એ સમયે કંપની તરફથી સ્પષ્ટતા કરવા માટે સંબંધિત કંપનીનો બ્રાહ્મણ ફોટોગ્રાફર પુષ્પેન્દ્ર શર્મા પણ હાજર રહ્યો હતો
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કૉન્ટ્રૅક્ટ રદ કરીને જૈન સમાજને મિચ્છા મિ દુક્કડં માગતો પરિપત્ર પ્રસિદ્ધ કર્યો હતો.
જૈન સમાજ દ્વારા પાલિતાણાના શત્રુંજય તીર્થ પર મંગળવારે મુસ્લિમ ફોટોગ્રાફરો દ્વારા આદિનાથ ભગવાનના ગભારામાં પૂજાનાં કપડાં પહેર્યા વગર જઈને વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. એની સામે દેશભરમાં જૈન સમાજમાં ઉગ્ર વિરોધ થયા બાદ ગઈ કાલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી એક પરિપત્ર બહાર પાડીને મિચ્છા મિ દુક્કડં માગવામાં આવ્યું હતું. એટલું જ નહીં, લખનઉની મુસ્લિમ કંપની સાથેનો વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો કૉન્ટ્રૅક્ટ રદ કરવામાં આવ્યો છે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી જેને પરિણામે મામલો શાંત થયો હતો.
આ પહેલાં ગઈ કાલે બપોરે પાલિતાણામાં બિરાજમાન આચાર્ય જગતશેખર મહારાજસાહેબના નેતૃત્વમાં જૈન યુવાનો પાલિતાણાની પેઢીની ઑફિસ પર પહોંચ્યા હતા અને તેમણે સવાલો કર્યા હતા કે કયા સંજોગોમાં અને કયાં કારણોસર પેઢીને મુસ્લિમ કંપનીને ૪૫ લાખ રૂપિયામાં કૉન્ટ્રૅક્ટ આપવાની ફરજ પડી, એવું તે શું બન્યું કે મુસ્લિમ ફોટોગ્રાફરોને પ્રભુ આદિનાથ પરમાત્માના ઢીંચણ પર ચડીને તેમ જ અશુદ્ધ અને અન્ય આશાતનાઓની ક્રિયાઓ દ્વારા ફોટોગ્રાફી કરવાની પેઢીના પ્રતિનિધિઓ દ્વારા પરવાનગી આપવામાં આવી, જો પેઢી એના સ્પષ્ટીકરણ મુજબ સાચી છે તો એણે તરત જ ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ બહાર પાડીને આનો ખુલાસો કેમ ન કર્યો?
એ સમયે કંપની તરફથી સ્પષ્ટતા કરવા માટે સંબંધિત કંપનીનો બ્રાહ્મણ ફોટોગ્રાફર પુષ્પેન્દ્ર શર્મા પણ હાજર રહ્યો હતો. તેણે પણ મંગળવારે શું ઘટના બની હતી એની સૌની હાજરીમાં રજૂઆત કરી હતી અને માફી પણ માગી હતી.
ADVERTISEMENT
એ પહેલાં જૈન સમાજનો એક વર્ગ પેઢીની અમદાવાદની ઑફિસ પર વિરોધ દર્શાવવા ગયો હતો, જેને પરિણામે પેઢીએ જૈન સમાજની માફી માગતો અને કૉન્ટ્રૅક્ટ રદ કરવામાં આવ્યો છે એની જાણકારી આપતો એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો હતો. એમાં જણાવવામાં આવ્યું છે કે ‘મંગળવારે આદિનાથ પરમાત્માના ગભારામાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની જે ઘટના બની હતી એના માટે મિચ્છા મિ દુક્કડં. એ દિવસે જે ફોટો કે વિડિયો લેવામાં આવ્યા હતા એ પણ ડિલીટ કરવામાં આવ્યા છે તેમ જ જે પ્રોજેક્ટ માટે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનો કૉન્ટ્રૅક્ટ કરવામાં આવ્યો હતો એને પણ રદ કરવામાં આવ્યો છે. પેઢી આશાતનારહિત કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છે.’


