બ્યુટી-પાર્લરમાં જઈને મોંઘીદાટ કેરટિન ટ્રીટમેન્ટ કરાવવા કરતાં ઘેરબેઠાં નૅચરલ નુસખો પણ અપનાવી શકાય
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાળની કૅર કરવા માટે માર્કેટમાં અઢળક પ્રોડક્ટ્સ મળે છે અને સૅલોંમાં જેવી જોઈએ એવી ટ્રીટમેન્ટ્સ પણ ઉપલબ્ધ છે, પણ નૅચરલ કૅરથી સારો વિકલ્પ કોઈ નથી. ઘેરબેઠાં જ કેરટિન જેવી ટ્રીટમેન્ટ જોઈતી હોય તો અળસીનાં બીજનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે તમારા વાળને સિલ્કી, સ્મૂધ અને સ્ટ્રેટ બનાવવા માગતા હો તો એ કામ અળસીનાં બીજ કરશે. ઘેરબેઠાં નૅચરલી કેરટિન ટ્રીટમેન્ટ જોઈતી હોય તો આ રહી સિમ્પલ અને સરળ પદ્ધતિ.
હોમમેડ કેરટિન ટ્રીટમેન્ટ
ADVERTISEMENT
કેરટિન ટ્રીટમેન્ટ માટે એક સિમ્પલ હેરમાસ્ક બનાવવો પડશે. આ માટે એક પૅનમાં એક કપ જેટલું પાણી ગરમ કરીને એમાં બે ચમચી જેટલાં અળસીનાં બીજ નાખો. એને ધીમા તાપે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી જેલ જેવી કન્સિસ્ટન્સી ન થાય. એટલે કે આશરે પાંચથી સાત મિનિટ સુધી એને મીડિયમ ફ્લેમ પર જ રહેવા દો. પછી એને ઠંડું કરીને ગળણીથી ગાળી લઈને એમાં એક ચમચી જેટલું ઍલોવેરા જેલ અને એક ચમચી જેટલું નારિયેળ તેલ મિક્સ કરો. જો નારિયેળ તેલ ન હોય તો ઑલિવ ઑઇલ અથવા આમન્ડ ઑઇલ પણ લઈ શકાય. બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરો અને પછી એને સ્કૅલ્પમાં અપ્લાય કરતા જાઓ અને હળવા હાથે સર્ક્યુલર મોશનમાં મસાજ કરતા જાઓ. પછી એને એક કલાક સુધી રહેવા દો. માથાને શાવર કૅપથી ઢાંકી દો. જો એ ન હોય તો ગરમ કરેલો ટુવાલ પણ ચાલશે. પછી વાળને માઇલ્ડ શૅમ્પૂથી ધોઈ લેવા અને પછી કન્ડિશનર અપ્લાય કરવું. આ ટ્રીટમેન્ટ સપ્તાહમાં એકથી બે વાર કરવી જોઈએ. એના નિયમિત ઉપયોગથી વાળ કુદરતી રીતે સિલ્કી અને સ્ટ્રેટ થઈ જશે.
બેનિફિટ્સ
અળસીનાં બીજમાં વાળને જરૂરી તમામ પોષણ મળે છે જે તમારા વાળની ડ્રાયનેસ અને ફ્રિઝીનેસને દૂર કરીને ફ્રેશ બનાવે છે, હેરગ્રોથને બૂસ્ટ કરે છે અને ડૅન્ડ્રફની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. ઑઇલી સ્કૅલ્પ રહેતું હોય એ લોકો માટે અળસીનાં બીજનો નિયમિત ઉપયોગ સારો માનવામાં આવે છે. એનાથી ડૅમેજ થયેલા વાળ રિપેર થાય છે અને નબળા વાળ સ્ટ્રૉન્ગ બનાવે છે. અળસીનાં બીજ ઑમેગા-થ્રી ફૅટી ઍસિડથી ભરપૂર હોવાથી ઍલોવેરા જેલ સાથે એને વાળમાં અપ્લાય કરવાથી વાળ વધુ સૉફ્ટ થશે અને આ મિશ્રણ વાળને હાઇડ્રેશન પૂરું પાડશે.


