કોણી સુધી અથવા એનાથી ઉપર આવતાં લાંબાં ઑપેરા ગ્લવ્ઝ હવે માત્ર શાહી પરિવારની ફૅશન પૂરતાં મર્યાદિત નથી. પાર્ટીવેઅરથી લઈને ગાઉન અને ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ આ ગ્લવ્ઝને સ્ટાઇલ કરવામાં આવી રહ્યાં છે
સાડી સાથે ઑપેરા ગ્લવ્ઝ અને લેહંગા સાથે ઑપેરા ગ્લવ્ઝ.
ફૅશનવર્લ્ડમાં જૂના ટ્રેન્ડ્સ નવા અંદાજમાં પાછા ફરતા રહે છે. એક સમયે માત્ર યુરોપિયન શાહી પરિવારો, ઑપેરા હાઉસ અને ખાસ ઔપચારિક સમારંભો પૂરતાં મર્યાદિત રહેલાં ઑપેરા ગ્લવ્ઝ અત્યારે ટ્રેન્ડ કરી રહ્યાં છે. કોણી સુધી અથવા એનાથી પણ ઉપર બાવડા સુધી આવતાં આ લાંબાં ગ્લવ્ઝ હવે માત્ર વિન્ટેજ કે વેસ્ટર્ન ગાઉન પૂરતાં સીમિત નથી રહ્યાં. ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે પણ એનું જોરદાર ફ્યુઝન જોવા મળી રહ્યું છે.
કેમ ખાસ છે ઑપેરા ગ્લવ્ઝ?
ADVERTISEMENT
સામાન્ય રીતે કાંડા સુધી આવતાં ગ્લવ્ઝ શિયાળામાં ઠંડીથી બચવા કે બાઇક ચલાવતી વખતે પહેરવામાં આવે છે, પરંતુ ઑપેરા ગ્લવ્ઝ સંપૂર્ણપણે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ છે. એ હાથની સુંદરતામાં ૪ ચાંદ લગાવે છે અને કોઈ પણ સાદા આઉટફિટને તરત જ ગ્લૅમરસ અને રૉયલ ટચ આપે છે. બૉલીવુડની ટોચની અભિનેત્રીઓથી લઈને ઇન્ટરનૅશનલ રેડ કાર્પેટ સુધી દરેક જગ્યાએ આ ગ્લવ્ઝનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ફૅબ્રિક અને ડિઝાઇનમાં અઢળક વરાઇટી
બદલાતા સમય સાથે ઑપેરા ગ્લવ્ઝના મટીરિયલમાં પણ ઘણા પ્રયોગો થયા છે. હવે માત્ર સૅટિન કે વેલ્વેટ જ નહીં, અનેક પ્રકારના ફૅબ્રિકમાં આ ગ્લવ્ઝ ઉપલબ્ધ છે.
સૅટિન અને સિલ્ક : ક્લાસિક અને રૉયલ લુક માટે સૅટિન ગ્લવ્ઝ આજે પણ પહેલી પસંદ છે. ખાસ કરીને સ્ટ્રેપલેસ કે ઑફ-શોલ્ડર ગાઉન સાથે આ ખૂબ જ આકર્ષક લાગે છે.
શિયર અને નેટ : ડે ટાઇમ ફંક્શન કે મિનિમલ સ્ટાઇલિંગ માટે માટે ટ્રાન્સપરન્ટ નેટ અથવા ટ્યુલ ફૅબ્રિકનાં ગ્લવ્ઝ ખૂબ પસંદ કરવામાં આવે છે. એના પર ઝીણી એમ્બ્રૉઇડરી કે સ્ટોનવર્ક પણ જોવા મળે છે.
વેલ્વેટ : વિન્ટર વેડિંગ સીઝન અને નાઇટ પાર્ટીઓ માટે ડાર્ક શેડ્સનાં વેલ્વેટ ગ્લવ્ઝ એકદમ રિચ લુક આપે છે.
લેસ અને સીક્વન્સ : કૉકટેલ પાર્ટીમાં ચમકવા માટે સીક્વન્સ અથવા નાજુક લેસવર્કવાળાં ગ્લવ્ઝ બેસ્ટ ઑપ્શન છે.
