શૂઝ, બૅગ્સ અને વૉચ જેવી ઍક્સેસરીઝમાં પણ ચાર્મ્સ, ઇઅરરિંગ્સ અને નેકલેસ લગાવીને પર્સનલ ટચ આપવામાં આવી રહ્યો છે અને ફૅશન તથા સ્ટાઇલિંગનો આ નવો ટ્રેન્ડ અન્ય લોકોથી તમને યુનિક બનાવે છે
હવે ઍક્સેસરીઝને પણ ઍક્સેસરીઝ જોઈએ છે
ફૅશનની દુનિયામાં અખતરાઓ અવિરત થતા જ રહે છે ત્યારે હવે ફૅશન-સ્ટાઇલિંગમાં ઍક્સેસરીઝનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બૅગ-ચાર્મ્સ અને કસ્ટમાઇઝ્ડ કીચેનનું ફૅશનમાં કમબૅક થયા બાદ હવે શૂઝ અને વૉચ જેવી ઍક્સેસરીઝમાં પણ ઍક્સેસરીઝ લગાવીને નવી રીતે સ્ટાઇલ કરીને ઍક્સેસરીઝને પર્સનલ ટચ આપીને લોકો ક્રીએટિવિટી દેખાડી રહ્યા છે. વિચાર કરો દેશી ઝૂમકા તમારા કાનમાં નહીં પણ સનગ્લાસિસના કિનારે અથવા સ્નીકર્સમાં લટકાડ્યાં હોય. ફૅશનેબલ રહેવાનું પસંદ કરતા હોય એ લોકો DIY એટલે કે પોતાની જાતે જ ઍક્સેસરીઝને ડિઝાઇન અને સ્ટાઇલ કરતા હોય છે. ફાસ્ટ ફૅશન બ્રૅન્ડ્સે ઍક્સેસરીઝ પર પણ ઍક્સેસરીઝને સ્ટાઇલ કરવાનું શરૂ કર્યું છે ત્યારે એને આપણે પણ ઘરે કેવી રીતે સ્ટાઇલ કરી શકીએ એ વિશે વિલે પાર્લેમાં રહેતી જ્વેલેરી-ડિઝાઇનર અને ફૅશન-સ્ટાઇલિસ્ટ મિન્નત કાણકિયા પાસેથી જાણીએ.
ઍક્સેસરીઝથી સ્નીકર્સનો લુક ચેન્જ
ADVERTISEMENT
પહેલાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સનું અસ્તિત્વ ન હોવાથી લોકો જે પણ ક્રીએટિવિટી કરતા એ અન્ય લોકો સુધી પહોંચતી નહીં. એટલે કે ઘરમાં જ રહેતી હતી, પણ હવે ચિત્ર ઊલટું થઈ ગયું છે. અત્યારે લોકો જે પણ અખતરા કરે એને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પોસ્ટ કરતા હોય છે અને એ ઘણા લોકો સુધી પહોંચે છે અને ટ્રેન્ડ બની જાય છે. ઍક્સેસરી નીડ્સ ઍન ઍક્સેસરીનો ટ્રેન્ડ પણ એવો જ છે. આપણે એને ઘણી રીતે સ્ટાઇલ કરીને પોતાના હિસાબે પોતાની પર્સનાલિટીને એન્હૅન્સ કરી શકીએ છીએ. આ ટ્રેન્ડ સ્નીકરપ્રેમીઓ સુધી પહોંચી ગયો છે. સ્નીકર્સને પણ ઍક્સેસરીઝથી સજાવીને ઘરે બેઠાં ફંકી અને મૉડર્ન લુક આપી શકીએ છીએ. ઇન્ડિયન ટચ આપવો હોય તો એમાં બીડ્સ અેટલે કે મોતીની લેસ લગાવી શકાય અથવા ગોલ્ડન કલરની પટ્ટી આવે એને બાંધવાની લેસ સાથે રિપ્લેસ કરી શકાય. ઘણા લોકો એને મૉડર્ન અને વેસ્ટર્ન ટચ આપવા માટે પર્સનલાઇઝ્ડ ચાર્મ્સ લગાવે છે, કોઈ ઘરમાં પડેલા પેન્ડન્ટવાળા નેકલેસથી પણ સ્ટાઇલ કરે છે. એક સ્નીકર કે શૂઝને આ પ્રમાણે વિવિધ રીતે ઍક્સેસરીઝની મદદથી નવો લુક આપી શકાય છે, જે કન્ટેમ્પરરી ફૅશનમાં ઇનથિંગ છે.
