Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ચોમાસા પહેલાં છોડની સંભાળ માટે કરો આ કામ

ચોમાસા પહેલાં છોડની સંભાળ માટે કરો આ કામ

Published : 18 June, 2026 12:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો વરસાદ પહેલાં ડ્રેનેજ, માટી અને જીવાતોથી સુરક્ષા જેવી બાબતો પર ધ્યાન આપવામાં આવે તો છોડ વધુ ઝડપથી વિકસે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘણા લોકોને લાગે છે કે ચોમાસામાં છોડની ખાસ કાળજી લેવાની જરૂર નથી, કારણ કે કુદરત પોતે જ એમને પાણી અને પોષણ આપી દે છે. હકીકતમાં આ ઋતુમાં જ છોડને સૌથી વધુ સંભાળની જરૂર પડે છે. જો વરસાદ પહેલાં ડ્રેનેજ, માટી અને જીવાતોથી સુરક્ષા જેવી બાબતો પર ધ્યાન આપવામાં આવે તો છોડ વધુ ઝડપથી વિકસે છે અને રોગોથી પણ બચી શકે છે.

ઉનાળાની ગરમી બાદ ચોમાસું માત્ર લોકોને જ નહીં, પરંતુ છોડ-વૃક્ષોને પણ નવી તાજગી આપે છે. જોકે આ ઋતુ સાથે કેટલીક સમસ્યાઓ પણ આવે છે, જેમ કે કૂંડામાં પાણી ભરાઈ જવું, ફૂગ લાગવી, જીવાતોનો ઉપદ્રવ અને બિનજરૂરી ઘાસનું વધવું. જો તમે ઇચ્છતા હો કે તમારો ગાર્ડન ચોમાસામાં વધુ હરિયાળો અને સ્વસ્થ રહે તો વરસાદ શરૂ થાય એ પહેલાં આ મહત્ત્વપૂર્ણ તૈયારીઓ કરી લો.



૧. કૂંડાનાં ડ્રેનેજ હોલ ચેક કરો


ચોમાસામાં છોડ ખરાબ થવાનું સૌથી મોટું કારણ કૂંડામાં પાણી ભરાઈ રહેવું છે. જો ડ્રેનેજ હોલ માટી અથવા કાંકરાથી બંધ થઈ ગયું હોય તો વધારાનું પાણી બહાર નીકળી શકતું નથી, જેના કારણે મૂળ સડી જાય છે. તેથી વરસાદ પહેલાં તમામ કૂંડાનાં ડ્રેનેજ હોલ સાફ કરી લો.

૨. જંગલી ઘાસ દૂર કરો


ભેજ વધતાં જ કૂંડાં અને ક્યારીઓમાં બિનજરૂરી ઘાસ ઝડપથી ઊગી નીકળે છે. આ ઘાસ માટીનાં પોષક તત્ત્વો શોષી લે છે, જેના કારણે મુખ્ય છોડ નબળા પડી જાય છે. ચોમાસું શરૂ થાય એ પહેલાં ગાર્ડનમાંથી આ બિનજરૂરી ઘાસ દૂર કરી લો.

૩. છોડની હળવી છટણી કરો

છોડના વિકાસ અથવા નવી ડાળીઓ રોપમાં ફૂટે એ માટે ચોમાસું શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે એમાં તે ઝડપથી વધે છે. એટલે વરસાદ પહેલાં સૂકી, સડેલી અથવા રોગગ્રસ્ત ડાળીઓને કાપી નાખો, જેથી હવા અને સૂર્યપ્રકાશ છોડ સુધી સરળતાથી પહોંચે અને નવાં પાંદડાં તથા ડાળીઓ ઝડપથી વિકસે.

૪. વેલ અને ઊંચા છોડને ટેકો આપો

ચોમાસામાં વરસાદ સાથે ભારે પવન અવારનવાર ફૂંકાતો રહે છે. મની પ્લાન્ટ, ગિલોય અથવા શાકભાજીની વેલ જેવી નાજુક વનસ્પતિ ભારે વરસાદ અને પવનથી તૂટી શકે છે. તેથી વાંસની લાકડી, દોરી અથવા સ્ટિકની મદદથી એમને યોગ્ય ટેકો આપો.

૫. નવી માટી અને ખાતરની તૈયારી કરો

સતત વરસાદને કારણે કૂંડાની ઉપરની માટી અને એનાં પોષક તત્ત્વો ધોવાઈ શકે છે. ચોમાસા પહેલાં કૂંડામાં થોડી નવી માટી અને ઑર્ગેનિક ખાતર ઉમેરો. વરસાદનું પાણી મળતાં આ પોષક તત્ત્વો મૂળ સુધી સરળતાથી પહોંચશે અને છોડની વૃદ્ધિ વધુ સારી થશે.

૬. જીવાતો અને ફૂગથી બચાવ કરો

ભેજવાળું વાતાવરણ જીવાતો અને ફૂગ માટે અનુકૂળ હોય છે. ખાસ કરીને જીવાત અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ દર ૧૫ દિવસે લીમડાના તેલનો સ્પ્રે કરવો અથવા યોગ્ય ફંગિસાઇડનો છંટકાવ છોડને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK