સ્કિનકૅર માટે વપરાતી સિરમ, ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ અને ગોળીઓ આ બધા જ ફૉર્મમાં પેપ્ટાઇડ્સ નામના તત્ત્વનો ઉપયોગ ત્વચા માટે ઓવરડોઝ સાબિત થઈ શકે છે, જે ફાયદાને બદલે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે
પ્રતીકાત્મક તસવીર
તમારી સ્કિનકૅર પ્રોડક્ટ્સમાં પેપ્ટાઇડ્સ નામના તત્ત્વનો ઉલ્લેખ તો થયો જ હશે. પ્રોટીનના ભાઈ કહેવાતાં પેપ્ટાઇડ્સ અમીનો ઍસિડની બહુ નાની સાંકળો હોય છે. અમીનો ઍસિડ પ્રોટીનના બિલ્ડિંગ બ્લૉક્સ છે જેનાથી ત્વચા માટે જરૂરી કોલૅજન બને છે, ત્વચાને મૉઇશ્ચર પૂરું પાડે છે, વાળ અને ઊંઘની ગુણવત્તા સુધારે છે. આ ઉપરાંત પેપ્ટાઇડ મસલ રિકવરી માટે ઉપયોગી થાય છે. ત્વચાને મળતા આટલા ફાયદાઓને જાણીને ઘણા લોકો સિરમ, ગોળી, ઇન્જેક્શન કે સ્કિનકૅર રૂટીનની બધી જ પેપ્ટાઇડ્સવાળી પ્રોડક્ટ્સ એકસાથે વાપરે છે. લોકો માને છે કે જો એક પેપ્ટાઇડ ફાયદો કરે છે તો બે કે ત્રણ અલગ-અલગ પ્રકારનાં પેપ્ટાઇડ્સને ભેગાં કરવાથી એના ફાયદાઓ વધી જશે અને પરિણામ ઝડપી મળશે. સોશ્યલ મીડિયા પર આવા ટ્રેન્ડને ઓવરહાઇપ્ડ કરવામાં આવી રહ્યો છે અને એનાથી અઢળક ફાયદાઓ થશે એવા દાવા કરવામાં આવી રહ્યા છે અને તેમનું માનીને અનુસરણ કરવામાં આવે તો એ જોખમી સાબિત થઈ શકે છે.
નિષ્ણાતો કહે છે કે જ્યારે તમે અલગ-અલગ પ્રકારે પેપ્ટાઇડ્સને ભેગાં કરો તો શરીરમાં હૉર્મોન્સનું સંતુલન બગડી શકે છે. બજારમાં મળતી બધી જ પેપ્ટાઇડ્સયુક્ત પ્રોડક્ટ્સ સારી હોય એવું જરૂરી નથી. ગુણવત્તા ખરાબ હોય તો એ ઍલર્જી અથવા ચેપનું કારણ બની શકે છે. ઘણી વાર પેપ્ટાઇડ્સની ગોળી લેવામાં આવે તો એના ગુણો શરીરમાં બરાબર શોષાતા નથી. સોશ્યલ મીડિયા પર ઇન્ફ્લુઅન્સર્સની વાત માનતાં પહેલાં તેમના દાવાઓ ક્રૉસ ચેક કરવા બહુ જ જરૂરી છે. કોઈ પણ નવાં સપ્લિમે્ટ્સ અથવા ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં અથવા સ્કિનકૅર પ્રોડક્ટ્સ વાપરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છ. પેપ્ટાઇડ્સ સ્કિન માટે બહુ સારાં કહેવાય, પણ જો એનો યોગ્ય પદ્ધતિથી યુઝ કરવામાં આવે તો જ. બધા જ પ્રકારે પેપ્ટાઇડ્સનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે કારણ કે એના પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી.


