લાતુરમાં કાર્યકરોએ અમિત દેશમુખના પૂતળાને ચંપલ મારીને લટકાવ્યું
અમિત દેશમુખ
અઢારમી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાનનો મહિમા કરવા બદલ કૉન્ગ્રેસના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અમિત દેશમુખ સામે રવિવારે લાતુરમાં BJPએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
ટીપુ સુલતાનની જન્મજયંતી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં અમિત દેશમુખે યુવા પેઢીને આ શાસક વિશે જાણવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કૉન્ગ્રેસના નેતા અમિત દેશમુખે ટીપુ સુલતાનની સ્મૃતિ જાળવી રાખવાની પહેલને સમર્થન આપવાની ખાતરી પણ આપી હતી. આ ટિપ્પણીઓ સામે BJPનું વિરોધ-પ્રદર્શન છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે યોજાયું હતું. પક્ષના કાર્યકરોએ અમિત દેશમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના પૂતળાને ચંપલ મારીને લટકાવ્યું હતું.
ADVERTISEMENT
BJPના રાજ્યસભાના સંસદ સભ્ય અશોક ચવાણે અમિત દેશમુખની ઇતિહાસની સમજ સામે સવાલ ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે શું આવાં નિવેદનો રાજકીય હેતુસર આપવામાં આવ્યાં છે. BJPના પ્રધાન નીતેશ રાણેએ અમિત દેશમુખ અને કૉન્ગ્રેસ પર ટીપુ સુલતાનનો મહિમા કરવાનો અને તુષ્ટીકરણની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો.
અમિત દેશમુખે આ કાર્યક્રમને કોમી એકતાની પહેલ ગણાવ્યો
અમિત દેશમુખે બાદમાં આ કાર્યક્રમને સામાજિક સમરસતા અને કોમી એકતાને પ્રોત્સાહન આપતી પહેલ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ટીપુ સુલતાન, છત્રપતિ શિવાજી મહારાજ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય ધીરજ દેશમુખે પણ પોતાના ભાઈ અમિત દેશમુખનો બચાવ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે અમિત દેશમુખના ભાષણના અમુક જ અંશો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે અને આ ટિપ્પણીઓનો ઉદ્દેશ ઐતિહાસિક વ્યક્તિત્વો, છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો, બંધારણીય મૂલ્યો અને સર્વ ધર્મ સમભાવ વિશે જાગૃતિ લાવવાનો હતો.