વૉચને પણ જોઈએ ઍક્સેસરી
ડિઝાઇનર વૉચ પોતે જ એક ઍક્સેસરી છે, પણ એક જ વૉચ પહેરીને કંટાળી ગયેલા લોકોને કંઈક નવું જોઈતું હોય છે તો એમાં બ્રેસલેટ અટૅચ કરીને વૉચને નવો લુક આપી શકાય છે. અત્યારે જ્વેલરી હવે ફક્ત ઓકેઝન્સ માટે રહી નથી. એ તમારી સ્ટાઇલને કૉમ્પ્લીમેન્ટ આપે છે. જેન્ઝી જનરેશનમાં ઈઝી અને ફાસ્ટ ફૅશનનું મહત્ત્વ વધ્યું છે, જે સિમ્પલ ચીજને પણ ખાસ બનાવે છે. અહીં વાત વૉચની થાય છે તો બ્રેસલેટ સિવાય પણ એમાં હાથની હથેળી દર્શાવતા, પાંડા કે પૅરિસના આઇફલ ટાવરનો સિમ્બૉલ હોય એવા નાના મિની ચાર્મ્સ સામાન્ય વૉચને ખાસ બનાવી દે છે. ઘણા લોકો હાર્ટ કે મમ્મી-પપ્પાના ફર્સ્ટ લેટર્સ અથવા પાર્ટનરનું નામ લખેલું ચાર્મ પણ વૉચ સાથે અટૅચ કરવાનું પસંદ કરે છે.
સનગ્લાસિસને બનાવો યુનિક
નાનું ડીટેલિંગ પણ પર્સનાલિટીને ડિફાઇન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે સનગ્લાસિસને પણ ઍક્સેસરીઝથી ડેકોરેટ કરીને નવો લુક આપી શકાય એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. સનગ્લાસિસની દાંડીમાં ગોળ નાનું ઇઅરરિંગ અથવા વીંટી લટકાવી શકાય. આ ઉપરાંત ડાયમન્ડના સ્ટડ્સ અને નથણીને પણ દાંડી પર લટકાવીને સ્ટાઇલ કરી શકાય છે. સનગ્લાસિસ પર પણ ચાર્મ્સ લગાવી શકાય છે. કલરના હિસાબે નક્કી કરો કે બીડ્સવાળા સનગ્લાસિસ જોઈએ છે કે ફંકી લુક આપે એવા ઑક્સિડાઇઝ્ડ ઍક્સેસરીઝવાળા. જો તમે બીડ્સ અને ગોલ્ડન જ્વેલરીથી સનગ્લાસિસનો શણગાર કરો તો એ કોઈનાં લગ્નમાં પણ પહેરી શકો છો. આઉટડોર વેડિંગ હોય અને સનગ્લાસિસ પહેરો જ છો ત્યારે ઍક્સેસરીઝથી ડિઝાઇન કરેલા સનગ્લાસિસ તમારી પર્સનાલિટીને યુનિક બનાવશે.
જૂના જીન્સનો કરો ગ્લૅમ મેકઓવર
જીન્સનાં સિમ્પલ પૉકેટ્સનો ઍક્સેસરીઝની મદદથી મેકઓવર થઈ શકે છે. પૉકેટ્સ પર ઑક્સિડાઇઝ્ડ ઑર્નામેન્ટ્સ કે સ્ટોનથી જૂના ડેનિમ જીન્સને નવો લુક આપી શકાય છે. હવે એ તમારા પર આધાર રાખે છે કે તમને કેવાં અને કેટલાં ડિઝાઇનર પૉકેટ્સ જોઈએ છે. આમાં તમારી ક્રીએટિવિટી વધુ નીખરશે. હાર્ટ શેપના કે ફ્લાવર શેપના સ્ટડ્સ કે ડાયમન્ડ સ્ટોન્સ તમારા પૉકેટના લુકને રૉયલ બનાવશે. એમાં તમે નેકલેસ અથવા પગની પાયલને પણ લટકાવી શકો છો. જો તમારી પાસે પેન્ડન્ટવાળો નેકલેસ હોય તો હાફ બેલ્ટ તરીકે એને સ્ટાઇલ કરી શકાય, બાકી એને ગોલ્ડ અથવા સિલ્વર થીમના હિસાબે ડિઝાઇન કરી શકાય.
જૂનાં ઘરેણાંથી બૅગ્સને મળશે નવો લુક
અત્યારે હૅન્ડબૅગ્સ, ઑફિસ બૅગ્સ કે ટોટ બૅગ્સ લાંબા સમય સુધી યુઝ કર્યા બાદ એ વાપરવી ગમતી નથી અને નવી લેવાનું મન થાય છે; પણ નવી ચીજમાં પૈસા ખર્ચ કરવાને બદલે એ જ બૅગ્સને ઘરે પડેલી ઍક્સેસરીઝથી નવો લુક આપી શકો છો. કૅન્વસની ટોટ બૅગ્સને મોટા ભાગે આપણે ખરીદી કરવા જઈએ ત્યારે લઈ જઈએ છીએ. એના પર બીચની થીમના ચાર્મ્સ હોય જેમ કે શંખ, છીપલાં કે નાની છત્રીના કીચેન્સને અટૅચ કરી શકાય. કોઈની ફેવરિટ પ્લેસ દક્ષિણ ભારત હોય તો ત્યાંના કલ્ચરને રિપ્રેઝન્ટ કરતાં ચાર્મ્સ, ઇવિલ આઇ ચાર્મ્સ, ઇઅરરિંગ્સ, સ્ટડ્સ કે સ્ટોન લગાવી શકાય. આ ઉપરાંત હૅન્ડબૅગ્સ અને ઑફિસ બૅગ્સમાં ઘરમાં પડેલાં નેકલેસ, બ્રેસલેટ અને ઇઅરરિંગ્સનો પણ બૅગના સ્ટાઇલિંગ માટે ઉપયોગ કરી શકાય.