ઇન્ડો-વેસ્ટર્ન અને સાડી સાથે નવું ફ્યુઝન
ઑપેરા ગ્લવ્ઝને દેશી અંદાજમાં પણ ઢાળવામાં આવી રહ્યા છે. હવે યુવતીઓ માત્ર ગાઉન જ નહીં; સાડી, લેહંગા અને અનારકલી સાથે પણ ઑપેરા ગ્લવ્ઝ પહેરી રહી છે.
સાડી સાથે સ્ટાઇલિંગ: સ્લીવલેસ કે સ્ટ્રેપ બ્લાઉઝ સાથે સાડી પહેરી હોય ત્યારે મૅચિંગ અથવા કૉન્ટ્રાસ્ટ કલરનાં શિયર ઑપેરા ગ્લવ્ઝ પહેરવાથી ખૂબ જ મૉડર્ન અને બોલ્ડ લુક
મળે છે.
લેહંગા અને કોર્સિટ :
આજકાલ લેહંગા સાથે ચોલીને બદલે કોર્સિટ ટૉપ પહેરવાનો ટ્રેન્ડ છે. આવા કોર્સિટ લેહંગા સાથે એમ્બ્રૉઇડરીવાળાં ઑપેરા ગ્લવ્ઝ દુલ્હનની બહેનો અને બ્રાઇડમેઇડ્સ માટે હૉટ ફેવરિટ બન્યાં છે.
ફ્યુઝન ડ્રેસ : ધોતી પૅન્ટ્સ અને ક્રૉપ ટૉપ અથવા ઇન્ડો-વેસ્ટર્ન કેપ જૅકેટ સાથે પણ આ ગ્લવ્ઝ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.
આટલી બાબતોનું ધ્યાન રાખો
ઑપેરા ગ્લવ્ઝ જેટલાં સ્ટાઇલિશ લાગે છે, એને કૅરી કરવા માટે એટલી જ સમજદારી જરૂરી છે. યોગ્ય સ્ટાઇલિંગ ન થાય તો લુક બગડી પણ શકે છે.
સ્લીવ્ઝની પસંદગી : ઑપેરા ગ્લવ્ઝ હંમેશાં સ્લીવલેસ, ઑફ-શોલ્ડર, હોલ્ટર-નેક અથવા સ્ટ્રેપલેસ આઉટફિટ સાથે જ પહેરવાં જોઈએ. ફુલ સ્લીવ્ઝ પર ગ્લવ્ઝ પહેરવાનું ટાળો.
જ્વેલરીનું બૅલૅન્સ : જ્યારે તમે લાંબાં ગ્લવ્ઝ પહેરો છો ત્યારે હાથમાં બંગડી કે બ્રેસલેટ પહેરવાની જરૂર રહેતી નથી. ગળામાં ચોકર અથવા કાનમાં હેવી ઇઅર-રિંગ્સ લુકને પૂર્ણ કરશે.
પર્ફેક્ટ ફિટિંગ : ગ્લવ્ઝ હાથમાં એકદમ ફિટ બેસવાં જોઈએ. જો એ ઢીલાં હશે તો વારંવાર નીચે સરકશે, જે પાર્ટીમાં અસહજતા ઊભી કરી શકે છે.
કલર કૉમ્બિનેશન : જો તમે પહેલી વાર આ ટ્રેન્ડ અપનાવી રહ્યા હો તો આઉટફિટના સેમ કલરનાં ગ્લવ્ઝ પસંદ કરો. થોડો બોલ્ડ એક્સપરિમેન્ટ કરવો હોય તો બ્લૅક, વાઇટ અથવા મેટાલિક શેડ્સનાં ગ્લવ્ઝ અજમાવી શકાય.
જો તમે આગામી પાર્ટી કે વેડિંગ ફંક્શનમાં ભીડથી અલગ અને રૉયલ દેખાવા માગતા હો તો તમારા વૉર્ડરોબમાં ઑપેરા ગ્લવ્ઝની એક જોડી ચોક્કસ સામેલ કરો. યોગ્ય આત્મવિશ્વાસ સાથે પહેરેલાં આ ગ્લવ્ઝ તમને કોઈ પણ ઇવેન્ટના શો-સ્ટૉપર બનાવી દેશે.
