ભારતમાં અત્યારે લાઇવ મ્યુઝિક શોનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. પહેલાં લોકો કૉન્સર્ટમાં માત્ર ગીતો સાંભળવા માટે જતા, પણ હવે એ પોતાની ફૅશન ફ્લૉન્ટ કરવાનું મોટું પ્લૅટફૉર્મ બની ગયું છે.
પ્રતીકાત્મક તસવીર
આજકાલ યુવાનો જે-તે કલાકારની વાઇબ મુજબ તૈયાર થાય છે. દિલજિત દોસાંજના શોમાં પંજાબી તડકો અને હાઈ એનર્જી હોય છે. અહીં યુવાનો ઓવરસાઇઝ્ડ ગ્રાફિક ટી-શર્ટ્સ, બૅગી જીન્સ અને બ્રાઇટ કલર્સના જૅકેટ સાથે દેશી સ્વૅગ અપનાવે છે. સાથે મોંઘાં સ્નીકર્સ આ લુકને કમ્પ્લીટ કરે છે. એવી જ રીતે અરિજિત સિંહની કૉન્સર્ટમાં ફૅશન થોડી સોબર અને એલિગન્ટ હોય છે. સાદું ડેનિમ, વાઇટ શર્ટ કે કમ્ફર્ટેબલ કુરતી જેવાં રિલૅક્સ્ડ આઉટફિટ્સ અહીં વધુ જોવા મળે છે.
મ્યુઝિકના જોનર મુજબ લુક નક્કી કરો
ADVERTISEMENT
તમે કેવા પ્રકારની કૉન્સર્ટમાં જાઓ છો તેના પરથી તમારી સ્ટાઇલ નક્કી થાય છે.
EDM (ઇલેક્ટ્રૉનિક ડાન્સ મ્યુઝિક) અને ઇલેક્ટ્રૉનિક - અહીં નિયૉન કલર્સ, હોલોગ્રાફિક ફૅબ્રિક્સ એટલે કે રેન્બો ઇફેક્ટ આપતું કાપડ તેમ જ ફંક્શન ગિયર એટલે કે મલ્ટિ-પૉકેટ કાર્ગો પેન્ટ, ક્રૉસ-બૉડી બૅગ, હાઈ-ટેક શૂઝ, એવા બેલ્ટ કે જૅકેટ જે અંધારામાં પણ ચમકે એ બધું પહેરવાનો ટ્રેન્ડ છે.
રૉક મ્યુઝિક - જો તમે રૉક મ્યુઝિકના ફૅન હો તો ફાટેલાં જીન્સ, લેધર જૅકેટ અને બૅન્ડ ટી-શર્ટ બેસ્ટ છે. સાથે કૉમ્બૅટ બૂટ્સ પહેરવાથી આ લુક કમ્પ્લીટ થશે.
પૉપ મ્યુઝિક - પૉપ કૉન્સર્ટમાં ચમકદમક અને બ્રાઇટ કલર્સ ચાલે છે. સીક્વન ડ્રેસ કે ક્યુરેટેડ આઉટફિટ્સ જે પર્ફોર્મરની સ્ટાઇલ સાથે મળતાં આવતાં હોય એ તમને ભીડમાં અલગ તારશે.
પર્ફેક્ટ કૉન્સર્ટ લુક માટેની પ્રો-ટિપ્સ
જો તમે પણ કોઈ મ્યુઝિક કૉન્સર્ટમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો.
કમ્ફર્ટ ઇઝ કિંગ - કૉન્સર્ટમાં કલાકો સુધી ઊભા રહેવાનું અને નાચવાનું હોય છે. એટલે હાઈ હીલ્સને ઘરે જ રહેવા દો. સ્નીકર્સ, કૉમ્બૅટ બૂટ્સ કે પ્લૅટફૉર્મ શૂઝ બેસ્ટ છે. એ તમને સ્ટાઇલ પણ આપશે અને પગને પણ થાકવા નહીં દે.
લેયરિંગનો જાદુ - જો કૉન્સર્ટ ઓપન ગ્રાઉન્ડમાં હોય તો તાપમાન બદલાઈ શકે છે. એક ડેનિમ જૅકેટ કે લેધર બૉમ્બર જૅકેટ સાથે રાખો. એને પહેરવું ન હોય ત્યારે કમર પર બાંધી દો. એ તમને એક રફ અને ટફ લુક આપશે.
હૅન્ડ્સ-ફ્રી બૅગ - મોટી બૅગ્સને બદલે ક્રૉસ-બૉડી બૅગ અથવા કમર પર બાંધવાની બૅગ પસંદ કરો. આમાં તમારો ફોન અને બીજી જરૂરી વસ્તુઓ એકદમ સુરક્ષિત રહેશે અને તમે મુક્તપણે ડાન્સ કરી શકશો.
ઍક્સેસરીઝ અને મેકઅપ - કૉન્સર્ટમાં થોડું ગ્લિટર, બોલ્ડ આઇલાઇનર કે નિયૉન ઍક્સેસરીઝ ટ્રાય કરવામાં જરાય અચકાશો નહીં. ગ્રાફિક ટીઝ અને કાર્ગો પૅન્ટ્સ સાથે સ્ટેટમેન્ટ ચેઇન્સ ખૂબ જ ટ્રેન્ડી લાગે છે.
