માટેનાં પગલાંનું પાલન થાય એની દેખરેખ માટે એક હાઈ- પાવર્ડ સમિતિની રચના કરવામાં આવશે. વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય અને મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલાં પગલાં અપૂરતાં છે.
મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખરની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે એ કોઈની ટીકા નથી કરી રહી, પરંતુ લોકો શુદ્ધ હવામાં જીવે એ બાબતની ખાતરી કરવા માગે છે.
મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB) ફક્ત ઍફિડેવિટ પર જ ચાલી રહ્યું છે, પરંતુ એના દ્વારા લેવામાં આવેલાં પગલાં પૂરતાં નથી એમ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે મુંબઈમાં વાયુપ્રદૂષણ ઘટ્યું નથી. હકીકતમાં ડિસેમ્બરમાં એ ખૂબ જ ગંભીર હોવાનું જણાયું હતું.
ADVERTISEMENT
કોર્ટે સૂચન કર્યું હતું કે સુપ્રીમ કોર્ટના જજના વડપણ હેઠળ રચાનારી સમિતિએ દરરોજ મીટિંગ કરીને પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ અને પ્રદૂષણના અસરગ્રસ્ત નાગરિકોને વળતર પણ મળવું જોઈએ. કોર્ટ એના લેખિત આદેશમાં નવી સમિતિના સભ્યોનાં નામ આપશે.


