Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્ક્રીન પર સવા કરોડની જીત, બૅન્ક-ખાતામાં ઝીરો

સ્ક્રીન પર સવા કરોડની જીત, બૅન્ક-ખાતામાં ઝીરો

Published : 19 February, 2026 06:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાલચમાં ફસાઈને નવી મુંબઈના યુવાને ઑનલાઇન ગેમિંગ વેબસાઇટ પર ૬૫ લાખ ૧૬ હજાર ૫૦૦ રૂપિયા ગુમાવ્યા, છેક ૨૮૫ ટ્રાન્ઝૅક્શન પછી ખૂલ્યો સાઇબર છેતરપિંડીનો ખેલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈના કોપરખૈરણેમાં રહેતા ૩૦ વર્ષના યુવાન સાથે SAT Sports નામની ઑનલાઇન ગેમિંગ વેબસાઇટ મારફત કુલ ૬૫,૧૬,૫૦૦ રૂપિયાની સાઇબર છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. આ મામલે નવી મુંબઈના સાઇબર પોલીસ સેલે ગઈ કાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વૉટ્સઍપ પર મળેલી લિન્ક દ્વારા યુવાને વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરીને વિવિધ ઑનલાઇન ગેમોમાં રોકાણ શરૂ કર્યું હતું. શરૂઆતમાં અકાઉન્ટમાં જીતેલી રકમ દર્શાવીને અને થોડા પૈસા ઉપાડવાની સુવિધા આપીને તેનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં અકાઉન્ટમાં ૧.૨૫ કરોડ રૂપિયા જેટલી જીત દર્શાવવામાં આવી હોવા છતાં રકમ ઉપાડી શકાઈ નહોતી અને વધુ રકમ જમા કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. ૨૦૨૩ની ૨૫ જાન્યુઆરીથી ૨૦૨૬ની ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન કુલ ૨૮૫ ટ્રાન્ઝૅક્શન દ્વારા યુવાને વિવિધ અકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યાર બાદ સંપર્ક માટે આપવામાં આવેલા મોબાઇલ-નંબરો બંધ મળતાં છેતરપિંડી થયાનો ભાંડો ફૂટ્યો હતો.

શું હતો ઘટનાક્રમ?



નવી મુંબઈના કોપરખૈરણે વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના યુવાનને જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન વૉટ્સઍપ મારફત SAT Sports નામની ગેમિંગ વેબસાઇટની લિન્ક પ્રાપ્ત થઈ હતી જેમાં વધુ નફાની લાલચ આપીને રોકાણ કરવા કહેવામાં આવ્યું હતું.


વેબસાઇટ પર લૉગ-ઇન કર્યા પછી યુવાનને અકાઉન્ટ ID આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં રમતમાં જીતેલી રકમ અકાઉન્ટમાં દેખાતી હતી અને થોડા પૈસા ઉપાડી શકાતાં યુવાનનો વિશ્વાસ વધ્યો હતો.

તીન પત્તી, કસીનો, ક્રિકેટ, ફુટબૉલ જેવી ઑનલાઇન ગેમમાં યુવાને ધીરે-ધીરે લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ તમામ રકમ QR કોડ અને અલગ-અલગ બૅન્ક-ખાતાં દ્વારા મોકલવામાં આવી હતી.


૨૦૨૩ની ૨૫ જાન્યુઆરીથી ૨૦૨૬ની ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન કુલ ૬૫,૧૬,૫૦૦ રૂપિયા વિવિધ ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એની સામે ૧,૨૫,૦૦,૦૦૦ રૂપિયાની જીત દર્શાવવામાં આવી હતી, પરંતુ યુવાન દ્વારા રકમ ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવતાં એ શક્ય બન્યું નહોતું. ત્યાર બાદ વધુ પૈસા જમા કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું.

૧૦ ફેબ્રુઆરી બાદ ગેમિંગ અકાઉન્ટમાં જીતની રકમ દેખાવાની બંધ થઈ ગઈ હતી. આપવામાં આવેલા મોબાઇલ-નંબર પર સંપર્ક કરતાં નંબર બંધ મળી આવતાં છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી.

અંતે યુવાને નવી મુંબઈ સાઇબર
પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગેમિંગ કંપની તેમ જ રકમ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાયેલાં બૅન્ક-ખાતાં અને મોબાઇલ-નંબરની તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસ ઑનલાઇન ગેમિંગ મારફત વધતી સાઇબર છેતરપિંડીનું વધુ એક ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 06:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK