જોકે દીપડાએ આવીને સીધો હુમલો કરતાં બુઝુર્ગે બૂમાબૂમ કરી મૂકી હતી
ઘાયલ બાપ-દીકરો અને મૃત્યુ પામેલો દીપડો.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા ગંગડા ગામમાં બાબુભાઈ વાજા નામના ખેડૂત બુધવારે રાતે ઘરના વરંડામાં સૂતા હતા ત્યારે અચાનક જ એક દીપડો ત્યાં આવી પહોંચ્યો હતો અને કોઈ જ ઉશ્કેરણી વિના તેમના પર હુમલો કર્યો હતો. ગામના સીમાડે આવેલા ઘરના વરંડામાં જંગલી પ્રાણીઓ આવી જાય એવું ભાગ્યે જ બન્યું છે. જોકે દીપડાએ આવીને સીધો હુમલો કરતાં બુઝુર્ગે બૂમાબૂમ કરી મૂકી હતી. દીપડો બાબુભાઈનો એક હાથ પકડીને તેમને ઘસડી જવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં જ અંદરથી તેમનો દીકરો શાર્દૂલ દોડી આવ્યો હતો. એટલે દીપડાએ પિતાને છોડીને દીકરા પર હુમલો કર્યો હતો.
બેથી ત્રણ વાર દીપડો ઘડીક પિતા પર તો ઘડીક દીકરા પર એમ હુમલો કરતો રહ્યો હતો. એવામાં બાબુભાઈએ ત્યાંથી સહેજ ખસીને વરંડામાં પડેલા ભાલા અને દાતરડાથી દીપડા પર હુમલો કરતાં દીપડાના ત્યાં જ રામ રમી ગયા હતા. પિતા-પુત્ર બન્ને ઘવાયા હોવાથી તેમને ઉના ગામની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને ભરવાડ અને જંગલ ખાતાની ટીમે આવીને દીપડાના શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યું હતું. જોકે નવાઈની વાત એ છે કે દીપડાથી ગંભીર ઘવાયેલા બાબુભાઈ પર જંગલ ખાતાના અધિકારીઓએ કેસ ઠોક્યો છે. ફૉરેસ્ટ-અધિકારીએ કહ્યું હતું કે ‘અમે જે હથિયાર વડે દીપડા પર હુમલો થયો હતો એ જપ્ત કર્યું છે અને બાબુભાઈ વાજા પર દીપડાને મારવાનો કેસ નોંધ્યો છે. હથિયારથી મરેલાં પ્રાણીઓના કેસમાં આ નૉર્મલ પ્રોટોકૉલ છે.’
ADVERTISEMENT
ગુજરાતમાં દીપડાની વસ્તી
હાલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં દીપડાની વસ્તી વધીને લગભગ ૨૨૦૦ થઈ હોવાનું મનાય છે. સિંહોથી વિપરીત દીપડા એકલું રહેનારું અને છુપાઈને હુમલો કરનારું પ્રાણી છે.


